કડદા પ્રથાના આંદોલન બાદ કપાસના ભાવ પર શું અસર થઈ?
બોટાદના હડદડ સબ માર્કેટયાર્ડમાં મહાપંચાયત સમયે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું

બોટાદ માર્કેટયાર્ડ ખેડૂત આંદોલન

બોટાદ માર્કેટયાર્ડ ખેડૂત આંદોલન
બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના ઓછા ભાવ, કડદા પ્રથા મામલે શરૂ થયેલા ખેડૂત આંદોલને સમગ્ર રાજ્યના ખેડૂતોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું. વેપારીઓએ ખેડૂતોની જણસમાં ગુણવતા અંગે સવાલ ઊઠાવતાં સમગ્ર મામલો વણસ્યો હતો. દિવાળી પછી કડદા પ્રથાનો ઉકેલ આવી જવાનો એપીએમસી મેનેજમેન્ટે દાવો કર્યો છે.
આમ આદમી પાર્ટીની કિસાન પાંખના રાજુ કરપડાએ હડદડ સબ માર્કેટયાર્ડ ખાતે આંદોલન શરૂ કર્યુ હતું. ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કરી સરકારી વાહનોની તોડફોડ કરી હતી. ખેડૂતોના ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસના શૅલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. બાદમાં પોલીસે ગુનો નોંધી 65 લોકોની ધરપકડ કરી હતી. જેમાં આંદોલનનું નેતૃત્વ લેનારા રાજુ કરપડા અને પ્રવિણ રામનો પણ સમાવેશ થાય છે.
ખેડૂત અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ખેડૂતોએ ફરિયાદ કરી કે વેપારીઓએ કપાસના ભાવ જ ઘટાડી નાખ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે હરાજી બાદ કપાસની ગુણવત્તા બાબતે વિવાદ થાય તો વેપારીઓ કપાસ સ્વીકારવાની ઘસીને ના પાડી દે છે. જેથી તેમને કપાસ ફરી વખત વેચવા માટે યાર્ડમાં લાવવાની ફરજ પડી રહી છે. અગાઉ વેપારીઓ દ્વારા કડદો કરીને માલને ખરીદી લેવામાં આવતો હતો.
બોટાદ એપીએમસીના હડદડ કૉટન સબયાર્ડમાં ખેડૂતો કપાસનું વેચાણ કરવા આવી રહ્યા છે. હરાજી દરમિયાન સૌથી ઉંચો પ્રતિ મણે 1,350 રૂપિયા નોંધાયો હતો. રાણપુર તાલુકાના એક ખેડૂતે કહ્યું કે, કપાસના ભાવ દોઢસો-બસો રૂપિયા (મણદીઠ) નીચા રહ્યા. અમારે મણના રૂ. 1,300 આવ્યા છે. કારણ એવું લાગે છે કે દિવાળી આવે છે એટલે બધાને પૈસાની જરૂર હોય, એટલે ખેડૂત પૈસા મેળવવા માટે માલ વધારે લાવે. વાહનો વધ્યાં હોવાથી વેપારીઓએ થોડું (બજાર) દબાવ્યું હોય તેવું બની શકે.
આંદોલન અગાઉ કપાસ સારો હોય તો રૂ. 1,450, 1,500, 1,550 ભાવ (મણદીઠ) આવતા હતા. જ્યારે હવે કોઈ ખેડૂતનો કપાસ રૂ.1,500 માં ગયો નથી. અત્યારે કડદા પ્રથા સાવ બંધ જ છે. અહીંથી જ નીચા ભાવે ખરીદે એટલે કડદો કરવાનું કઈ રહેતું નથી.
બોટાદ એપીએમસીના ચેરમેન મનહર માતરિયાએ સ્વીકાર્યું છે કે કપાસના ભાવોમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું કે, વેપારી હોય ક્વૉલિટી જોઈને માલ લેતો હોય. એને જે વ્યવસ્થા મળતી હોય, તેના આધારે માલની ખરીદી કરતો હોય. પરંતુ હવે એક પછી વસ્તુ જ નક્કી હોય કે કડદો કોઈ સંજોગોમાં ચલાવી લેવાનો નથી, ત્યારે ખેડૂતોને પણ થોડીક માઠી અસર પડશે.
