પૂર્વ આરોગ્ય મંત્રી હત્યા કેસમાં કોણ થયું નિર્દોષ?
હડમતિયા ગામના અનિરૂદ્ધસિંહ ચંદુભા જાડેજાને નિર્દોષ જાહેર કરતો નીચલી કોર્ટનો હુકમ યથાવત

રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 1996માં શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરતાં સરકારે અપીલ કરી હતી

રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 1996માં શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરતાં સરકારે અપીલ કરી હતી
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભ પટેલના હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટ હડમતિયા ગામના અનિરૂદ્ધસિંહ ચંદુભા જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. વર્ષ 1996માં રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરતાં હુકમને હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. રાજકોટ સેશન્સ કોર્ટે આપેલા હુકમ સામે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત સરકારની અપીલને હાઈકોર્ટે 29 વર્ષ બાદ ફગાવી દીધી છે. વર્ષ 1989માં ચૂંટણી પ્રચાર દરમિયાન વલ્લભ પટેલની હત્યા કરવામાં આવી હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો નવમી લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો હતો. રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમાબેન માવાણી અને ભાજપના શિવલાલ વેકરિયા વચ્ચે ખરાખરીનો જંગ હતો. ગુજરાત સરકારના તત્કાલિન આરોગ્ય મંત્રી વલ્લભ પટેલ પક્ષના ઉમેદવાર રમાબેન માટે રાજકોટ જિલ્લામાં પ્રચાર કરી રહ્યા હતા.
રાજકોટથી 45 કિમી દૂર પડધરી તાલુકાના હડમતિયા ગામે 21 નવેમ્બર, 1989ના રોજ સાંજે 5.30 વાગ્યે વલ્લભભાઈ પટેલની જાહેર સભા હતી. આ સમયે ગામના ચોરાને અડીને આવેલા મંદિરના હોલમાં અંદાજે 500 લોકો એકઠા થયા હતા. આરોગ્યમંત્રી વલ્લભ પટેલ સમયસર નહી આવી શકતાં લોકો જાહેર સભા છોડીને ચાલ્યા ગયા હતા.
ત્યારબાદ વલ્લભ પટેલ સવા આઠ વાગ્યે હડમતિયા ગામે પહોંચ્યા હતા. થોડા લોકોની હાજરીમાં એકાદ કલાક સભાનો કાર્યક્રમ ચાલ્યો હતો. ચોરાના મેદાનમાં બે બાજુ વીજળીના બલ્બ હતા. જેમાંથી એક ચાલુ અને એક બંધ હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ વલ્લભ પટેલ બાજુ બલ્બ બંધ હતો. તે બાજુ પડેલા તેમના ચપ્પલ પહેરવા જતા હતા. તે સમયે અચાનક એક શખ્સે ધસી આવીને વલ્લભ પટેલ ઉપર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે તેમને ફેફસા સુધી ઈજા પહોંચી હતી. થોડીવારમાં નાસભાગ મચી જતાં હત્યારો અંધારામાં ગાયબ થઇ ગયો હતો. વલ્લભ પટેલના સિક્યોરિટી ગાર્ડે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ તત્કાલિન મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીને જાણ કરવામાં આવી હતી.
વલ્લભ પટેલને હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યાં સુધી તેઓ ભાનમાં હતા. તેમણે પોતાનું બ્લડ ગૃપ બી પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. તેથી સંખ્યાબંધ બ્લડ ડોનર્સ હોસ્પિટલ પર હાજર થઇ ગયા હતા. છરીના ઘા પેટમાં, છાતીમાં અને પીઠમાં વાગ્યા હતા. હૃદયની બાજુમાં વાગેલા છરીના ઘાથી તેમના ફેફસાને ઈજા પહોંચી હતી. આ ઘા તેમના માટે જીવલેણ પુરવાર થયો હતો. 62 વર્ષિય વલ્લભ પટેલ બીજા દિવસે વહેલી સવારે પરિવારજનોની હાજરીમાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.
