અમદાવાદમાં 550 કરોડના હવાલા રેકેટનો પર્દાફાશ
10 હજાર કમાતા રેપિડો ચાલકના ખાતામાં 300 કરોડનું ટ્રાન્ઝેક્શન થયાનો EDની તપાસમાં થયો ખુલાસો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
અમદાવાદમાં ગેરકાયદે ક્રિકેટ સટ્ટાબેટિંગ અને શેરબજારની હેરાફેરી સાથે જોડાયેલા 550 કરોડ રૂપિયાના હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે. Enforcement Directorateની તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. EDએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ હાથ ધરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, મહિને અંદાજે 10 થી 12 હજાર રૂપિયા કમાતા રેપિડો ચાલક પ્રદિપ ઓડના બેંક ખાતામાં 300 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે. આ ખાતું ભાડે આપીને ક્રિકેટ સટ્ટાબેટિંગ અને શેરબજારના ગેરકાયદે નાણાં ફેરવવામાં આવતા હતા.
EDની પૂછપરછમાં પ્રદિપે કબૂલ્યું છે કે, તેણે પોતાનું બેંક એકાઉન્ટ 25 હજાર રૂપિયામાં કિરણ પરમાર ઉર્ફે લાલાને ભાડે આપ્યું હતું. ચેક પર સહી કરવા બદલ તેને 400 રૂપિયા આપવામાં આવતા હતાં. પ્રદિપના પાનકાર્ડ અને આધાર કાર્ડના આધારે પ્રદિપ એન્ટરપ્રાઇઝ નામે પેઢી ઉભી કરવામાં આવી હતી.
આ ઉપરાંત કમલેશ ટ્રેડિંગ અને રોનક ટ્રેડર્સ નામની બે અન્ય કંપનીઓ પણ કાગળ પર જ શરૂ કરાઈ હતી. વર્ષ 2024માં ખોલાયેલા બેંક ખાતાઓમાં 550 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે. હકીકતમાં આ કંપનીઓ કોઈપણ પ્રકારનો વેપાર કરતી નહોતી. ભાડે લીધેલા એકાઉન્ટના આધારે બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હતા.
EDની ટીમે બોગસ કંપનીઓની તપાસ કરી 550 કરોડના હવાલાની વિગતો શોધી કાઢી છે. મહિને 10 થી 12 હજાર રૂપિયા કમાતા વ્યક્તિના ખાતામાં 300 કરોડના ટ્રાન્ઝેક્શન થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કંપનીઓના રજિસ્ટ્રેશન માટે જે બેંક એકાઉન્ટની વિગતો આપવામાં આવી હતી. તે એકાઉન્ટ શેખ મોઇન મોહમ્મદ શફી નામના વ્યક્તિનું હોવાનું બહાર આવ્યું છે.
વર્ષ 2024માં ખોલાયેલાં ત્રણેય બેંક ખાતામાં 550 કરોડ રૂપિયાની એન્ટ્રીઓ થઈ ગઈ હતી. જો કે ત્રણેય કંપનીઓ એક રૂપિયાનો પણ વેપાર કરતી નહોતી. છતાં આટલા ટ્રાન્ઝેક્શન કેવી રીતે થયા હતા તેની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. EDની તપાસમાં ખુલ્યું કે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાબેટિંગથી આવક ખાતાઓ મારફતે ફેરવવામાં આવતી હતી.
શેરબજારમાં સર્ક્યુલર ટ્રેડિંગ દ્વારા ખોટું વોલ્યુમ ઉભું કરી ભાવમાં અસામાન્ય વધારો કરાતો હતો. તપાસ દરમિયાન ગાંધીધામના બિઝનેસમેન આદિત્ય ઝુલાના લગ્ન ખર્ચ સહિત વ્યક્તિગત ખર્ચાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈમ્પેક્ટ ગુરુને ડોનેશન અને પેની સ્ટોક્સમાં નાણાની હેરાફેરી કરવામાં આવી હતી. EDની ટીમે ઝીણવટભરી તપાસ કરતાં અલગ અલગ ત્રણ કંપનીમાં 80.50 કરોડ, 52.11 કરોડ તથા 22.86 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયાનું બહાર આવ્યું હતું.
EDની તપાસમાં ખુલ્યુ છે કે, ટર્નઓવરનો વધારો કરીને શેરના ભાવમાં ઉછાળો લાવવામાં આવતો હતો તેમજ શેરબજારમાં સિન્ડિકેટ બનાવી ભાવનો ખેલ કરતી હોવાનું પણ તપાસના સામે આવ્યું છે. જેમાં અચાનક ટર્નઓવરનો વધારો કરવામાં આવતો હતો. જેથી શેરના ભાવમાં ઉછાળો આવે.
EDની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, એક કંપનીના શેરમાં માત્ર 12 મહિનામાં 10 હજાર ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જેથી SEBIએ ટ્રેડિંગ સસ્પેન્ડ કરી દીધું છે અને સર્વેલન્સ તપાસ પણ શરૂ કરી છે. ED દ્વારા કિરણ પરમાર ઉર્ફે લાલા, મહાદેવ, જુગલ, રવિ, જીવરાજ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!