પોરબંદરમાં છેલ્લા થોડાક સમયથી કોસ્ટગાર્ડની બોટની માહિતી પાકિસ્તાન જતી હોવાની માહિતીને આધારે ATS દ્વારા અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ યુવક પર નજર રાખવામાં આવતી હતી. ગુજરાત ATSએ ગુજરાતના કોસ્ટ ગાર્ડ પાસેથી ઇન્ફર્મેશન મેળવી પાકિસ્તાનની જાસૂસ સંસ્થા ISIને માહિતી પહોંચાડતા પંકજ કોટિયા નામના જાસૂસને ઝડપી પાડ્યો છે. આરોપી ઘણા સમયથી કોસ્ટલ વિસ્તારમાં મહત્વની માહિતી ભેગી કરતો હતો. તેમજ અલગ-અલગ માધ્યમથી પાકિસ્તાન પહોંચાડતો હોવાની વિગતો સામે આવતા ગુજરાત ATSએ આરોપીની ધરપકડ કરી છે.આ શંકાસ્પદ યુવક પંકજ કોઠીયાની અટકાયત બાદ તેના મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો.
પોરબંદરના પંકજ કોટિયાએ કઈ-કઈ વિગત પાકિસ્તાન પહોંચાડી છે, તે શોધવાના પ્રયાસો શરૂ કર્યા છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા મારફતે તેણે કેટલીક વિગત મોકલી આપવાનું હાલ જાણવા મળી રહ્યું છે. પરંતુ, ગુજરાત ATS દ્વારા કોઈપણ કચાશ ન રહી જાય અને તપાસના મૂળ સુધી પહોંચી શકાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.આરોપી પોરબંદર કોસ્ટડગાર્ડ જેટી તથા જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટોની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાન મોકલી આપતો હતો
ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, પોરબંદરનો એક શખસ કેટલાક સમયથી પાકિસ્તાની આર્મી કે જાસૂસી સંસ્થા ISIના અધિકારી કે એજન્ટના સંપર્કમાં છે. આ શખસ પોરબંદર કોસ્ટગાર્ડની કેટલીક માહિતી લીક કરીને પાકિસ્તાન પહોંચાડે છે. જેને લઇને ગુજરાત ATSની ટીમે પંકજ કોટિયા નામના શંકાસ્પદ પર વોચ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે પંકજની અટકાયત કરી હતી.
આ કેસની વધુ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી તંબાકુ પેકેજીંગનું કામ કરે છે. એકાદ વર્ષથી કેટલીક વખત પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડની શીપ ઉપર વેલ્ડિંગ તથા અન્ય પરચૂરણ કામ માટે હેલ્પર તરીકે જતો હતો. આરોપીને 8 માસ પહેલા રીયા નામની ફેસબુક પ્રોફાઇલના ધારક સાથે સંપર્ક થયો હતો. જે ફેસબુક આઇડી ધારકે પંકજ સાથે વોટ્સએપથી પણ સંપર્ક સાધ્યો હતો. જેથી, પોલીસે વોટ્સએપની તપાસ કરતા તે પાકિસ્તાનથી ઓપરેટ થતુ હોવાનું સામે આવ્યુ હતું.
બીજી તરફ જાસૂસ પંકજને નાણાંની લાલચ આપીને ફેસબુક આઇડી ધારકે જેટી ઉપરના શીપના નામ, કોસ્ટગાર્ડના શીપના લોકેશન સહિતની માહિતી મેળવી હતી. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યુ કે, આરોપી પંકજે કેટલીક સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલીને ફેબ્રુઆરીથી આજ સુધી 26 હજાર રૂપિયા પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવ્યા હતા.