ગુજરાતમાં ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓએ શાળા પ્રવેશોત્સવમાં જઈ બાળકોને પ્રવેશ અપાવ્યો છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાજપ સરકારના મંત્રીઓએ શિક્ષણના નામે બણગાં ફૂંક્યા હતા. જો કે, ગ્રાઉન્ડ લેવલે હકીકત કઈંક જુદી જ છે. પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અને શિક્ષકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પાછળ ધકેલાઈ રહ્યું છે.
જેના કારણે સરકારી પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળા લાગી રહ્યા છે અને શિક્ષણનો વેપલો કરવા ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે. રાજ્યની 1606 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક હોવા જોઈએ, તેના બદલે 29 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક હોવાથી શિક્ષણવિદો કહી રહ્યા છે કે આમા ક્યાંથી ભણે ગુજરાત?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાતના પ્રાથમિક શિક્ષણનો ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતમાં ધોરણ 1 થી 5 માં શાળાઓ અને શિક્ષકોનું પ્રમાણ દેશમાં ગુજરાતનું સૌથી ઓછું હોવાનું દર્શાવાયુ છે.
ભાજપ સરકાર પર પ્રહાર કરતાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નેતાઓ ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાતના નારાઓ આપે, પરંતુ ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી છે, યુનિફાઈડ ડિસ્ટ્રક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન 2023-24ના રિપોર્ટ મુજબ સમગ્ર દેશમાં શાળાઓ અને શિક્ષકો મુજબ રાજ્યના પ્રાથમિક શિક્ષણ(ધોરણ-1 થી 5)ની ગુણવત્તા સૌથી ઓછી છે.
યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કુલ 53 હજાર શાળાઓ માંથી ધોરણ 1 થી 5 ની 13 હજાર એટલે કે 25 ટકા, રાજસ્થાનમાં 1.70 લાખ શાળા પૈકી 35 હજાર એટલે કે 35 ટકા, કર્ણાટકમાં કુલ 76 હજાર શાળાઓમાંથી 23 હજાર એટલે કે 31 ટકા, સૌથી પછાત ગણાતા બિહારમાં 94 હજાર શાળાઓ પૈકી 41 હજાર એટલે કે 44 ટકા અને મહારાષ્ટ્રમાં 1.80 લાખ શાળાઓમાંથી 75 હજાર એટલે કે 46 ટકા પ્રાથમિક શાળાઓ છે.
શિક્ષકોની સંખ્યાની વાત કરીએ તો ગુજરાતમાં 3.94 લાખ શિક્ષકો પૈકી પ્રાથમિક શાળામાં 34 હજાર એટલે કે માત્ર 8.6 ટકા છે. રાજસ્થાનમાં 7.75 લાખ શિક્ષકો પૈકી પ્રાથમિક શાળાઓમાં 83 હજાર એટલે કે 11 ટકા, કર્ણાટકમાં 4.34 લાખ શિક્ષકો પૈકી પ્રાથમિક શાળાઓમાં 47 હજાર એટલે કે 11 ટકા, બિહારમાં 6.57 લાખ શિક્ષકો પૈકી 1.57 લાખ પ્રાથમિક સ્કૂલોમાં એટલે કે 24 ટકા, મહારાષ્ટ્રમાં 7.38 લાખ શિક્ષકોમાંથી 1.30 લાખ પ્રાથમિક શાળામાં એટલે કે 19 ટકા છે.
ગુજરાતમાં ધોરણ 1 થી 5 માં કુલ 54 લાખ વિદ્યાર્થીઓ છે. જેમાંથી સરકારી શાળાઓમાં 38 લાખ અને ખાનગી શાળાઓમાં 16 લાખ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં ગ્રોસ એન્રોલમેન્ટ રેશિયો 80 ટકા છે. એટલે કે 6 થી 10 વર્ષના 20 ટકા બાળકો પ્રાથમિક સ્કૂલોમાં એડમિશન લેતા નથી. આ મામલે ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે છે.
વર્ષ 2022-23 ની સરખામણીએ વર્ષ 2023-24માં ધોરણ 1 થી 12 માં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 1.30 લાખ વિદ્યાર્થીઓ ઘટ્યા છે અને તેની સામે ખાનગી સ્કૂલોમાં 1.27 લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે. વર્ષ 2015-16થી અત્યાર સુધી ગુજરાતમાં 542 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે અને 1745 ખાનગી સ્કૂલો વધી ગઈ છે.
ગુજરાતના પ્રાથમિક શિક્ષણની વરવી વાસ્તવિક્તા...
ગુજરાતમાં 525 સરકારી શાળાઓને ખંભાતી તાળાં લાગ્યાં, જ્યારે કેટલાંક વર્ષોમાં 988 ખાનગી શાળાઓ શરૂ થઈ. 2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, 1606 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. એક જ શિક્ષકવાળી શાળાઓમાં હાલ 87,300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યમાં 40 હજાર વર્ગખંડની જરૂરિયાત સામે 1456 શાળાઓમાં એક જ વર્ગખંડ છે. ગુજરાતમાં 274 શાળામાં એકપણ વિદ્યાર્થી ન હોવા છતાં 382 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.
ગુજરાતમાં 1600 થી વધુ શાળાઓમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. લોકસભમાં રજૂ થયેલાં એક રિપોર્ટ અનુસાર દર વર્ષે નવી ખાનગી શાળાઓ ખુલી રહી છે. વર્ષ 2025-16માં ગુજરાતમાં 12,502 ખાનગી શાળાઓ હતી. તે વર્ષ 2023-26માં વધીને 13,490 થઈ છે. સરકારી શાળાની સંખ્યા 35,122 હતી તે ઘટીને 34,597 થઈ છે.
નવી શિક્ષણ નીતિ મુજબ રાજ્યમાં 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવા જોઈએ. ગુજરાતમાં આ રેશિયો જળવાતો નથી. 25:1 રેશિયા મુજબ રાજ્યમાં 4,59,868 શિક્ષકો હોવા જોઈએ. તેની સામે 3,94,053 શિક્ષકો છે એટલે કે 65,814 શિક્ષકોની ઘટ છે. 29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો છે. 53,626 શાળાઓમાં કુલ 1,14,96,709 વિદ્યાર્થીઓ છે. એક શાળામાં સરેરાશ 7 શિક્ષકો અને 214 વિદ્યાર્થીઓ છે. 274 શાળાઓમાં એકપણ વિદ્યાર્થી નથી. 382 શાળાઓમાં શિક્ષકો છે વિદ્યાર્થીઓ નથી. 2,462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે. એક શિક્ષકવાળી શાળાઓમાં 87,322 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.