7 વર્ષના માસૂમ સાથે વર્કશોપમાં શું થયું?
લક્ઝરી બસના દરવાજામાં મોત, અકસ્માતના 15 મિનિટનું CCTV રહસ્યમય રીતે ગાયબ

વડોદરામાં બસ અકસ્માતની ઘટનાનો દૃશ્ય

વડોદરામાં બસ અકસ્માતની ઘટનાનો દૃશ્ય
Vadodara Bus Accident: વડોદરા શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જતા માર્ગ પર આવેલી એક રિપેરિંગ વર્કશોપમાં કરુણ ઘટના બની છે. AC રિપેરિંગ માટે આવેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષના બાળકનું ગળું ફસાઈ જતાં તેનું મોત થયું છે. ઘરેથી પ્રસાદ લેવા નીકળેલા માસૂમ બાળકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પ્રસાદ લેવા નીકળ્યો હતો 7 વર્ષનો દિવ્યેશ
મૃતક બાળકની ઓળખ દિવ્યેશ રાકેશભાઈ રાઠવા તરીકે થઈ છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના વતની રાકેશભાઈ રાઠવા હાલ વડોદરાના સૂર્યનગર બાયપાસ નજીક આવેલી એસ.આર. બાયોગેસ કંપનીમાં શ્રમિક તરીકે કામ કરે છે. તેમનો 7 વર્ષનો પુત્ર દિવ્યેશ તરસાલી-2ની ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતો હતો. રોજની જેમ સ્કૂલે ગયા બાદ બપોરે ઘરે પરત ફર્યો હતો. ત્યારબાદ પ્રસાદ લેવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, થોડા સમય બાદ પરિવારને બાળક સાથે ગંભીર અકસ્માત થયાના સમાચાર મળ્યા હતા.
લક્ઝરી બસના દરવાજા પાસે ગંભીર હાલતમાં મળ્યો
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો તાત્કાલિક રિપેરિંગ કારખાના ખાતે પહોંચ્યા હતા. ત્યાં દિવ્યેશ લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજા નજીક ગંભીર હાલતમાં પડેલો મળી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG Hospital) ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તપાસ બાદ દિવ્યેશને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં કપુરાઈ પોલીસ પણ સયાજી હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરામાં 7 વર્ષના બાળકનું કરુણ મોત!
— Benefit News 24 (@BenefitNews24) August 20, 2026
તરસાલી બાયપાસ નજીક સૂર્યનગરમાં બસ રિપેરિંગના કારખાનામાં ઊભેલી ખાનગી ટ્રાવેલ્સની બસના દરવાજામાં ગળું ફસાતા દિવ્યેશ રાઠવાનું મોત. ઘટનાના મહત્વના આશરે 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ હોવાથી અનેક સવાલો ઊભા થયા છે. કપુરાઈ પોલીસે તપાસ શરૂ કરી.… pic.twitter.com/CbjYTQkGQA
અકસ્માતના સમયે જ 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ
આ સમગ્ર ઘટનામાં હવે CCTV ફૂટેજને લઈને મોટો સવાલ ઊભો થયો છે. પોલીસે રિપેરિંગ કારખાનામાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા ત્યારે બાળકના અકસ્માત પહેલાં અને બાદના દૃશ્યો કેમેરામાં ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ જે સમયગાળામાં આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવે છે, તે સમયના લગભગ 15 મિનિટના મહત્વપૂર્ણ CCTV ફૂટેજ ગાયબ હોવાનું સામે આવ્યું છે. કારખાના સંચાલકો તરફથી તે સમયે વીજળી જતી રહી હોવાની વાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, માત્ર ઘટનાના સમયગાળાનું જ CCTV ફૂટેજ ઉપલબ્ધ ન હોવાને કારણે પોલીસ તપાસ વધુ ગંભીર બની છે.
પિતાએ CCTVની ટેકનિકલ તપાસની કરી માંગ
માસૂમ દિવ્યેશના પિતા રાકેશભાઈ રાઠવાએ જણાવ્યું કે તેમનો પુત્ર કયા સંજોગોમાં લક્ઝરી બસ સુધી પહોંચ્યો અને ઓટોમેટિક દરવાજામાં તેનું ગળું કેવી રીતે ફસાયું, તે અંગે પરિવારને સંપૂર્ણ માહિતી નથી. પરિવારે પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની અને CCTV ફૂટેજની ટેકનિકલ તપાસ કરાવી બાળકને ન્યાય અપાવવાની માંગ કરી છે.
કપુરાઈ પોલીસની તપાસ તેજ
CCTVના મહત્વપૂર્ણ 15 મિનિટના ફૂટેજ ગાયબ હોવાની બાબતને કપુરાઈ પોલીસે ગંભીરતાથી લીધી છે. પોલીસ દ્વારા ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ટેક્નિકલ નિષ્ણાતોની મદદથી CCTV ફૂટેજ રિકવર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. હાલ પોલીસ માટે મુખ્ય સવાલો એ છે કે દિવ્યેશ બસ સુધી કેવી રીતે પહોંચ્યો, અકસ્માત સમયે બસના દરવાજાની સ્થિતિ શું હતી અને ઘટનાના સમયના CCTV ફૂટેજ કેમ ઉપલબ્ધ નથી. તપાસ આગળ વધે તેમ સમગ્ર ઘટનાનું રહસ્ય ઉકેલાય તેવી શક્યતા છે.

ઘરે આ બોટલ હોય તો તરત ફેંકી દેજો, પીધો હોય તો સીધા હોસ્પિટલ પહોંચજો

ભાવનગરમાં આખરે કેવી રીતે ખુલ્યું ઝેરી દારૂનું કાળું નેટવર્ક?

રૂમ બદલ્યા બાદ સવારે મળી લાશ, મિત્રની અટકાયતથી અનેક સવાલો