અમેરિકાએ રશિયન તેલ કંપનીઓને નિશાન બનાવી
લુકઓઇલ અને રોઝનેફ્ટ પર ટ્રમ્પના પ્રતિબંધ, વૈશ્વિક તેલ બજારમાં હલચલ

લુકઓઇલ અને રોઝનેફ્ટ રિફાઇનરીઝ

લુકઓઇલ અને રોઝનેફ્ટ રિફાઇનરીઝ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકઓઇલ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. આ પગલાથી ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં યુક્રેન યુદ્ધને લગતા પ્રથમ પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાએ આ પગલું વ્લાદિમીર પુતિનના યુક્રેનમાં યુદ્ધ બંધ ન કરવા અંગેની નારાજગી બાદ લીધું છે.
યુરોપિયન યુનિયને પણ બુધવારે રશિયા સામે 19મા પ્રતિબંધ પેકેજને મંજૂરી આપી છે, જેમાં રશિયન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ના આયાત પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. બ્રિટન પહેલેથી જ રોઝનેફ્ટ અને લુકઓઇલ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. આ સંયુક્ત પશ્ચિમી કાર્યવાહીનો હેતુ ક્રેમલિનની સૌથી મહત્વપૂર્ણ આવકનું સ્ત્રોત — તેની ઉર્જા નિકાસ — પર સીધો પ્રહાર કરવાનો છે.
આંકડા મુજબ, રોઝનેફ્ટ રશિયાના કુલ તેલ ઉત્પાદનના અડધાથી વધુ ભાગ માટે જવાબદાર છે, 2024માં કુલ 255.9 મિલિયન ટન હાઇડ્રોકાર્બન ઉત્પાદન સાથે. જ્યારે લુકઓઇલએ 76.5 મિલિયન ટન તેલનું ઉત્પાદન કર્યું હતું, જે રશિયાનું લગભગ 15% ઉત્પાદન છે. બંને મળીને દરરોજ 3.1 મિલિયન બેરલ તેલ નિકાસ કરે છે, જે વૈશ્વિક પુરવઠાનો મોટો હિસ્સો છે.
અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે, “પુતિનની યુદ્ધ સમાપ્ત કરવાની ના પછી આ senseless યુદ્ધને રોકવાનો સમય આવી ગયો છે. રશિયાની બે સૌથી મોટી તેલ કંપનીઓ હવે પ્રતિબંધિત કરવામાં આવી છે, કારણ કે એ ક્રેમલિનના યુદ્ધ મશીનને નાણાં પૂરું પાડે છે.”
આ પ્રતિબંધો હેઠળ અમેરિકન કંપનીઓ અને વ્યક્તિઓ હવે આ બંને કંપનીઓ સાથે કોઈ નાણાકીય વ્યવહાર કરી શકશે નહીં, તેમ જ તેમના અમેરિકન સંપત્તિ પણ ફ્રીઝ કરવામાં આવશે. ટ્રેઝરી વિભાગે અન્ય મૈત્રીપૂર્ણ દેશોને પણ સમાન પગલાં લેવા અપીલ કરી છે, જેથી રશિયાની નાણાકીય પુરવઠા લાઇનને રોકી શકાય.
પ્રતિબંધોની જાહેરાત બાદ વૈશ્વિક તેલ બજાર તરત જ પ્રતિક્રિયા આપી. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં $2 પ્રતિ બેરલથી વધુનો ઉછાળો નોંધાયો અને ભાવ $64 સુધી પહોંચી ગયો. વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે આ પ્રતિબંધો વૈશ્વિક પુરવઠાને તંગ કરી શકે છે અને યુરોપ તથા એશિયાના ગ્રાહકોને અસર થઈ શકે છે.
રશિયાની અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણે, આ પગલાનો પ્રભાવ ગંભીર હોઈ શકે છે. રશિયાની કુલ સરકારી આવકમાં ઉર્જા ક્ષેત્રનો હિસ્સો 40%જેટલો છે. એટલે રોઝનેફ્ટ અને લુકઓઇલ પર પ્રહાર એટલે રશિયાનું નાણાકીય હૃદય હલાવવું. પરંતુ નિષ્ણાતો ચેતવે છે કે આ પગલાં યુરોપના દેશોને પણ ઊર્જા કિંમતોમાં વધારાનો દબાણ લાવી શકે છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે, “હવે સમય આવી ગયો છે પ્રતિબંધો લગાવવાનો. હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો.” તેમણે આશા વ્યક્ત કરી કે “આ પ્રતિબંધો લાંબા સમય સુધી રહેશે નહીં — કારણ કે યુદ્ધ સમાપ્ત થશે.” પરંતુ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ અને રશિયા વચ્ચે આર્થિક ટકરાવનો નવો તબક્કો શરૂ થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બર્કશાયર હેથવેની કમાન સંભાળનાર વોરેન બફેટે હવે લીધો મોટો નિર્ણય! ચેરમેન પદ છોડ્યા બાદ તેમની જગ્યાએ કોણ આવ્યું?

UPI ચાર્જ પર ફરી સવાલો કેમ ઊઠ્યા? BharatPeનું સમર્થન અને અશ્નીર ગ્રોવરનો વિરોધ ચર્ચામાં

“₹2,000 પાર થયું UPI બિલ તો શું થશે? તહેવારો પહેલાં MDRને લઈને રિટેલ માર્કેટમાં હલચલ”