પુત્રમોહમાં ક્રૂર પિતાએ 7 વર્ષની દીકરી કેનાલમાં ફેંકી
પત્નીને કહ્યું- 'કોઇને કહીશ તો તને છુટાછેડા આપી દઇશ', કપડવંજનો હચમચાવી દેતો બનાવ

પુત્રમોહમાં ક્રૂર પિતાએ 7 વર્ષની દીકરી કેનાલમાં ફેંકી

પુત્રમોહમાં ક્રૂર પિતાએ 7 વર્ષની દીકરી કેનાલમાં ફેંકી
ખેડા જિલ્લાના કપડવંજમાંથી ક્રૂરતાની તમામ હદ વટાવતો એક કિસ્સો સામે આવ્યો છે. પુત્રની લાલસામાં અંધ બનેલા એક પાપી પિતાએ પોતાની સાત વર્ષની નિર્દોષ દીકરીને કેનાલમાં ફેંકીને હત્યા કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી ગયો છે. બે પુત્રીઓના જન્મથી જ અણગમો ધરાવતા આ પિતાએ છેવટે પોતાની મોટી દીકરી ભૂમિકા (ઉંમર 7 વર્ષ) ને પત્નીની નજર સામે જ કેનાલના ધસમસતા પાણીમાં ફેંકી દીધી હતી. આટલું જ નહીં, આ કૃત્ય બાદ તેણે પત્નીને પણ ધમકી આપી હતી કે જો તે આ વાત કોઈને કહેશે તો તેને છૂટાછેડા આપી દેશે. જોકે, પત્નીએ હિંમત કરીને પોતાના ભાઈને આ ભયાવહ ઘટના વર્ણવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
પિતાને જન્મથી જ દીકરીઓ ખટકતી હતીઆ ઘટનાની વિગતો મુજબ, કપડવંજ તાલુકાના માલવણ તાબે ચેલાવત ગામમાં 35 વર્ષીય અંજનાબેન સોલંકી રહે છે. તેમના લગ્ન 11 વર્ષ પહેલા વિજય સોલંકી સાથે થયા હતા. લગ્ન બાદ અંજનાબેને બે દીકરીઓને જન્મ આપ્યો. જેમાં મોટી દીકરી ભૂમિકા (ઉ.વ.7) અને તેનાથી નાની એક ત્રણ વર્ષની દીકરી છે. જોકે, પતિ વિજય સોલંકીને આ પુત્રીઓ ખટકતી હતી અને તેને પુત્ર પ્રાપ્તિનો પ્રબળ મોહ હતો. આ જ કારણે વિજય અવારનવાર પોતાની પત્ની સાથે આ બાબતે ઝઘડો કરતો હતો. જેના પરિણામે અંજનાબેન ઘણી વખત રિસાઈને પોતાના પિયર આવી જતા હતા, પરંતુ સમજાવટ બાદ વિજય તેમને પરત લઈ જતો હતો.
જીવતી દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દીધીગુરુપૂર્ણિમાના દિવસે એટલે કે 10 જુલાઈ, 2025 ના રોજ વિજય પોતાની પત્ની અંજના અને સાત વર્ષની દીકરી ભૂમિકાને બાઇક પર બેસાડી દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો હતો. માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે, અંજનાએ પોતાના પતિને પિયર જવાની વાત કરી. પરંતુ, પતિ વિજયે ના પાડી અને ઉશ્કેરાઈને કહ્યું કે, "મારે છોકરો જોઈતો હતો અને તે છોકરીઓ પેદા કરી." આમ કહી, ઘરે આવતા સમયે રાત્રે આઠ વાગ્યાની આસપાસ કપડવંજના વાઘાવત સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પરના વાઘાવત પુલ પર વિજયે બાઇક ઊભું રાખ્યું.
ત્યારબાદ અચાનક વિજયે 7 વર્ષની ભૂમિકાને અંજનાના હાથમાંથી લઈ, જીવતી કેનાલના ધસમસતા પાણીમાં ફેંકી દીધી હતી. આ ભયાવહ કૃત્ય બાદ તેણે પત્નીને ધમકાવતા કહ્યું કે, "જો તું આ બાબતે કોઈને વાત કરીશ તો તને છૂટાછેડા આપી દઈશ." આમ પત્નીને ધમકી આપીને વિજય તેને ઘરે લઈ આવ્યો હતો.