વલ્લભ પટેલે ડાઇંગ ડેકલેરેશનમાં જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સે મારી પર છરીથી હુમલો કર્યો હતો. તે કોણ હતો એ હું કહી શકું નહીં. બીજી તરફ પોલીસે 21 વર્ષીય આરોપીને બીજા જ દિવસે સવારે જામખંભાળિયાથી ઝડપી પાડ્યો હતો. જેઓ હડમતિયાના બળો ઉર્ફે અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજા હતા. માત્ર આઠ ચોપડી ભણેલા અનિરુદ્ધસિંહના પરિવારમાં ત્રણ ભાઇ અને એક બહેન હતી. જેમાં તે સૌથી મોટા હતા.
જે તે સમયે માધ્યમોમાં છપાયેલા અહેવાલ મુજબ આરોપીને વલ્લભ પટેલ પોતાના ગામ હડમતિયા આવવાના છે એની ખબર પડતાં અનિરુદ્ધસિંહ જાડેજા (હડમતિયાવાળા) ચોરા પર જઇને બેઠા હતા. પરંતુ વલ્લભ પટેલ નિર્ધારિત સમયે ન આવતાં તે પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ જમીને વાડીએ ગયા હતા. જ્યાંથી 8 વાગ્યે પાછા ચોરા ઉપર આવ્યા હતા. સભા પૂરી થઇ ગયા બાદ વલ્લભ પટેલ ચપ્પલ પહેરવા જતા હતા ત્યારે તેમના પર હુમલો કર્યો હતો. બાદમાં તેઓ હડમતિયા સ્ટેશને જઇને રાજકોટ-ઓખા ટ્રેનમાં બેસીને જામખંભાળિયા પહોંચી ગયા હતા. જ્યાં સવારે પંચાયત રેસ્ટ હાઉસ પાસે ચાની લારી ઉપરથી પોલીસે છરી સાથે ઝડપી લીધા હતા.
આ કેસમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ કેસ સાંયોગિક પુરાવા આધારિત છે. સાક્ષીઓને તપાસી ઘટનાની ચેઇન પૂર્ણ કરવામાં પ્રોસિક્યુશન સફળ રહ્યું હતું. આરોપીએ નવેમ્બર 1989માં રાત્રે વલ્લભ પટેલને છરી મારી હતી. જે છરી આરોપી પાસેથી રિકવર કરવામાં આવી હતી. આરોપીને ઓળખ પરેડમાં સાક્ષીઓએ ઓળખી બતાવ્યો હતો. FSL અને મેડિકલ પુરાવા પ્રોસિક્યુશનના પક્ષમાં હતા. મૃતકને ડાબા ફેફસામાં છરી વાગી હતી. કેટલાક સાહેદોએ પ્રોસિક્યુશનના કેસને સપોર્ટ કર્યો હતો.
સામે પક્ષે અનિરુદ્ધસિંહના વકીલ ધર્મેશ.એમ.દેવનાની અને ગૌરાંગ.પી.ગોકાણીએ દલીલ કરી હતી કે, આ કેસમાં નજરે જોવા વાળો સાક્ષી નથી. આરોપીનો મૃતક પર હુમલો કરવાનો કોઈ હેતુ નહોતો. આ ઘટના વીત્યાને 39 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. હાઇકોર્ટે નોંધ્યું કે, વલ્લભ પટેલ જે તે સમયે ગુજરાતના આરોગ્ય મંત્રી હતા. તેઓ પડધરીના હડમતિયા ગામે ચૂંટણી પ્રચારમાં ગયા હતા. તેઓ ચોરામાં સંબોધન કરીને રામજી મંદિર પાસે પોતાના બૂટ પહેરી રહ્યા હતા. ત્યારે આરોપીએ મૃતક ઉપર છરીના 6 ઘા ઝીંક્યા હતા એવો આક્ષેપ છે.
આરોપીના કપડાં ઉપરથી લોહી મળ્યું હતું. જો કે સેશન્સ કોર્ટે તેને શંકાનો લાભ આપી છોડી મૂક્યો હતો. ગામડાના 100 થી 150 લોકો એકત્ર થયા હતા. સિક્યુરિટી ગાર્ડ હુમલાને રોકી શક્યો નહોતો કે આરોપીને ઝડપી શક્યો ન હતો. સવારે તેમનું હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે રાજકોટ સેશન્સ કોર્ટના હુકમમાં હસ્તક્ષેપને યોગ્ય નહી સમજીને હડમતિયાના અનિરૂદ્ધસિંહ ચંદુભા જાડેજાને નિર્દોષ જાહેર કરતાં નીચલી કોર્ટના હુકમને યથાવત રાખ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?