NEET પરીક્ષાના 3 દિવસ પહેલા જીવન ટૂંકાવ્યું
અમદાવાદમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત

NEET પરીક્ષાના 3 દિવસ પહેલા જીવન ટૂંકાવ્યું

NEET પરીક્ષાના 3 દિવસ પહેલા જીવન ટૂંકાવ્યું
Ahmedabad Flat Suicide: અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા માનસિક તણાવ અને આપઘાતના કિસ્સાઓ વચ્ચે વધુ એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ ‘એરિસ્ટો આનંદમ’ ફ્લેટમાં રહેતા 17 વર્ષીય આશાસ્પદ વિદ્યાર્થી કહાન પટેલે મોડી રાત્રે અગમ્ય કારણોસર છઠ્ઠા માળેથી પડતું મૂકીને જીવનલીલા સંકેલી લીધી છે. મૃતક વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી દેશની સૌથી અઘરી ગણાતી સ્પર્ધાત્મક પરીક્ષા 'નીટ' (NEET) ની તૈયારી કરી રહ્યો હતો. હજુ કારકિર્દી ઘડાય તે પહેલાં જ આશાસ્પદ યુવાને મોત વહાલું કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મોડી રાત્રે અઢી વાગ્યે બાલ્કનીની જાળી કાપીને મોતની છલાંગ લગાવી
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના 17 જૂનની મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ બની હતી. ન્યૂ રાણીપના એરિસ્ટો આનંદમ ફ્લેટના B બ્લોકમાં છઠ્ઠા માળે રહેતા કહાન પટેલે પોતાના બેડરૂમની બાલ્કનીમાં લગાવેલી સુરક્ષા માટેની જાળી કાપી નાખી હતી અને ત્યાંથી નીચે મોતની છલાંગ લગાવી હતી. 14 માળના ફ્લેટના છઠ્ઠા માળેથી વિદ્યાર્થી નીચે પડતા જ મોટો અવાજ આવ્યો હતો, જેનાથી ત્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ સતર્ક થઈ ગયો હતો. ગાર્ડે તાત્કાલિક અન્ય રહીશો અને પરિવારને આ અંગે વાકેફ કર્યા હતા. સોસાયટીના લોકો નીચે દોડી આવ્યા ત્યારે કહાન લોહીલુહાણ હાલતમાં હતો અને તેના શ્વાસ ચાલી રહ્યા હતા, પરંતુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ધોરણ 12માં મેળવ્યા હતા 85 ટકા
ઘટનાની જાણ થતાં જ સાબરમતી પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મૃતક વિદ્યાર્થીના ચશ્મા મેળવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
લેપટોપ જપ્ત કરી સાબરમતી પોલીસે તપાસ શરૂ કરી
એસીપી (ACP) ડી.વી. રાણાએ ઘટના અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે, મૃતક કહાન પટેલ ભુયંગદેવ વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલનો વિદ્યાર્થી હતો. તે ભણવામાં ખૂબ તેજસ્વી હતો અને વર્ષ ૨૦૨૫માં લેવાયેલી ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં તેણે ૮૫ ટકા મેળવ્યા હતા. આ વર્ષે તેણે NEETની પરીક્ષા પણ આપી હતી જેમાં તેનું પરિણામ સારું આવ્યું હતું. જોકે, વધુ સારા સ્કોર સાથે ટોપ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવાના હેતુથી તે ફરીથી નીટની પરીક્ષા આપવા માટે તનતોડ મહેનત કરતો હતો. તણાવમુક્ત રહેવા અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે તે જે ખાનગી કોચિંગ ક્લાસમાં જતો હતો, ત્યાં તેનો મોબાઈલ ફોન જમા રાખવામાં આવતો હતો. પોલીસે હાલ તેના રૂમમાંથી એક લેપટોપ કબજે કર્યું છે જેની સાયબર નિષ્ણાતોની મદદથી તપાસ કરવામાં આવશે.
પિતા સુરતમાં ક્રિમિનલ વકીલ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કહાનના માતા-પિતા છેલ્લા ત્રણ વર્ષથી પારિવારિક કારણોસર અલગ રહે છે. તેના પિતા સુરતમાં જાણીતા ક્રિમિનલ વકીલ છે, જ્યારે કહાન અહીં અમદાવાદના ફ્લેટમાં તેની માતા અને 13 વર્ષના નાના ભાઈ સાથે રહેતો હતો. મેડિકલના વિકલ્પ તરીકે કહાન ફાર્મસીનું ફોર્મ પણ ભરી ચૂક્યો હતો, જે દર્શાવે છે કે તે ભવિષ્ય માટે સજાગ હતો.
સમગ્ર શહેરમાં ભારે શોક
પરીક્ષાના ડિપ્રેશન કે અંગત પારિવારિક સ્ટ્રેસના કારણે કયા ચોક્કસ કારણસર આશાસ્પદ વિદ્યાર્થીએ આ આત્યંતિક પગલું ભર્યું છે, તેનો ખુલાસો હજુ સુધી થઈ શક્યો નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. હાલ પોલીસ પરિવારના સભ્યો, કોચિંગ ક્લાસના મિત્રો અને શિક્ષકોના નિવેદનો નોંધીને તમામ દિશાઓમાં વિગતવાર તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર ન્યૂ રાણીપ વિસ્તારના રહીશો અને વિદ્યાર્થી આલમમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!