અંદર માલ મોળો-સારો હોય પણ જે-તે સમયે હરાજીમાં તો પાછળથી (ઠાઠામાં) જોઈને જ લેતા હોય. પણ ઘણા સમયથી આ કડદાવાળો વિષય છે. ત્યારે અંદરથી રૂ. પાંચ-પચ્ચીસનો માલ મોળો નીકળશે એમ સમજીને જ જયારે વેપારી ખરીદી કરતો હોય, તેને કારણે ખેડૂતોને નુકશાન થાય તેમ હું માનું છું.
એપીએમસીના સેક્રેટરી અનક મોભે પણ સ્વીકાર્યું કે ભાવ થોડા નીચા છે, પરંતુ તેમણે તેનાં કારણો બીજાં હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ઑક્ટોબરમાં ભાવ નીચા છે, પરંતુ તેનું એક કારણ કપાસની રેકૉર્ડ-બ્રેક આવક છે. કપાસનાં 1,400 વાહન આવ્યાં હતાં અને લગભગ સવા લાખ મણ કપાસની આવક થઈ હતી.
તેમણે ઉમેર્યુ કે, અમારા યાર્ડમાં કપાસની આટલી આવક પહેલાં નોંધાઈ નથી. કપાસની આવક વધી છે તેની સામે માંગમાં તેટલો વધારો થયો નથી. તેથી, ભાવ ઘટ્યા છે. બોટાદના હડદડ કૉટન સબયાર્ડના ભાવની ઉપલબ્ધ માહિતી અનુસાર, ગત વર્ષે ઑક્ટોબરના પહેલા પખવાડિયામાં કપાસનો ઉંચામાં ઉંચો ભાવ રૂ. 1400 થી વધારે હતો. આ વર્ષે ઑક્ટોબરમાં રૂ. 1,300થી 1,390ની રેન્જમાં રહ્યો છે.
આંદોલનથી કપાસના વેપારની પદ્ધતિમાં ફેરફાર થયો?
ખેડૂત ટ્રેક્ટર, છકડો રીક્ષા કે મિની ટ્રકમાં છૂટો કપાસ ભરીને વેચાણ માટે યાર્ડમાં લાવે તો કપાસના આવા જથ્થાને 'પાલ' કહેવાય છે. કેટલાક ખેડૂતો તેમના કપાસની ગાંસડીઓ બાંધી પછી તેને વાહનમાં લાદીને પણ યાર્ડમાં વેચાણ માટે લાવે છે. બોટાદમાં વેચાવા આવતા કપાસમાંથી 80 ટકા કરતાં પણ વધારે કપાસ પાલ સ્વરૂપે આવે છે. ગાંસડીમાં બાંધેલો કપાસ એક રીતે 'નાનાં-નાનાં યુનિટ'માં વહેંચાયેલો હોય છે. તેથી વેપારીઓ દરેક ગાંસડીમાં રહેલા કપાસની ગુણવત્તાને ચકાસવા માટે દરેક ગાંસડીમાંથી નમૂનો લઈને ચકાસણી કરવાની રહે છે.
બીજી બાજુ, પાલમાં આખું વાહન જ 'એક યુનિટ' હોય છે. હરાજી વખતે વાહનના ઠાઠામાં (પાછળના ભાગમાં) ભરેલો કપાસ ખુલ્લો જ હોય છે. વેપારીઓ તેમાંથી નમૂનો લઈને વાહન લાદેલો કપાસ જોઈ, તેના નમૂના લઈને હરાજી દરમિયાન ભાવ બોલતા હોય છે. હરાજીમાં કપાસ વેચાઈ ગયા બાદ ખેડૂત જે વેપારીએ તેનો કપાસ ખરીદ્યો હોય તેના ગોડાઉન કે જિનિંગ ફૅક્ટરીએ કપાસ ઊતારવા જાય છે.
ફૅક્ટરીમાં વાહનમાંથી કપાસ ખાલી કરતી વખતે વાહનના આગળના ભાગમાં કે તળિયે રહેલા કપાસની ગુણવત્તા ઠાઠાંના ભાગે રહેલા કપાસ કરતાં ઊતરતી હોય તો વેપારી ખેડૂતને ફરિયાદ કરે છે. ખેડૂતોએ જણાવ્યું કે તાજેતરના વિરોધ પછી વેપારીઓએ કડદો કરવાનું બંધ કરી દીધું છે.
તરઘારા ગામના ખેડૂતે કહ્યું કે, કપાસ જીનમાં લઈ જાય એ પછી જુએ અને ઊભું રાખી દે. પછી રૂ. 50 કે 100 ભાવ તોડે. આંદોલનને કારણે તે બધું થયું એટલે વેપારીઓ અત્યારે પાછું મોકલી દે છે. ભાવ કાપતા નથી. ઘણાય ટ્રૅક્ટર અહીં પાછા આવે છે.
