Delhi Crime News: દિલ્હી-NCRમાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. ગ્રેટર નોઈડાથી દિલ્હી તરફ જઈ રહેલી ખાલી સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા સાથે ડ્રાઈવર અને કંડક્ટરે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ઘટના 4 ઓગસ્ટ 2026ની હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસની કાશ્મીરી ગેટ અને તિમારપુર પોલીસ ટીમે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે ઘટનામાં વપરાયેલી બસને શોધી કાઢી હતી અને ડ્રાઈવર તથા કંડક્ટરની ધરપકડ કરી હતી. પોલીસે બસને કબજે કરીને વધુ તપાસ માટે ફોરેન્સિક તપાસ હાથ ધરી છે.
મદદના બહાને સગીરાને બસમાં બેસાડ્યાનો આરોપ
પોલીસ તપાસ મુજબ સગીરા ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાની રહેવાસી છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે. 3 ઓગસ્ટે પરિવાર સાથે થયેલા મતભેદ બાદ તે ઘરેથી નીકળી હતી અને નોઈડા સેક્ટર-63માં રહેતા પિતરાઈ ભાઈના ઘરે જવા માંગતી હતી. 4 ઓગસ્ટની રાત્રે ભારે વરસાદ અને અંધારાના કારણે તે પોતાના નિર્ધારિત સ્થળને બદલે ગ્રેટર નોઈડાના પરી ચોક વિસ્તારમાં ઉતરી ગઈ હતી. આ દરમિયાન એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઈ હતી. સગીરાએ મદદ માટે બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે કંડક્ટરે તેને નોઈડા સેક્ટર-63 સુધી પહોંચાડવાની વાત કહી બસમાં બેસાડી હતી. ત્યારબાદ બસમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધી બસમાં લઈ ગયા હોવાનો ખુલાસો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ બસને સૂરજપુરના એક વર્કશોપમાંથી સમારકામ બાદ તિમારપુર પાર્કિંગ તરફ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ ગ્રેટર નોઈડાથી દિલ્હી તરફ આશરે 47 કિલોમીટરનો રસ્તો કાપી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટનાના અંતે સગીરાને કાશ્મીરી ગેટ નજીક રિંગ રોડ વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. ત્યારબાદ પીડિતાએ હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
CCTV ફૂટેજથી પોલીસને મળી મોટી કડી
ફરિયાદ મળ્યા બાદ પોલીસે ઘટનાસ્થળથી લઈને બસના સંભવિત રૂટ સુધીના CCTV કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું. CCTV ટ્રેકિંગના આધારે પોલીસ બસની ઓળખ સુધી પહોંચી હતી. તપાસ આગળ વધારતા પોલીસ તિમારપુર બસ પાર્કિંગ સુધી પહોંચી હતી, જ્યાંથી ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનામાં વપરાયેલી સ્લીપર બસને પણ પોલીસે કબજે કરી છે.
બસ ફોરેન્સિક તપાસ માટે મોકલાઈ
પોલીસે કબજે કરેલી બસને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. તપાસ એજન્સીઓ બસમાંથી વૈજ્ઞાનિક અને અન્ય મહત્વપૂર્ણ પુરાવા એકત્ર કરી રહી છે. CCTV ફૂટેજ, આરોપીઓની પૂછપરછ અને ફોરેન્સિક પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવામાં આવી રહી છે.
સગીરાને તબીબી સારવાર અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું
ઘટનાની જાણ થયા બાદ પોલીસ દ્વારા સગીરાને જરૂરી તબીબી સહાય અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સગીરાની ઓળખ જાહેર ન થાય તે માટે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવી રહ્યું છે.
બસોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી સવાલ
આ ઘટનાએ દિલ્હી-NCRમાં કોમર્શિયલ બસોની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના અમલ અંગે પણ સવાલો ઉભા કર્યા છે. બસોમાં CCTV, GPS ટ્રેકિંગ, પેનિક બટન, ડ્રાઈવર-કંડક્ટરનું પોલીસ વેરિફિકેશન અને વાહનની સુરક્ષા વ્યવસ્થા જેવા નિયમોનું પાલન કેટલું થાય છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને બસની અંદરની દૃશ્યતા, સુરક્ષા સાધનો અને રૂટ દરમિયાન પોલીસ ચેકિંગ જેવા મુદ્દાઓની પણ તપાસ જરૂરી બની છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે બસમાં ફરજિયાત સુરક્ષા સાધનો ઉપલબ્ધ હતા કે નહીં અને લાગુ નિયમોનું પાલન થયું હતું કે નહીં.
2012ના નિર્ભયા કેસની યાદ ફરી તાજી
દિલ્હીમાં બસ સાથે જોડાયેલી આ ઘટનાએ 16 ડિસેમ્બર 2012ના નિર્ભયા કાંડની યાદ ફરી તાજી કરી છે. દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલતી બસમાં થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને કાયદાકીય સુધારાઓ અંગે મોટો જનઆક્રોશ ફેલાયો હતો. નિર્ભયા કેસ બાદ મહિલાઓની સુરક્ષા માટે કાયદામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હતા. જોકે, રાજધાની વિસ્તારમાં ફરી બસમાં સગીરા સાથે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાના અસરકારક અમલ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પોલીસ તપાસ ચાલુ
દિલ્હી પોલીસ આ કેસમાં આરોપીઓની પૂછપરછ, CCTV ફૂટેજ, ફોરેન્સિક પુરાવા અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે. ઘટનાની સંપૂર્ણ હકીકત અને અન્ય કાયદાકીય પાસાઓ તપાસ પૂર્ણ થયા બાદ વધુ સ્પષ્ટ થશે.