ગાંધીનગરમાં ટ્રિપલ અકસ્માત, મહિલાનું મોત
કારે રિક્ષાને ટક્કર માર્યા બાદ પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ, રિક્ષામાં સવાર એક મહિલાનું મોત

ટ્રિપલ અકસ્માતની ઘટના

ટ્રિપલ અકસ્માતની ઘટના
ગાંધીનગરના મોટા ચિલોડા-દહેગામ રોડ પર આવેલી કેશવ હોટલ નજીક ગઈકાલે રાત્રે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બેફામ રીતે અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવતા એક ઇનોવા કારના ચાલકે સૌપ્રથમ મજૂરોને લઈને જઈ રહેલી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી સખત હતી કે રિક્ષા રોડની સાઈડમાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. આ અકસ્માત બાદ પણ ઈનોવા કાર અટકી ન હતી અને રોડની સાઈડમાં પાર્ક કરેલી એક આઈવા ટ્રકની ડીઝલ ટાંકીના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મજૂર મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે રિક્ષા-ડ્રાઈવર સહિત અન્ય 7 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં ચિલોડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
દારૂની બોટલ પણ મળી આવી
અકસ્માતમાં રિક્ષા-ડ્રાઈવર પંકજજી ઠાકોરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ લેકાવાડા ખાતે કમલેશભાઈ પટેલના ખેતરમાં બટાકાનું બિયારણ કાપવા માટે શૈલેષ ઠાકોર, લીલાબેન ઠાકોર, અર્જુન ઠાકોર, મહેન્દ્રભાઈ વાઘેલા, જ્યોત્સ્નાબેન વાઘેલા, મુન્નીબેન ઠાકોર અને પૂનમબેન બળદેવજી ઠાકોર સહિતના મજૂરોને રિક્ષામાં લઈને જઈ રહ્યા હતા. આ ગંભીર અકસ્માત સર્જીને ઈનોવા કારનો ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે મૂકીને નાસી ગયો હતો. પોલીસે તપાસ કરતાં ફરાર ચાલકની ઈનોવા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી, જે સૂચવે છે કે, કારચાલક કદાચ નશાની હાલતમાં હોઈ શકે છે.
આ પણ વાંચો: પટનામાં દુ:ખદ અકસ્માત,ઘરની છત તૂટી પડતાં 5ના મોત
મહિલાનું મોત અને ઈજાગ્રસ્તોને સારવાર
અકસ્માતના પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને રિક્ષામાંથી તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. રિક્ષામાં સવાર પૂનમબેન ઠાકોરને ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે રિક્ષામાં સવાર અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચિલોડા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા અને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?