રાણપુર તાલુકાના બે ખેડૂતોએ કપાસ વેચાણનાં કાગળો બતાવી દાવો કર્યો કે, કપાસ ખરીદ્યા બાદ વેપારીઓએ ગુણવત્તા બાબતે ફરિયાદ કરી કપાસ રિજેક્ટ કરતા તેમને પોતાનો કપાસ બુધવારે એક જ દિવસમાં બે વાર હરાજીમાં મૂકવાની ફરજ પડી હતી.
એક ખેડૂતે કહ્યું કે, મારા કપાસની હરાજી થઈ. તેમાં મારો કપાસ રૂ. 1,470 પ્રતિ મણના ભાવે વેચાઈ ગયો. વેપારીના કહેવા મુજબ, તેની જિનિંગ ફૅક્ટરીએ હું કપાસ ખાલી કરવા ગયો. ત્યાં થોડો કપાસ ખાલી કર્યો તો મને કહેવામાં આવ્યું કે કપાસની ગુણવત્તા બરાબર નથી અને આ કપાસ નહીં ચાલે. તેથી, હું કપાસ લઈને પાછો યાર્ડમાં આવ્યો અને બીજી વખત હરાજીમાં મૂક્યો. બીજી વખતમાં મને રૂ. 1,400 નો જ ભાવ મળ્યો. બીજા ખેડૂતે પણ આવી જ ફરિયાદ કરી અને કહ્યું કે પહેલી વારમાં તેમનો કપાસ રૂ.1,435માં વેચાયો હતો. પરંતુ બીજી વખત તેમને માત્ર રૂ. 1,365 (મણદીઠ) ભાવ મળ્યો હતો.
વેપારી અને એપીએમસી શું કહે છે?
એપીએમસી ચેરમેન મનહર માતરિયાએ કહ્યું કે હરાજી બાદ ગુણવત્તા બાબતે વિવાદ થાય તો યાર્ડે ઇન્સ્પેક્ટરને ફૅક્ટરીએ મોકલીને તેનું નિરાકરણ લાવવાની વ્યવસ્થા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે હવે તેમને આવી કોઈ ફરિયાદો મળી ન હતી તથા કોઈ વાહન પરત આવ્યું ન હતું.
તેમણે ઉમેર્યું હતું કે જો કોઈ વેપારીની જિનિંગ ફૅક્ટરી યાર્ડથી 6 કિલોમીટરથી દૂર આવેલી હશે, તો તે વધારાનાં અંતરનું ભાડું વેપારીએ ભોગવવું પડશે તેવો નિર્ણય પણ એપીએમસીએ કર્યો છે, પરંતુ તેના ભાડાનો દર નક્કી કરવાનો હજુ બાકી છે. વેપારીઓને (કપાસની) ગાંસડી બાંધીને બીજાં રાજ્યોમાં વેચવાની હોય છે. જો ક્વૉલિટી વગરની વસ્તુ લે, તો તે લોકોને પણ (કપાસ) ન વેચાય. પૈસા તો વેપારીએ ખેડૂતને આપવાના જ છે. આવા સંજોગોમાં જયારે ક્વૉલિટી બિલકુલ (નીચી હોય), દાખલા તરીકે વરસાદને કારણે કપાસ પલળેલો હોય કે જીવાતને કારણે ખરાબ થઈ ગયેલો હોય તો વેપારી લેવાની ના પાડી દે છે.
બોટાદ કૉટન ઍસોસિયેશનના પ્રમુખ જયંતિ પટેલે કહ્યું કે, વેચાણ માટે આવેલા કપાસની ગુણવત્તા ચકાસી લેવાની પ્રાથમિક જવાબદારી કમિશન એજન્ટોની છે. હરાજી દરમિયાન દેખાડવામાં આવેલી ક્વૉલિટી મુજબનો કપાસ નીકળે, તો કોઈ વેપારી ખેડૂતોને જિનિંગ ફૅક્ટરીએથી પરત મોકલતા નથી.
