પ્રેમસંબંધ છુપાવવા રચ્યું હુમલાનું હીન તરકટ
ફિનાઈલ પી પોતે જ ચપ્પુના ઘા ઝીંક્યા, સીસીટીવીએ ખોલી પોલ

પ્રેમસંબંધ છુપાવવા રચ્યું હુમલાનું હીન તરકટ

પ્રેમસંબંધ છુપાવવા રચ્યું હુમલાનું હીન તરકટ
Vadodara Student Fakes Attack: સંસ્કારી નગરી વડોદરાના વાઘોડિયા રોડ પર બુધવારે બપોરે બનેલી 'હુમલા'ની સનસનીખેજ ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બે અજાણ્યા બાઈક સવારોએ ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ માર્યા હોવાનો દાવો કરનાર 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આ આખું ષડયંત્ર પોતે જ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોતાના ચાર વર્ષ જૂના પ્રેમસંબંધનો ભાંડો ન ફૂટે તે માટે યુવતીએ પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા આ નાટક રચ્યું હતું, પરંતુ સીસીટીવી ફૂટેજ અને પોલીસે કરેલી સઘન પૂછપરછ સામે તેણીનો ભાંડો ફૂટી ગયો છે.
શું હતી હુમલાની બનાવટી વાર્તા?
ઘટનાની વિગત મુજબ, વાઘોડિયા રોડ પર રહેતી અને છેલ્લા 15 દિવસથી ઉમા ચાર રસ્તા પાસે કમ્પ્યુટર ક્લાસમાં જતી એક વિદ્યાર્થિનીએ 6 એપ્રિલના રોજ બપોરે કમ્પ્યુટર ક્લાસથી છૂટ્યા બાદ પોતાના કાકાને ફોન કર્યો હતો. તેણે રડતા અવાજે જણાવ્યું કે, "બે અજાણ્યા યુવકોએ મને રસ્તામાં ઉભી રાખી બળજબરીથી કંઈક પીવડાવી દીધું છે અને મારી પર ચપ્પા વડે હુમલો કર્યો છે." ભત્રીજી પર હુમલાની વાત સાંભળી ગભરાયેલા કાકા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેણીને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલ પહોંચેલી પાણીગેટ પોલીસ સમક્ષ વિદ્યાર્થિનીએ અત્યંત આત્મવિશ્વાસ સાથે નિવેદન આપ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું કે, બાઈક પર બે યુવકો આવ્યા હતા, જેમાં એક યુવકે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું અને તેની એક આંખ કાળી હતી. આ નિવેદન બાદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી કે ધોળે દિવસે વિદ્યાર્થિનીને ઝેરી પ્રવાહી પીવડાવી ચપ્પુ મારવામાં આવ્યું છે.
પોલીસની બાજ નજર અને શંકાના વાદળો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી. પટેલની ટીમે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની એક ટીમે હોસ્પિટલમાં યુવતીના નિવેદન પર કામ કર્યું, જ્યારે બીજી ટીમે ઉમા ચાર રસ્તા અને યુવતી જે રસ્તેથી પસાર થઈ હતી તે તમામ રૂટના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. પોલીસને ત્યારે શંકા ગઈ જ્યારે યુવતીએ જે સમય અને સ્થળ જણાવ્યા હતા, ત્યાં સીસીટીવીમાં આવું કોઈ જ દ્રશ્ય કે શંકાસ્પદ યુવકો દેખાયા નહોતા. યુવતીના શરીરે થયેલા ચપ્પાના ઘા પણ એવા નહોતા કે જે કોઈ વ્યાવસાયિક ગુનેગારે માર્યા હોય. આથી પોલીસને શંકા ગઈ કે આ ઘટના પાછળ કોઈ અંગત કારણ હોઈ શકે છે.
પ્રેમનો 'લેટ રિપ્લાય' અને પકડાઈ જવાનો ડર
પોલીસે જ્યારે યુવતીની મનોવૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું. આ વિદ્યાર્થિનીને ધોરણ 10માં તેના જ મહોલ્લામાં રહેતા એક યુવક સાથે મિત્રતા થઈ હતી, જે પાછળથી પ્રેમસંબંધમાં પરિણમી હતી. છેલ્લા ચાર વર્ષથી આ સંબંધ છૂપો રહ્યો હતો. પરિવારમાં એક જ મોબાઈલ હોવાથી તે રાત્રે કે સમય મળે ત્યારે પ્રેમી સાથે સોશિયલ મીડિયા પર વાત કરતી હતી. તાજેતરમાં, યુવતીએ તેના પ્રેમીને મેસેજ કર્યા હતા, પરંતુ યુવકે રિપ્લાય આપવામાં મોડું કર્યું હતું. આ દરમિયાન યુવતીની માતાએ મોબાઈલ ચેક કરતા તેમને શંકાસ્પદ મેસેજ મળી આવ્યા હતા અને પ્રેમ પ્રકરણની જાણ થઈ ગઈ હતી. પરિવારને જાણ થઈ જતા યુવતી ગભરાઈ ગઈ હતી. તેને ડર હતો કે હવે ઘરના સભ્યો તેને બહાર નીકળવા નહીં દે અથવા તેને ઠપકો આપશે. આ ડરમાંથી બચવા અને પરિવારનું ધ્યાન ભટકાવવા માટે તેણે હુમલાનું નાટક કરવાનું નક્કી કર્યું.
સુઆયોજિત કાવતરું: ફિનાઈલની ડબ્બી અને નવું ચપ્પુ
પોતાના પ્રેમ પ્રકરણ પરથી પરિવારનું ધ્યાન હટાવવા યુવતીએ અત્યંત ખતરનાક પ્લાન બનાવ્યો. તે રાબેતા મુજબ ટ્યુશન જવા નીકળી, પરંતુ સાથે ઘરેથી ફિનાઈલ ભરેલી ડબ્બી લેતી ગઈ હતી. રસ્તામાં તેણે પાણીગેટ વિસ્તારની એક દુકાનમાંથી નવું ચપ્પુ ખરીદ્યું હતું. કમ્પ્યુટર ક્લાસ પૂરા થયા બાદ તે નિર્જન જગ્યાએ ગઈ, જાતે જ ફિનાઈલ પીધું અને પોતાના શરીર પર ચપ્પાથી ઘા ઝીંક્યા. ત્યારબાદ ફોન કરીને કાકાને હુમલાની ખોટી સ્ટોરી જણાવી હતી.
પોલીસને ગોળ-ગોળ ફેરવી
પોલીસે જણાવ્યું કે યુવતીએ હોસ્પિટલમાં પણ સતત પોલીસને ગોળ-ગોળ ફેરવી હતી અને કોઈ અજાણ્યો યુવક તેને હેરાન કરતો હોવાની વાત પર વળગી રહી હતી. જોકે, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીમાં તેની ચપ્પુ ખરીદવાની અને એકલી ફરતી હોવાની હકીકત સામે આવતા આખરે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હાલમાં આ કિસ્સો વડોદરામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે કે માત્ર એક પ્રેમસંબંધ છુપાવવા માટે યુવતીએ પોલીસ તંત્રને દોડતું કર્યું અને પોતાની જાતને પણ જોખમમાં મૂકી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?