RBI મોનેટરી પોલિસી: રેપો રેટ 5.25% પર યથાવત
પરંતુ વૈશ્વિક તણાવ વચ્ચે જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 6.6% કરાયો
ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
RBI MPC Announcement: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય સઘન બેઠકના નિર્ણયોની જાહેરાત આજે ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા કરવામાં આવી છે. દેશ અને દુનિયાની આર્થિક સ્થિતિ, ખાસ કરીને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ફુગાવાના જોખમો વચ્ચે આ બેઠક પર સમગ્ર બજારની નજર ટકેલી હતી. કેન્દ્રીય બેંકે આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ચે સ્થાનિક અર્થતંત્રને સ્થિરતા આપવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે.
વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
નવા નાણાકીય વર્ષની આ બીજી બેઠકમાં રિઝર્વ બેંકે સામાન્ય ગ્રાહકો અને રોકાણકારોને મોટી રાહત આપી છે. આરબીઆઈએ મુખ્ય નીતિગત દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તેને 5.25% પર યથાવત રાખ્યો છે. મોનેટરી પોલિસી કમિટીના તમામ સભ્યોએ સર્વાનુમતે વ્યાજ દરો સ્થિર રાખવા માટે સહમતિ દર્શાવી હતી. આ નિર્ણયને કારણે બેંકો દ્વારા હોમ લોન, કાર લોન કે પર્સનલ લોનના વ્યાજ દરોમાં હાલ કોઈ વધારો કરવામાં આવશે નહીં, જેથી સામાન્ય જનતાના માસિક બજેટ પર લોનના વ્યાજ કે EMIનો બોજ વધશે નહીં. આ અગાઉ એપ્રિલ મહિનામાં યોજાયેલી નાણાકીય વર્ષની પ્રથમ બેઠકમાં પણ રેપો રેટ સ્થિર રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ છેલ્લી વાર ડિસેમ્બર 2025 માં વ્યાજ દરમાં 0.25% નો ઘટાડો કરીને તેને 5.25% ના સ્તરે લાવ્યો હતો, ત્યારથી આ દરો સતત સ્થિર રાખવામાં આવ્યા છે.
આરબીઆઈએ અપનાવ્યું 'તટસ્થ' વલણ
ગવર્નર સંજય મલ્હોત્રાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે વધી રહેલી અનિશ્ચિતતા અને મોંઘવારીના જોખમો છતાં સમિતિએ પોતાની નીતિનું વલણ 'તટસ્થ' જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંક આગામી સમયમાં આવનારા આર્થિક ડેટા અને બજારની પરિસ્થિતિના આધારે જ આગળના પગલાં ભરશે. દેશની આંતરિક આર્થિક પ્રવૃત્તિઓ મોટાભાગે સ્થિર અને મજબૂત છે, જે વર્તમાન અર્થતંત્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે.
વૈશ્વિક પડકારોને કારણે GDP વૃદ્ધિનો અંદાજ ઘટીને 6.6% થયો
નાણાકીય નીતિની જાહેરાત દરમિયાન ગવર્નરે દેશના આર્થિક વિકાસ દર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મધ્ય પૂર્વના તણાવ અને તેના લીધે વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સર્જાયેલા અવરોધોને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઈ રહી છે. કાચા માલ અને ઉત્પાદન ખર્ચમાં થઈ રહેલો વધારો હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માંગ અને ઊંચા લોજિસ્ટિક્સ ખર્ચને કારણે ભારતની કોમોડિટી નિકાસ સામે પણ મોટા પડકારો ઉભા થયા છે. આ પ્રતિકૂળ વૈશ્વિક અને સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટનો અંદાજ અગાઉના 6.9% થી ઘટાડીને 6.6% કરી દીધો છે.
મોંઘવારી અને ઇંધણના વધતા ભાવ અંગે ચિંતા
મોંઘવારી અંગે વાત કરતા ગવર્નરે જણાવ્યું કે, હાલમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) આધારિત રિટેલ મોંઘવારી દર નક્કી કરેલા લક્ષ્યાંકની અંદર છે, પરંતુ વૈશ્વિક ભૌગોલિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણ અને ઊર્જાની કિંમતો સતત વધી રહી છે. એનર્જીના આ ઊંચા ભાવો આગળ જતાં સ્થાનિક બજાર અને સામાન્ય જનતાના ખિસ્સા પર દબાણ લાવી શકે છે. આ જોખમોને જોતા, આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે છૂટક ફુગાવાની આગાહી અગાઉના 4.6% થી વધારીને 5.1% કરી છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે મુખ્ય ફુગાવો 4.7% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
ઓછો વરસાદ અને નબળા ચોમાસાનો ભય
અર્થતંત્ર સામે બીજું મોટું જોખમ હવામાનનું છે. દેશમાં પશ્ચિમ-દક્ષિણ ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાના અનુમાનને લઈને સેન્ટ્રલ બેંકે ચિંતા વ્યક્ત કરી છે. જો વરસાદ ઓછો થશે તો તેની સીધી નકારાત્મક અસર કૃષિ ઉપજ અને ગ્રામીણ વિસ્તારોમાં માગ પર પડી શકે છે. જોકે, આરબીઆઈને આશા છે કે સરકારની પાક વૈવિધ્યકરણ જેવી કલ્યાણકારી યોજનાઓ આ નકારાત્મક અસરોને ઓછી કરવામાં ઘણી મદદરૂપ સાબિત થશે.
મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં મજબૂતી
આ તમામ પડકારો વચ્ચે ભારતીય બજાર માટે રાહતના સમાચાર પણ છે. દેશની ઘરેલું આર્થિક ગતિવિધિઓ હજુ પણ મજબૂતીથી આગળ વધી રહી છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) અને સર્વિસ (સેવા) સેક્ટરનું પ્રદર્શન ખૂબ જ ઉત્સાહજનક છે. જીએસટી રેશનલાઇઝેશન અને બજારમાં સ્થિર રોજગારીને કારણે શહેરી વિસ્તારોમાં વપરાશ અને માગને સારો એવો ટેકો મળી રહ્યો છે.
વિદેશી રોકાણના નિયમો સરળ કરાયા અને પૂરતી લિક્વિડિટીની ખાતરી
દેશની નાણાકીય વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવા માટે આરબીઆઈએ બેંકિંગ સિસ્ટમમાં પૂરતી તરલતા જાળવી રાખવાની ખાતરી આપી છે, જેથી અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે. આ ઉપરાંત, દેશમાં વિદેશી અને બિન-નિવાસી ભારતીયોના રોકાણને પ્રોત્સાહન આપવા માટે નીતિઓમાં મોટી છૂટછાટો જાહેર કરવામાં આવી છે: સરકારી સિક્યોરિટીઝમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) માટેના રોકાણના નિયમો હળવા કરવામાં આવ્યા છે. બિન-નિવાસી ભારતીયો (NRIs) અને ભારતના વિદેશી નાગરિકો (OCIs) માટે ઇક્વિટી સાધનોમાં રોકાણ કરવાની મર્યાદા વધારી દેવામાં આવી છે. ભારતીય રૂપિયાના વિનિમય દર અંગે આરબીઆઈએ પોતાની જૂની નીતિ જાળવી રાખી છે, જેનો અર્થ છે કે કેન્દ્રીય બેંક રૂપિયા માટે કોઈ ચોક્કસ દર કે બેન્ડને લક્ષ્ય બનાવતી નથી, પરંતુ બજારના આધારે તેમાં સ્થિરતા જાળવશે. આરબીઆઈ ગવર્નરે ખાતરી આપી છે કે ભારતનો વિદેશી વિનિમય ભંડાર (Forex Reserve) કોઈપણ બાહ્ય આર્થિક આંચકા સામે રક્ષણ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
રેપો રેટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
સામાન્ય ભાષામાં સમજીએ તો, રેપો રેટ (Repo Rate) એ દર છે જે વ્યાજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દેશની અન્ય કોમર્શિયલ બેંકોને લોન આપે છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકોને સેન્ટ્રલ બેંક તરફથી સસ્તી લોન મળે છે. આ સ્થિતિમાં બેંકો પણ પોતાના ગ્રાહકો માટે વ્યાજ દરો ઘટાડીને તેનો લાભ લોકો સુધી પહોંચાડે છે. જ્યારે દેશમાં મોંઘવારી ખૂબ વધી જાય છે, ત્યારે આરબીઆઈ રેપો રેટ વધારીને બજારમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. વ્યાજ દર વધવાથી બેંકો માટે લોન મોંઘી થાય છે, જેના કારણે ગ્રાહકો માટે પણ લોન લેવી મોંઘી બને છે. બજારમાં નાણાંનો પ્રવાહ ઓછો થતાં લોકોની ખરીદી અને માગ ઘટે છે, જેનાથી છેવટે મોંઘવારી નિયંત્રણમાં આવે છે. આનાથી વિપરીત, જ્યારે અર્થતંત્ર નબળું હોય ત્યારે રિકવરી માટે વ્યાજ દરો ઘટાડીને નાણાંનો પ્રવાહ વધારવામાં આવે છે.
વર્ષ દરમિયાન કમિટીની કુલ 6 બેઠકો થશે
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC) માં કુલ 6 સભ્યો હોય છે, જેમાંથી 3 સભ્યો આરબીઆઈના આંતરિક અધિકારીઓ હોય છે, જ્યારે બાકીના 3 સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. આ કમિટીની બેઠક દર બે મહિને યોજાય છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માં કમિટીની કુલ 6 બેઠકોનું આયોજન થશે, જે અંતર્ગત પ્રથમ બેઠક 6-8 એપ્રિલ 2026 ના રોજ યોજાઈ હતી અને આ બીજી બેઠકના નિર્ણયો 5 જૂને જાહેર કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શેરબજારના LTCG ટેક્સમાં રાહત મળશે? નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન અને SBI રિસર્ચની ભલામણ વચ્ચે જાણો LTCG- STCG ટેક્સના દર, ₹4 લાખના નફા પર કેટલો ટેક્સ ભરવો પડશે અને રોકાણકારો ટેક્સની જવાબદારી કેવી રીતે ઘટાડી શકે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?

IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.