તેમણે ઉમેર્યું કે, વર્ષોથી એ પ્રથા છે કે જો માલ પ્રમાણે માલ હોય તે ઉતરી જાય છે, પણ જો હલકો માલ નીકળે તો તે યાર્ડમાં જઈને ફરી વાર વેચી દે છે. તેમણે આક્ષેપ કર્યો કે આ આંદોલન રાજકીય લાભ લેવા માટે અને બોટાદ યાર્ડને બદનામ કરવા માટેનું કાવતરું છે. ભાવ ડિફરન્સની વાત કરે છે તે સાવ ખોટી જ છે. માર્કેટયાર્ડમાં દૈનિક લાખ-લાખ મણની આવક થતી હોય અને હજાર-પંદરસો વાહન આવતાં હોય, ત્યારે વેપારીઓ કપાસ એક મિનિટ સુધી જુએ, તો પણ હરાજી ત્રણ દિવસે પૂરી ન થાય. તેથી, પાછળનો ભાગ (ઠાઠાં) ખુલ્લો કરીને હંમેશા હરાજી થતી હોય છે અને તે રીતે વેપારીઓ માલ ખરીદતા હોય છે. વિવાદનો કોઈ પ્રશ્ન નથી. વિવાદ થતાં જ નથી. રાજકીય લાભ લેવા માટે ઉપજાવી કાઢેલી વાત છે. બોટાદ નજીક પાળિયાદ, રાણપુર, લીંબડી, સાયલા, ગઢડા, લાઠીદડ, બરવાળા, વલ્લભીપુરમાં એપીએમસી છે, તેમ છતાં તે વિસ્તારના ખેડૂતો પણ વધારે વાહનભાડું આપીને તેમનો કપાસ બોટાદ વેચવા આવે છે. ભાડું વધારે દઈને જો ખેડૂત બોટાદમાં આવતા હોય, ત્યારે જો ભાવફેર અને બહુ હેરાનગતિ થતી હોય, તો કોઈ પણ જગ્યાએ ખેડૂત માલ લઈને આવે નહીં, આ આવક જ દેખાડે છે કે ખેડૂત અહીં હેરાન થતો નથી.
કેવી રીતે શરૂ થયો હતો કડદાનો કકળાટ?
એપીએમસીમાં હરાજી દ્વારા કપાસના ભાવ અને વેચાણ થઈ ગયા બાદ ખરીદનાર વેપારી ખેડૂતનાં વાહનોમાંથી કપાસ ઠાલવતી વખતે તે કપાસની ગુણવત્તા ઊતરતી છે તેવી ફરિયાદ કરી ખેડૂતને હરાજીમાં મળેલા ભાવમાં ઘટાડો કરે તેને 'કડદો' કર્યો કહેવાય. હરાજી બાદ વેપારીની દૂરની જિનિંગ ફૅક્ટરી સુધી કપાસ પહોંચાડવાની જવાબદારી ખેડૂત પર નખાય છે, જેનો પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો.
આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ દાવો કર્યો છે કે બોટાદ એપીએમસીમાં પ્રચલિત કડદા પ્રથા અને કપાસ નાખવાની ખેડૂત પરની જવાબદારી તેમને અન્યાયી છે. એટલે કરપડાએ તેની નાબૂદી માટે આંદોલન છેડ્યું. આંદોલનના ભાગરૂપે રાજુ કરપડાએ 10 ઑક્ટોબરે બોટાદ શહેર નજીક હડદડ કૉટન સબયાર્ડમાં વિરોધ કરી હરાજી અટકાવી હતી. ત્યારબાદ કરપડા અને તેમના સમર્થકો કૉટન સબયાર્ડમાં જ ધારણા પર બેસી ગયા હતા. પરિણામે 11 ઑક્ટોબરે કૉટન સબયાર્ડમાં કપાસનો વેપાર બંધ રહ્યો હતો. પોલીસે એ જ દિવસે કરપડાની અટકાયત કરી તેમને ત્યાંથી હટાવી દીધા હતા.
આમ આદમી પાર્ટીની કિસાન પાંખના વડા રાજુ કરપડાએ ખેડૂતોનાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ લીધું હતું, જેના કારણે શનિવારે સબયાર્ડની કામગીરી બંધ રહી હતી. એ પછી રવિવારે કિસાન મહાપંચાયત ઉગ્ર બની હતી. 12 ઑક્ટોબરના રોજ રાજુ કરપડાએ હડદડ ગામમાં કિસાન મહાપંચાયતને સંબોધી હતી.
મંજૂરી વગરની આ સભાને રોકવા માટે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમની ઉપર કથિત રીતે પથ્થરમારો થયો હતો. તેમાં પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી અને પોલીસનાં વાહનોને ભારે નુકસાન થયું હતું. અંતે ટોળાને વિખેરવા પોલીસે ટિયરગૅસના શૅલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. સાથે જ પોલીસે 65 લોકોની ધરપકડ કરી હતી. જેમાં આંદોલનનું નેતૃત્વ લેનારા કરપડાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!