દાહોદમાં નકલી બિન ખેતીના હુકમોના આધારે કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી સરકાર સાથે ઠગાઈ કરનારા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. દાહોદ તાલુકા પંચાયતના કર્મચારી મહેશ ભગુભાઈ પટેલે 112 સર્વે નંબરોમાં દાહોદ તાલુકા પંચાયત કચેરીના સહી સિક્કા સાથેના નકલી બિન ખેતીના હુકમો તૈયાર કરવાના પ્રકરણમાં દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 75 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે કૌભાંડમાં પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે.

દાહોદના બહુચર્ચિત નકલી બિન ખેતીના હુકમો બનાવવાના કૌભાંડની તપાસમાં ભેજાબાજ બિલ્ડર શૈશવ પરીખ સહિતના ભૂમાફિયાઓના કરતૂતો બહાર આવી રહ્યા છે. દાહોદ કલેકટર કચેરીએ કરેલી તપાસ દરમિયાન 219 સર્વે નંબરોને બ્લેક લિસ્ટ કરાયા હતા. જેમાં 197 સર્વે નંબરોમાં દાહોદ તાલુકા પંચાયત કચેરીના સહી સિક્કા કરી 2016 થી 2020 ના સમયગાળા દરમિયાન નકલી બિનખેતીના હુકમો બનાવી દાહોદ સીટી સર્વે કચેરીમાંથી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવ્યા હતા. આ નકલી બિન ખેતીના હુકમો બનાવીને સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી હતી.
કલેક્ટર કચેરીની તપાસ બાદ 4 દિવસ અગાઉ 33 શખ્સો સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ દાહોદ તાલુકા પંચાયતના કર્મચારી મહેશ પટેલે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 112 સર્વે નંબરોના નકલી બિન ખેતીના હુકમો મામલે 75 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. નકલી બિન ખેતીના હુકમો અંગે કરેલી તપાસ દરમિયાન 82 સર્વે નંબરોના દસ્તાવેજી પુરાવા દાહોદ તાલુકા પંચાયત કચેરીમાંથી અદ્રશ્ય થઈ ગયા છે. 112 સર્વે નંબરોના નકલી બિન ખેતીના હુકમો સામે ગુનો દાખલ કરાયા બાદ હવે 82 સર્વે નંબરોના મિલકતધારકો સામે સરકારી કચેરીમાંથી દસ્તાવેજી પુરાવા સગેવગે કરવાની કલમોના ઉમેરા સાથે વધુ એક ગુનો દાખલ થાય તેવી શક્યતા છે.

નકલી એનએ કૌભાંડ સંદર્ભે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 112 સર્વે નંબરોના નકલી બિન ખેતીના હુકમો તૈયાર કરવામાં સંડોવાયેલા 75 શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વર્ષ 2016 થી 2020ના સમયગાળા દરમિયાન તૈયાર કરાયેલા નકલી હુકમોની ફરિયાદમાં 11 મહિલાનો સમાવેશ થાય છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે. નકલી એનએ પ્રકરણમાં ચોથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
દાહોદ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એમ.બી પટેલે જણાવ્યું દાહોદ, દેલસર, રળિયાતી, ઉસરવાણ, કતવારા, ઉકરડી, જાલત, નસીરપુર અને નગરાળા ગામના 112 સર્વે નંબરોમાં 75 શખ્સોએ મળતિયાઓ સાથે મળી 27 મે 2016થી માંડીને 12 મે 2020ના સમયગાળા દરમિયાન કૌભાંડ આચર્યુ છે.

નકલી બિનખેતીના હુકમોના કૌભાંડનો ખુલાસો થતાં દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિમાં પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સિટી સરવે સુપ્રિન્ટેન્ડેન્ટ અને મામલતદારનો સમાવેશ કરાયો હતો. સમિતની તપાસ દરમિયાન દાહોદ તાલુકા પંચાયતના 197 હુકમો શંકાસ્પદ માલૂમ પડ્યા હતા. 112 સર્વે નંબરોની ફરિયાદ કરી બાકીના સર્વે નંબરના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
દાહોદના નકલી બિનખેતી કૌંભાડના પગલે રાજ્ય સરકારે વર્ગ-1 અને વર્ગ-2 ના ત્રણ અધિકારીઓની તાજેતરમાં બદલી કરી છે. દાહોદ પ્રાંત અધિકારી એન.બી.રાજપૂતની પોરબંદર ખાતે અને મામલતદાર એમ.કે.મિશ્રાની અમરેલી ચૂંટણી વિભાગમાં બદલી કરાઈ હતી. જ્યારે દાહોદ ડેપ્યુટી ડીડીઓ મિલિંદ દવેની દાહોદ પ્રાંત અધિકારી તરીકે બદલી કરાઈ હતી.