SBI ગ્રાહકો માટે એલર્ટ: સતત 6 દિવસ બંધ રહેશે બેંક!
જાણો કારણો અને કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ

SBI ગ્રાહકો માટે એલર્ટ: સતત 6 દિવસ બંધ રહેશે બેંક!

SBI ગ્રાહકો માટે એલર્ટ: સતત 6 દિવસ બંધ રહેશે બેંક!
SBI Bank 6 Day Closure: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની વ્યવસાયિક બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ખાતું ધરાવતા કરોડો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમારે બેંક શાખા સંબંધિત કોઈ પણ નાણાકીય કે વહીવટી કામ હોય, તો તે આજે જ પતાવી લેવા સલાહ છે. આવતીકાલ એટલે કે 23 મે થી 28 મે 2026 દરમિયાન દેશભરમાં SBIની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. આ લાંબા અંધારપટ પાછળ મહિનાનો છેલ્લો વીકએન્ડ, SBI કર્મચારી મંડળ દ્વારા પ્રસ્તાવિત બે દિવસની દેશવ્યાપી હડતાળ અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) નિમિત્તે જાહેર કરાયેલી રજાઓ જવાબદાર છે. આ રજાઓના કારણે સામાન્ય બેંકિંગ કામકાજ પર વ્યાપક અસર પડવાની આશંકા સેવાઈ રહી છે.
શા માટે 6 દિવસ કામ અટકશે?
23 મે થી 28 મે દરમિયાન બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના અલગ-અલગ કારણો દિવસવાર નીચે મુજબ છે:
23 મે (ચોથો શનિવાર): નિયમ મુજબ, દેશની તમામ સરકારી અને ખાનગી બેંકોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સત્તાવાર રજા હોય છે. આથી શનિવારે બેંકો બંધ રહેશે.
24 મે (રવિવાર): સાપ્તાહિક રજાના કારણે દેશભરની તમામ બેંક શાખાઓ બંધ રહેશે.
25 અને 26 મે (સોમવાર અને મંગળવાર): ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશને (AISBISF) પોતાની પડતર માંગણીઓને લઈને આ બે દિવસો દરમિયાન દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. સોમવાર અને મંગળવારે કર્મચારીઓ કામથી અલિપ્ત રહેશે.
27 અને 28 મે (બકરી ઈદની રજા): દેશના અલગ-અલગ રાજ્યોમાં તહેવારની ઉજવણીના આધારે આરબીઆઈએ બે દિવસની રજાઓ નિયત કરી છે. મોટાભાગના રાજ્યોમાં 27 મેના રોજ બકરી ઈદની રજા રહેશે, જ્યારે અમુક વિસ્તારોમાં 28 મેના રોજ SBI બંધ રહેશે. જમ્મુ-કાશ્મીરમાં 27 અને 28 મે બંને દિવસ પબ્લિક હોલિડે રહેશે.
હડતાળની સામાન્ય ગ્રાહકો પર શું અસર થશે?
આ પ્રસ્તાવિત હડતાળ મુખ્યત્વે 'વર્કમેન કેટેગરી' એટલે કે બેંકના ક્લેરિકલ સ્ટાફ, કેશિયર અને સપોર્ટ સ્ટાફ દ્વારા પાડવામાં આવી રહી છે. તેના લીધે જે ગ્રાહકો સીધા શાખા પર જઈને વ્યવહારો કરે છે તેમને ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. ખાસ કરીને ચેક ક્લિયરિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે ખોરવાઈ જશે. આ ઉપરાંત રોકડ જમા-ઉપાડ માટેના કેશ કાઉન્ટર્સ, નવી પાસબુક ઈશ્યુ કરવી કે જૂની પાસબુક અપડેટ કરાવવી, ટ્રાન્સફર રિક્વેસ્ટ અને લોન સંબંધી દસ્તાવેજી કામો આ બે દિવસ દરમિયાન અટકી જશે. જોકે, બેંક પ્રશાસન દ્વારા એટીએમ (ATM) સેવાઓ અને ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ (YONO એપ અને નેટ બેંકિંગ) કાર્યરત રાખવા પ્રયાસો કરાશે, પરંતુ શાખાઓ બંધ હોવાથી એટીએમમાં રોકડની તંગી સર્જાવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
શા માટે આંદોલનના માર્ગે ઉતર્યા SBI કર્મચારીઓ?
ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) ના નેતૃત્વ હેઠળ કર્મચારીઓ પોતાની ૧૬ પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા. એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ હડતાળનો મુખ્ય ઉદ્દેશ્ય બેંક કર્મચારીઓના હિતો અને અધિકારોનું રક્ષણ કરવાનો, શાખાઓમાં કામનું ભારણ ઘટાડી અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનો તેમજ ગ્રાહકોને વધુ સારી સેવા આપવાનો છે.
કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ
1. મેસેન્જર્સની નવી કાયમી ભરતી: બેંકની વિવિધ શાખાઓમાં વર્ગ-4 (મેસેન્જર્સ) ની હજારો જગ્યાઓ ખાલી છે, તેના પર તાત્કાલિક ધોરણે કાયમી સ્ટાફની ભરતી કરવામાં આવે.
2. સશસ્ત્ર ગાર્ડ્સ (Armed Guards) ની નિમણૂક: શાખાઓ અને એટીએમની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં આર્મ્ડ ગાર્ડ્સની ભરતી થાય.
3. NPSમાં ફંડ મેનેજર પસંદ કરવાનો વિકલ્પ: નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવતા કર્મચારીઓને પોતાની મરજી મુજબનો 'પેન્શન ફંડ મેનેજર' પસંદ કરવાની સ્વાયત્તતા મળવી જોઈએ.
4. ઇન્ટર સર્કલ ટ્રાન્સફર (ICT) ની તક: વર્ષ 2019 પછી SBIમાં ભરતી થયેલા કર્મચારીઓને અન્ય સર્કલમાં બદલી મેળવવા માટે યોગ્ય તક અને નીતિ ઘડવામાં આવે.
5. આઉટસોર્સિંગ પર તાકીદે રોક: બેંકના કાયમી સદસ્ય દ્વારા થતા પાયાના કામોને બાહ્ય એજન્સીઓ (થર્ડ પાર્ટી) ને આઉટસોર્સ કરવાનું તુરંત બંધ કરાય.
6. શાખાઓમાં પર્યાપ્ત સ્ટાફની ફાળવણી: ડિજિટલ યુગમાં પણ શાખાઓમાં ગ્રાહકોની સંખ્યા અને કામનો બોજ સતત વધી રહ્યો છે, જેને પહોંચી વળવા સ્ટાફનું સંખ્યાબળ વધારવું.
7. વેતન અને સુવિધાઓમાં સમાનતા: સ્ટેટ બેંકના વિવિધ સ્તરના કર્મચારીઓ વચ્ચેના વેતન અને ભથ્થાની વિસંગતતાઓ તથા અસમાનતા દૂર કરવામાં આવે.
8. કરિયર પ્રોગ્રેશન સ્કીમની નવેસરથી સમીક્ષા: કર્મચારીઓના આંતરિક પ્રમોશન, સમયબદ્ધ બદલીઓ અને કરિયર ગ્રોથ સાથે જોડાયેલી નીતિઓ વધુ સુલભ બનાવાય.
9. નિવૃત્ત કર્મચારીઓને '૮મા સ્ટેગ્નેશન ઇન્ક્રીમેન્ટ'નો લાભ: ૧૦મા દ્વિપક્ષીય કરાર (10th Bipartite Settlement) અંતર્ગત નિવૃત્ત થયેલા કર્મચારીઓને આ આર્થિક લાભ આપવામાં આવે.
10. ફિઝિશિયન કન્સલ્ટેશન ચાર્જિસમાં સુધારો: ૧૫ જુલાઈ ૨૦૨૪થી લાગુ કરાયેલા તબીબી પરામર્શ શુલ્કની મર્યાદાઓની પુનઃ સમીક્ષા કરીને તેમાં વધારો કરવામાં આવે.
11. તબીબી સહાય યોજના (Medical Scheme) સરળ બનાવવી: સ્ટાફ અને તેમના પરિવાર માટેની મેડિકલ રિઇમ્બર્સમેન્ટ પ્રક્રિયાને વધુ પારદર્શક અને પેપરલેસ બનાવવી.
12. પેન્શન ગણતરીમાં તમામ ભથ્થાં ઉમેરવા: ૭મા દ્વિપક્ષીય કરાર હેઠળ નિવૃત્ત થયેલા વરિષ્ઠ કર્મચારીઓના પેન્શનની આખરી ગણતરીમાં પગારના તમામ મૂળભૂત ઘટકો જોડવામાં આવે.
13. HRMS સોફ્ટવેરની ટેકનિકલ ખામીઓ દૂર કરવી: બેંકના હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (HRMS) પોર્ટલમાં વારંવાર આવતી ટેકનિકલ મુશ્કેલીઓનું કાયમી નિવારણ લાવવું.
14. કર્મચારી નિર્દેશક (Workman Director) ની નિમણૂક: બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વર્કમેન કેટેગરીમાંથી એક પ્રતિનિધિ નીમવાની વર્ષો જૂની પરંપરા પુનઃ શરૂ થાય.
15. PF ટ્રસ્ટમાં સભ્યોનું નામાંકન: પ્રોવિડન્ટ ફંડ (PF) ટ્રસ્ટના સંચાલનમાં કર્મચારી મંડળના સત્તાવાર પ્રતિનિધિને સ્થાન આપવામાં આવે.
16. મિસ-સેલિંગ અને થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સના દબાણ પર અંકુશ: બેંકિંગ સિવાયના કામો જેવા કે વીમો (Insurance) અને મ્યુચ્યુઅલ ફંડ વેચવા (Cross-selling) માટે સ્ટાફ પર કરાતું અયોગ્ય દબાણ બંધ થાય, જેથી ગ્રાહકોને ખોટી પ્રોડક્ટ્સ વેચાતી અટકાવી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.

માઇક્રોસોફ્ટના આગામી ડેટા સેન્ટર માટે ભારત સરકારે આપી એવી સલાહ કે સીધી વીજળી સાથે જોડાયેલી છે!

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.