વિસાવદરના નવા ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢમાં શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં એક મહત્વનો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમની ચૂંટણી જીતમાં ભાજપના કેટલાક લોકોનો પણ સહકાર મળ્યો હતો. આ નિવેદનથી ભાજપના નેતૃત્વમાં અસંતોષનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેના કારણે પક્ષના શીર્ષ નેતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ભાજપના સારા લોકો અને સરકારી કર્મચારીઓનો સહયોગ
ઈટાલિયાએ કહ્યું, “ચૂંટણી દરમિયાન મને ભાજપના ઘણા સારા લોકોએ મદદ કરી. ભાજપના લોકોને પણ ખબર હતી કે કયો માણસ કેવો છે અને કોની વિચારધારા શું છે. આ ઉપરાંત, સરકારી તંત્રમાં નાના અધિકારીઓએ બંધારણને ધ્યાનમાં રાખીને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી. આ બધું મારી જીતનું કારણ બન્યું. આમ આદમી પાર્ટીના કાર્યકરો, ભાજપના સારા લોકો, વેપારીઓ, ખેડૂતો અને ઈમાનદાર સરકારી કર્મચારીઓનો સહયોગ મને મળ્યો.”
ભાજપ નેતૃત્વ પર પ્રહાર
વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની હારનો ઉલ્લેખ કરતાં ઈટાલિયાએ કહ્યું, “ભાજપનું આખું મંત્રીમંડળ, રાજ્ય અને કેન્દ્રના નેતાઓ ગામડે ગામડે ફર્યા, છતાં પ્રજાએ કિરીટ પટેલને શરમજનક હાર આપી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ઉમેશ મકવાણાનું રાજીનામું લઈને તેમને બોટાદમાંથી ચૂંટણી લડાવવી જોઈએ, જેથી વાસ્તવિક સ્થિતિ સામે આવે.” ઈટાલિયાએ આ પહેલાં પણ મકવાણાને રાજીનામું આપવાની ચેલેન્જ આપી હતી.
પ્રજાના પ્રશ્નો ઉકેલવાનું વચન
ઈટાલિયાએ જણાવ્યું કે, તેઓ ‘નામ નહીં, કામ’ને મહત્વ આપશે અને વિસાવદરના લોકોના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવશે. તેમણે કહ્યું, “ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે. હું એક જ સ્થળે બેન્ક, વન વિભાગ અને અન્ય સરકારી કચેરીઓનું કામ ઝડપથી થાય તે માટે કામ કરીશ.” તેમણે શપથવિધિ બાદ અધિકારીઓ સાથે બેઠકો કરીને લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી.
આ ઉપરાંત, ઈટાલિયાએ ચોમાસાના કારણે રસ્તાઓની ખરાબ હાલત, આરોગ્યલક્ષી સમસ્યાઓ, નેનો ખાતરનો જબરદસ્તી ઉપયોગ અને દીપડાના ત્રાસ જેવા મુદ્દાઓ પર ગ્રાઉન્ડ લેવલે કામ કરવાનું આયોજન જણાવ્યું.
ગોપાલ ઈટાલિયાની જીતે એક તરફ આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા દર્શાવી, તો બીજી તરફ ભાજપની આંતરિક અસંતોષની સમસ્યાને ઉજાગર કરી. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે, અને આગામી દિવસોમાં ભાજપના નેતૃત્વની પ્રતિક્રિયા પર બધાની નજર રહેશે.