ગુજરાતના અનેક ગામોમાં મતદારોનો ચૂંટણી બહિષ્કાર
મહેસાણાના દેલા અને બાજીપુરામાં તેમજ છોટાઉદેપુરના વરધી ગામમાં ચૂંટણી બહિષ્કાર કરાયો

મહેસાણાના દેલા ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરતાં સ્ટાફને બેસી રહેવું પડ્યું હતું

મહેસાણાના દેલા ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરતાં સ્ટાફને બેસી રહેવું પડ્યું હતું
મહેસાણા જિલ્લાના દેલા ગામના લોકોએ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોનો વિરોધ હોવા છતાં પણ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરાતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગ્રામજનોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરીને એકપણ મત આપ્યો નહોતો.
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત દેલા ગામમાં બે મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા અને સંપૂર્ણ સ્ટાફ ત્યાં તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે, એકપણ મતદાર મતદાન મથક સુધી ફરક્યો ન હતો. ગ્રામજનોએ એકજૂથ થઈને મતદાનથી અળગાં રહેતા મતદાન મથક સૂમસામ બન્યું હતું.
દેલા ગામના કિરણ ચૌધરીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, અમારું ગામ મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરી રહ્યું છે. આ મામલે નામદાર હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. તેમ છતાં, ગામને બળજબરીપૂર્વક મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ભેળવી દેવામાં આવ્યું છે.
ગ્રામજનોની મુખ્ય ચિંતા જમીનો અને સ્થાનિક વહીવટની છે. અમારા ગામના પ્રશ્નો માટે પંચાયત જ હોવી જોઈએ. અમે ગ્રામ પંચાયત જાળવી રાખવા માંગીએ છીએ. અમને મહાનગરપાલિકામાં જોડાવામાં કોઈ જ રસ નથી. આથી આખા ગામે સર્વાનુમતે ભેગા મળીને નિર્ણય લીધો છે કે કોઈએ મત આપવો નહીં.
ચૂંટણી અધિકારી ઉર્વીશ વાળંદે દેલા ગામમાં જઈને ગ્રામજનો સાથે મુલાકાત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ચૂંટણી અધિકારી અને અધિકારીઓની સમજાવટ બાદ પણ ગ્રામજનો બહિષ્કારના નિર્ણય પર અડગ રહ્યા છે.
સુરતમાં પાટીદાર સગીરાની છેડતી મુદ્દે વિસનગરના બાજીપુરા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર
વિસનગર તાલુકાના બાજીપુરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી સરકાર અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. બાજીપુરા ગામની દીકરી સાથે અન્યાય અને ત્યારબાદ પોલીસ દ્વારા કરાયેલાં કથિત અત્યાચારને પગલે ગ્રામજનોએ એકસંપ થઈને મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. વિરોધનું મુખ્ય કારણ સુરત ખાતે બનેલી ઘટના છે.
બાજીપુરા ગામની દીકરીની સુરતમાં વિધર્મી દ્વારા છેડતી કરવામાં આવી હતી. ન્યાય મેળવવા માટે લોકો રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ન્યાય માંગવા ગયેલા લોકો પર પોલીસના દમનકારી વલણથી આખું ગામ રોષે ભરાયું છે. ગ્રામજનો હવે મક્કમ છે કે જ્યાં સુધી લાઠીચાર્જ કરનાર જવાબદાર પોલીસ કર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે નહીં.
છોટાઉદેપુરના વરધી ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર
છોટાઉદેપુરના વરધી ગામના લોકોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો. ગામમાં શાળા બનાવવા માટે પાયા ખોદ્યાને ચાર વર્ષ થવા છતાં બાંધકામ ન થતા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં શાળા મામલે નિર્ણય નહી કરાતાં ગામ લોકોએ મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે. નેતાઓ અને અધિકારીઓની સમજાવટ બાદ પણ ગામ લોકો અડીખમ રહ્યાં છે. શાળાના બાંધકામ માટે અધિકારી લેખિતમાં બાંહેધરી આપે તેવી માંગણી કરી છે.
અરવલ્લી જિલ્લાના ધોળીયા મડાસણા કંપા ગામનો લોકોનો ચૂંટણી બહિષ્કાર
અરવલ્લી જિલ્લાના મોડાસાના ધોળીયા મડાસણા કંપા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. મોબાઈલમાં ડિજિટલ આધારકાર્ડ ન ચલાવતા બહિષ્કાર કરવામા આવ્યો છે. મતદાન પ્રક્રિયા દરમિયાન 670 નંબરના બુથ પર પોલિંગ સ્ટાફ અને મતદારો સાથે રકઝક પણ થઈ હતી. મતદાન મથક પર મતદારોનો જમાવડો થયો હતો ત્યારે મતદારોને તંત્ર દ્વારા સમજાવવાના પ્રયાસો કર્યા હતાં. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાબલવાડ કંપાના ગ્રામજનોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે
ફાગવેલના ચિખલોડ ગામે એકપણ મત ના પડ્યો
ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાના ચિખલોડ ગામના મતદાન મથક પર એકપણ મતદાર ફરક્યો નહી. ચિખલોડના મતદાન મથકના ત્રણેય બૂથ પર એકપણ મતદારે મત આપ્યો નહી. ચિખલોડ ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ચિખલોડના ત્રણ બૂથના કુલ 2335 મતદારો નોંધાયેલા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.