અમદાવાદ: પોશ વિસ્તારમાં દારૂની મહેફિલ પર દરોડા
વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરાના ફ્લેટ પર ઈન્ફ્લુએન્સરની પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 16ની અટકાયત

દારૂ પાર્ટી દરોડા

દારૂ પાર્ટી દરોડા
અમદાવાદના પોશ ગણાતા ગુલબાઈ ટેકરા અને પંચવટી વિસ્તારમાં વાસી ઉત્તરાયણની સાંજે એક હાઈપ્રોફાઈલ લિકર પાર્ટીનો પર્દાફાશ થયો છે. યુનિવર્સિટી પોલીસની ટીમે બાતમીના આધારે સેન્ટેરિયન વિસ્ટા નામના વૈભવી એપાર્ટમેન્ટના ટેરેસ પર દરોડો પાડીને દારૂનો નશો કરી રહેલા 12 યુવકો અને 4 યુવતીઓ સહિત કુલ 16 લોકોની અટકાયત કરી છે.
ઈન્ફ્લુએન્સર દ્વારા આયોજિત હતી પાર્ટી :
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પાર્ટીનું આયોજન કુશલ શાહ નામના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા કરવામાં આવ્યું હતું. ગેટ-ટુ-ગેધરના બહાને આયોજિત આ ઈવેન્ટમાં ડી.જે. મ્યુઝિક, ડાન્સ અને ખાણીપીણીના કાઉન્ટર્સ સાથે દારૂ અને હુક્કાની મહેફિલ જામી હતી. આસપાસના રહીશોએ મ્યુઝિકના ઘોંઘાટ અને ધમાલને કારણે પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
દારૂની બોટલો અને હુક્કા જપ્ત :
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટેરેસ પર અંદાજે 30 જેટલા લોકો હાજર હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી દારૂની નાની-મોટી અંદાજે 20 જેટલી ખાલી અને ભરેલી બોટલો તેમજ હુક્કા મળી આવ્યા હતા. પોલીસે તમામ શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી હતી, જેમાંથી 16 લોકો નશો કરેલી હાલતમાં જણાયા હતા.
મેડિકલ ટેસ્ટ અને કાયદેસરની કાર્યવાહી :
નશાની હાલતમાં પકડાયેલા તમામ 16 યુવક-યુવતીઓને મેડિકલ તપાસ માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધીને આયોજક સહિતના લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મધ્યમાં આવેલા પોશ વિસ્તારમાં આ પ્રકારે દારૂની મહેફિલ પકડાતા ચકચાર મચી ગઈ છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય