શહેરના કોર્પોરેટર પરાક્રમસિંહ સાથે ઠગાઇ કરવાના પ્રકરણમાં ભાજપના નેતા દિલીપ ગોહિલ અને તેના મળતીયાઓ સામે ઠગાઇની વધુ એક ફરિયાદ કરતી અરજી પોલીસ કમિશનર સમક્ષ કરાઇ છે.
ભણીયારા ખાતે આવેલ સુખલીપુરા ગામની જમીન વેચવાના બહાને વડોદરા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે છેતરપીંડી કરાઇ હતી. વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સિમિતા પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ અને તેના સાગરીત કમલેશ માત્રોજાએ આ જમીનના બોગસ દસ્તાવેજો બનાવી બોગસ જમીન માલિક ઉભો કરીને પરાક્રમસિંહ પાસેથી 21 લાખ પડાવ્યા હતા. જો કે ત્યારબાદ પરાક્રમસિંહને શંકા જતાં તેમણે તપાસ કરાવી હતી અને ભાંડો ફૂટ્યો હતો. તેમણે આ મામલે સમા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ કરીને બોગસ જમીન માલીક સોઢા જુમાનજીને ઝડપી લીધો હતો.
જો કે હવે આ જ જમીન અન્ય એક વ્યક્તિને વેચવાનો પ્રયાસ કરી 1 કરોડ પડાવી લેવાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂજારી પાસેથી પણ રૂ.1.04 કરોડ પડાવી લેનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ સામે આવી છે. જેમાં પુજારીને પોતાના સબંધીની જમીન હોવાનું જણાવી રકમ પડાવી તે જ જમીનને પરાક્રમસિંહ જાડેજાને વેચી બને સાથે ઠગાઈ આચરી છે.
વાઘોડિયા તાલુકાના વડોદરા હાલોલ રોડ પર આવેલ ભણીયારાના શક્તિધામ ખાતે રહેતા અને ખેતી વ્યવસાય સાથે પૂજારી તરીકે સેવા આપતા રમેશભાઈ પટેલ (મહારાજ)એ વડોદરા શહેર પોલીસ કમિશ્નરને આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના મંદિરની બાજુમાં સુખલીપુરા ગામ સર્વે નંબર 215 જેનું ક્ષેત્રફળ 1-99-30 વાળી જમીન અંગે આરોપી કમલેશભાઈ લાલજીભાઈ દેત્રોજા (રહે. વાત્સલ્ય કુંજ નારાયણ વાડી પાસે, અટલાદરા વડોદરા)એ જમીન પોતાના કાકા પરેચા અમૃતલાલ નરભેરામએ વેચાણ રાખેલ હોવાથી તેનો વહીવટ અમે પોતે કરીએ છીએ તેમ જણાવી ખાતરી આપી હતી.
ત્યારબાદ કમલેશ અને દિલીપભાઈ ગણપતસિંહ ગોહિલ (રહે. રામા પેલેસીયો,ઇસ્કોન હેલીટેટ પાસે ન્યુ અલકાપુરી ગોત્રી, વડોદરા) એ વર્ષ 2023માં આ જમીન વેચાણ આપવા અંગેની ચર્ચા કરી પાવર ઓફ એટર્ની દર્શાવી હતી. દિલીપ ગોહિલએ ફરિયાદીને વેચાણ દસ્તાવેજ કરતી વખતે પરેચા અમૃતલાલને લઇ આવીશું તેવો ભરોસો આપ્યો હતો. જમીનની કીમત આશરે એક કરોડ પચ્ચાસ લાખ પુરા તેમજ વેચાણ દતાવેજ બાદ સદર રકમ 30 માસમાં પૂરી રકમ જમા કરી આપવાની રહેશે તેમજ ટોકનની રકમ અવેજ લેતા જ જમીનનો કબજો ફરિયાદીને સુપરત કરશે.તેવું નક્કી કરાયું હતું.
ત્યારબાદ ફરિયાદીએ RTGS તથા આરોપીઓને રૂબરૂમાં રોકડ સાથે કુલ રૂપિયા 1,04,17,000/- જમીન પેટે આપ્યા હતા. કમલેશ અને દિલીપને વેચાણ દસ્તાવેજ કરી આપવા જણાવતા પરેચા અમૃતલાલ બીમાર છે તેમ કહી રકમ લઇ ગયા હતા. અને જણાવ્યું હતું કે, પાવરથી દસ્તાવેજ કરવાનો નથી પરેચા નરભેરામ પોતે આવી દસ્તાવેજ કરી આપશે. આરોપીઓએ આ જમીન બીજાને વેચાણ કરી દીધેલાની જાણ થતા ફરિયાદીએ રેકોડ તપાસતા તે જમીન પરાક્રમસિંહ જાડેજાને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.
આ અંગે પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે, મંદિર માટે જમીન જોઈતી હોય તો મને મારી ખરીદ કિંમતના રૂપિયા આપી દેવા મંદિર માટે વગર નફે તમોને વેચાણ દસ્તાવેજ કરી આપવા સંમત છું. જો કે, બાદમાં તેમની સાથે ચીટિંગ થયાની જાણ થતા આરોપીઓએ જમીન વેચાણ આપવાનું જણાવી પૂર્વયોજિત કાવતરું રચી બદઈરાદે વિશ્વાસ આપી ઠગાઈ કરવાના હેતુથી ફરિયાદી પાસેથી મોટી અવેજ જમીન પેટે મેળવી જમીનનો વેચાણ દસ્તાવેજ નહિ કરી આપી તે જમીન પરાક્રમસિંહ જાડેજા નાઓને વેચાણ દસ્તાવેજ કરી આપી ઠગાઈ કરેલ છે.