ભુજ: રૂપિયા માટે પત્નીએ પતિને જીવતો સળગાવ્યો
કૈલાસે પતિને કેરોસીન છાંટી ગેરેજમાં જ સળગાવ્યો, માનકુવા પોલીસે આરોપીને પકડી.

રૂપિયા માટે પત્નીએ પતિને જીવતો સળગાવ્યો

રૂપિયા માટે પત્નીએ પતિને જીવતો સળગાવ્યો
કચ્છના ભુજ તાલુકાના સામત્રા ગામમાં સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રૂપિયા અને દાગીનાની લાલચમાં એક મહિલાએ પોતાના 60 વર્ષીય વૃદ્ધ પતિને કેરોસીન છાંટી જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. ગંભીર રીતે દાઝી ગયેલા પતિને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. માનકુવા પોલીસે આરોપી પત્ની સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધીને તાત્કાલિક ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા લગ્ન અને સોનાના દાગીનાનો વિવાદ
પ્રાપ્ત માહિતી અનુસાર સામત્રા ગામના ધનજીભાઈ પટેલે પ્રથમ પત્નીના અવસાન બાદ લગભગ દોઢ વર્ષ પહેલાં કૈલાસ નામની એક છૂટાછેડા લીધેલી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. ધનજીભાઈને સંતાનમાં ત્રણ પુત્રો છે, જેમાંથી બે વિદેશમાં રહે છે અને એક ગામમાં સ્વતંત્ર રીતે રહે છે. ધનજીભાઈ અને કૈલાસ એકલા રહેતા હતા. લગ્ન બાદ કૈલાસે ધનજીભાઈની પ્રથમ પત્નીના અંદાજિત 18 તોલા સોનાના દાગીના જેમાં મંગળસૂત્ર, પાટલા અને કંઠીનો સમાવેશ થાય છે તે પોતાની પાસે લઈ લીધા હતા.
લગ્નજીવનના ટૂંકા ગાળામાં જ કૈલાસે દાગીના પરત આપવાનો ઇનકાર કરીને ધનજીભાઈ સાથે વારંવાર ઝઘડા શરૂ કર્યા હતા. આ ઉપરાંત, કૈલાસે ભુજમાં પોતાના નામે એક ઘર ખરીદ્યું હતું, જેના હપ્તા ભરવા માટે પણ તે ધનજીભાઈ પાસેથી નિયમિતપણે નાણાં પડાવતી હતી. જ્યારે ધનજીભાઈ નાણાં આપવાની ના પાડતા, ત્યારે કૈલાસ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી. ધનજીભાઈએ આ બાબતે ગામમાં રહેતા પુત્ર અને એક સામાજિક કાર્યકર સાથે વાત કરીને મદદ માંગી હતી.
પતિને ગેરેજમાં લઈ જઈને જીવતા સળગાવ્યા
શનિવારના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યે કૈલાસે ફરીથી ધનજીભાઈ પાસે પૈસાની માંગણી કરી. ધનજીભાઈએ આ વખતે પૈસા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરતા કૈલાસ ગુસ્સે ભરાઈ હતી. ઉશ્કેરાયેલી કૈલાસે "આજે તો તને જીવતો નહીં મૂકું" કહીને ધનજીભાઈને ખેંચીને ઘરની બાજુમાં આવેલા ગેરેજમાં લઈ ગઈ. ત્યાં તેણે કેરોસીનની બોટલ ખોલીને વૃદ્ધ પતિ પર છાંટી દીધું અને દીવાસળી ચાંપી દીધી. પતિ આગની લપેટમાં આવીને બૂમો પાડી રહ્યા હતા, ત્યારે કૈલાસ નાના દરવાજામાંથી બહાર નીકળીને દરવાજો બંધ કરીને ભાગી ગઈ હતી.
પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી
ઘટનાની જાણ થતાં જ ધનજીભાઈનો દીકરો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત ધનજીભાઈને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક જી.કે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે વૃદ્ધ પતિ 90 ટકા સુધી દાઝી ગયા છે અને તેમની હાલત ગંભીર છે. ધનજીભાઈના પુત્રએ આ સમગ્ર ઘટના અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં કૈલાસ સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી પત્ની કૈલાસની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!