કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો
સરકારી તેલ કંપનીઓએ આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર
LPG Price Hike: દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીઓ સંપન્ન થતાની સાથે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ 1 મે, 2026થી અમલમાં આવે તે રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો જાહેર કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં ₹993 અને 5 કિલોના સિલિન્ડરના ભાવમાં ₹261નો વધારો કરવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશ માટેના 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વેપારીઓમાં ચિંતા
અહેવાલો મુજબ, આ વધારા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹3071.50 પર પહોંચી ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલે ₹2078.50 હતી. એટલે કે માત્ર એક મહિનાના ગાળામાં વેપારીઓએ એક સિલિન્ડર દીઠ ₹993 વધુ ચૂકવવા પડશે. મુંબઈ અને અન્ય મોટા શહેરોમાં પણ કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3000નો આંક વટાવી ગયો છે, જે વેપારી આલમ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ખાદ્યપદાર્થો અને હોટલ બિલમાં વધારાની શક્યતા
કોમર્શિયલ ગેસના ભાવમાં થયેલા આ અસહ્ય વધારાની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ પર જોવા મળશે. હોટલ માલિકોના જણાવ્યા અનુસાર, ઇંધણના ભાવ વધતા હવે ખાદ્ય પદાર્થોની કિંમતો વધારવી અનિવાર્ય બની છે. આગામી દિવસોમાં હોટલના બિલમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં, સામાન્ય માણસના રોજિંદા નાસ્તા જેવા કે ચા, સમોસા અને અન્ય સ્ટ્રીટ ફૂડની કિંમતોમાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
શ્રમિકો માટે વપરાતા 5 કિલોના સિલિન્ડરમાં પણ ઝીંકાયો વધારો
માત્ર મોટા સિલિન્ડર જ નહીં, પણ શ્રમિક વર્ગ અને નાના વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા 5 કિલોના ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરના ભાવમાં પણ ₹261નો વધારો થયો છે. અગાઉ જે 5 કિલોનું સિલિન્ડર ₹549માં મળતું હતું, તેની કિંમત હવે વધીને ₹810 થઈ ગઈ છે. આ વધારાને કારણે મજૂર વર્ગ અને એકલવાયું જીવન જીવતા લોકોના રસોડાનું બજેટ પણ ખોરવાઈ જશે.
ભાવ વધારા પાછળનું કારણ શું?
નિષ્ણાતોના મતે, આ ભાવ વધારા પાછળ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ મુખ્ય કારણ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે 'હોર્મુઝ સ્ટ્રેટ' પર અસર પડી છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગે આયાત કરે છે. આ વ્યૂહાત્મક માર્ગ અવરોધિત થવાને કારણે ગેસ અને તેલના પુરવઠામાં ઘટાડો થયો છે. પરિણામે, ભારતને અન્ય વૈકલ્પિક અને મોંઘા સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડ્યું છે, જેની સીધી અસર સ્થાનિક ભાવ પર જોવા મળી રહી છે.
ઘરેલુ ગ્રાહકોને હાલ પૂરતી રાહત
તેલ કંપનીઓએ હાલમાં 14.2 કિલોના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ યથાવત રાખ્યા છે. છેલ્લે 7 માર્ચના રોજ ઘરેલુ ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અત્યારે દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડર ₹913, મુંબઈમાં ₹912.50, ચેન્નાઈમાં ₹928.50 અને કોલકાતામાં ₹939ના ભાવે મળી રહ્યો છે. જોકે, કોમર્શિયલ ગેસના ભાવ વધતા પરોક્ષ રીતે મોંઘવારી તો વધશે જ, જે સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર મૂકશે. રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન-અમેરિકા તણાવ અને સ્થાનિક સ્તરે ચૂંટણીઓ પૂર્ણ થતા જ મોંઘવારીએ ફરી માથું ઊંચક્યું છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર વધતા ભાવને કાબૂમાં લેવા માટે કોઈ પગલાં ભરે છે કે કેમ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PAN વગરના મોટા વ્યવહારોની માહિતી પણ Income Tax Department સુધી પહોંચશે. જાણો CBDTના નવા Form 97-98 નિયમો.

માઇક્રોસોફ્ટના આગામી ડેટા સેન્ટર માટે ભારત સરકારે આપી એવી સલાહ કે સીધી વીજળી સાથે જોડાયેલી છે!

EMI બાઉન્સ થવાથી કેટલો ચાર્જ લાગી શકે અને CIBIL Score પર શું અસર થઈ શકે? જાણો EMI Bounceના કારણો, Grace Period, Bounce Charges અને CIBIL Report સાથે જોડાયેલી મહત્વની માહિતી.