વડોદરા શહેરના ગોત્રી ESI હોસ્પિટલ રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં દારૂના નશામાં ધૂત હોન્ડા અમેઝ કારના ચાલકે પૂરપાટ ઝડપે એક્ટિવા, રિક્ષા, ટેમ્પો સહિત ચાર વાહનોને અડફેટે લઈને તોફાન મચાવ્યું હતું. આ અકસ્માતમાં એક્ટિવા પર જઈ રહેલા બે વ્યક્તિઓ અને રિક્ષાચાલકને ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ રોષે ભરાયેલા લોકોએ કારચાલકને માર માર્યો અને પોલીસને હવાલે કર્યો હતો.
ઘટના અનુસાર, હોન્ડા અમેઝ કારનો ચાલક વિજય, જે ટાઇલ્સનો કોન્ટ્રાક્ટર છે, અને તેની સાથે બેઠેલો વ્રજ બારોટ, જે મૂળ પેટલાદનો રહેવાસી છે અને હાલમાં વડોદરામાં ભાડે રહે છે, બંને નશાની હાલતમાં હતા. અકસ્માત બાદ બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થળ પર એકઠા થયેલા લોકોએ તેમને પકડી લીધા. લોકોએ કારચાલકનો મોબાઈલ ફોન જપ્ત કર્યો અને કારની તપાસમાં ત્રણ બિયરની ટીન મળી આવી. ગોત્રી પોલીસે બંનેની અટકાયત કરી અને ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધીને મેડિકલ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતમાં કારનું બોનેટ વળી ગયું છે, જ્યારે એક્ટિવાને ભારે નુકસાન થયું છે. રિક્ષા અને ટેમ્પોના ચાલકો ઘટનાસ્થળેથી નીકળી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા રિક્ષાચાલક ઇદરીશભાઈ વોરાએ જણાવ્યું કે, “હું હરીનગરથી ગોત્રી તરફ આવી રહ્યો હતો, ત્યારે કારચાલકે પહેલા જમણી બાજુ અને પછી ડાબી બાજુ ટક્કર મારી. આગળ જઈને તેણે બીજી ગાડીને પણ અડફેટે લીધી. હું રિક્ષામાંથી નીચે પડી ગયો અને હાથમાં ઈજાઓ થઈ.”
અકસ્માતનો ભોગ બનેલા એક યુવકે જણાવ્યું, “અમે બ્રિજ પાસે ઊભા હતા, ત્યારે ફુલ સ્પીડે આવેલી કારે અમારા એક્ટિવાને ઉલાળ્યું. આખું એક્ટિવા તૂટી ગયું છે, અને મને પીઠ તથા કમરમાં ઈજાઓ થઈ છે. કારચાલક નશામાં હતો.” ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, “બંને યુવકો નશામાં ધૂત હતા અને ભાનમાં નહોતા. કારમાંથી બિયરની ટીન મળી, અને તેમણે અકસ્માત બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.”
આ ઘટના શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધતા જતા કેસો પર ચિંતા ઉભી કરે છે. ગોત્રી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને નશામાં વાહન ચલાવવાના આરોપમાં બંને યુવકો સામે કડક કાર્યવાહીની શરૂઆત કરી છે.