વડોદરા શહેરમાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. હરણી પોલીસ મથકમાં ફરજ બજાવતા અને પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે રહેતા 38 વર્ષના પોલીસ જવાન નરેશ હરજીભાઈ રાઠવાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે.
મૃતક નરેશભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટના રહેવાસી હતા. હાલમાં તેઓ વડોદરાના પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે રહેતા હતા અને છેલ્લા 2 વર્ષથી તેઓે હરણી પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હતા.
આ ઘટના ત્યારે બની કે જ્યારે રથયાત્રા દરમિયાન નરેશભાઈ રાવપુરા પોલીસ મથકની હદમાં બંદોબસ્ત ફરજ પર હતા. ફરજ દરમિયાન અચાનક તેમને ગભરામણ શરૂ થઈ અને ઉલટી થવા લાગી. તાત્કાલિક સહ કર્મચારીઓ દ્વારા તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું.
પ્રાથમિક માહિતી અનુસાર, નરેશભાઈ રાઠવાને હાર્ટ એટેક આવ્યાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ પોલીસ દળ અને પરિવારમાં શોકની લાગણી ફેલાવી ગઈ હતી.