પત્નીએ ભાઈઓને વાત કરતા રહસ્ય પરથી પડદો ઉંચકાયોઆ ઘટનાના બીજા જ દિવસે વાઘાવત કેનાલના પાણીમાંથી આ દીકરીનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ મળ્યા બાદ આતરસુંબા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે વખતે પણ પતિ વિજયે પોતાની પત્ની પર દબાણ કરીને કહ્યું કે, તારે એવું કહેવાનું કે ભૂમિકાને માછલી જોવા લઈ જતી વખતે હાથમાંથી છટકી ગઈ હતી અને આ ઘટના બની છે. પતિના ડરથી તે સમયે પત્નીએ આવું જ નિવેદન આપ્યું હતું. પરંતુ, અંજનાબેને સમગ્ર હકીકત પોતાના ભાઈઓને કહેતા તેમને હિંમત આવી અને આ ભયાનક બનાવ પરથી પડદો ઉચકાયો. આ બનાવ સંદર્ભે અંજનાબેને પોતાના પતિ વિજય સોલંકી સામે આતરસુંબા પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માતાની હૃદયદ્રાવક આપવીતી અને પોલીસની તપાસમૃતક ભૂમિકાની માતા અંજનાબેને હૃદયદ્રાવક શબ્દોમાં જણાવ્યું હતું કે, "પૂનમ હતી, વિજય દર્શન કરવા મંદિરે લઈ ગયો હતો. પહેલાથી જ તેનો કાવતરાનો ઈરાદો હતો. મંદિરે દર્શન કર્યા ન કર્યા ને ઉતાવળે અમને પરત બાઇક પર બેસાડી દીધા. પરત આવતા બનાવ સ્થળે કેનાલ પાસે મને પગમાં ખાલી ચઢી ગઈ છે તેમ કહી વિજયે બાઇક ઊભું કર્યું. બાદમાં મેં તેડેલી મારી દીકરીને તેના હાથમાં લઈ માછલી બતાવું તેમ કહી નહેરના પાળે લઈ ગયો અને હું કંઈ સમજું તે પહેલાં જ 7 વર્ષની મારી દીકરીને મારી નજર સામે જ કેનાલમાં નાખી દીધી હતી."
આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ માહિતી આપતા જણાવ્યું કે, 10 તારીખની રાતનો બનાવ છે. શરૂઆતમાં દંપતીએ દીકરી હાથમાંથી છટકી ગઈ હોવાનું જણાવ્યું હતું. બીજા દિવસે ભૂમિકાનો મૃતદેહ મળ્યા બાદ આતરસુંબા પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસને શંકાસ્પદ મોત લાગતાં મૃતક દીકરીના નાના-નાની અને અન્ય સગાઓની પૂછપરછ કરી. આ દરમિયાન અંજનાબેને કબૂલ્યું કે હકીકતમાં વિજયે જ પોતાની દીકરીને કેનાલમાં ફેંકી હતી. પત્નીએ વિરોધ કરતા પતિ વિજયે ડિવોર્સની ધમકી આપી હતી. દીકરીને ફેંકવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે વિજયને બે દીકરીઓ હતી અને બીજી દીકરીના જન્મ બાદ તે પોતાની પત્ની પર અત્યાચાર ગુજારતો હતો.
પોલીસ વડા ગઢિયાએ વધુમાં જણાવ્યું કે, આરોપી વિજયની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી છે. મોસાળ પક્ષ તરફથી આ વિજય પર અંધશ્રદ્ધામાં માનતો હોવા અને દીકરીની બલી ચઢાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. જોકે, પોલીસ વડાએ જણાવ્યું કે, "હાલની અત્યાર સુધીની અમારી તપાસમાં આવું કોઈ તારણ બહાર આવ્યું નથી." તેમ છતાં, પોલીસ આ પાસાને પણ ચકાસીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!