વડોદરા: કોટના બીચ પર મિજબાની માતમમાં ફેરવાઈ
નદીમાં નાહવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત

કોટના બીચ દુર્ઘટના

કોટના બીચ દુર્ઘટના
Vadodara News: વડોદરા નજીક પ્રવાસન સ્થળ તરીકે જાણીતા મહીસાગર નદીના 'કોટના બીચ' પર આજે 5 મેના રોજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોમધખતા ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા નદીમાં નાહવા પડેલા 9 મિત્રોના જૂથમાંથી બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેઓના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે બીચ પર ફરવા આવેલા સહેલાણીઓ અને સ્થાનિકોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મિત્રોનું એક ટોળું રજા માણવા માટે કોટના બીચ પર આવ્યું હતું
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાંથી 9 મિત્રોનું એક ટોળું રજા માણવા માટે કોટના બીચ પર આવ્યું હતું. બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધતા તમામ મિત્રો મહીસાગર નદીના પાણીમાં નાહવા માટે પડ્યા હતા. મોજ-મસ્તી કરી રહેલા આ મિત્રો પૈકી કેટલાક યુવકો પાણીના પ્રવાહનો અંદાજ મેળવી શક્યા નહોતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ખેંચાવા લાગ્યા હતા. 9 પૈકી 7 મિત્રોએ સંઘર્ષ કરીને અથવા તો એકબીજાની મદદથી કિનારે પહોંચી પોતાનો જીવ બચાવી લીધો હતો, પરંતુ કમનસીબે બે મિત્રો પાણીમાં લાપતા થયા હતા.
ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ મળ્યા
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. નંદેસરી પોલીસ સ્ટેશનનો કાફલો અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ નદીમાં ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. મૃતક યુવકોની ઓળખ જય સુબોધ જોગલેકર અને ક્રિષ્ના વિજય રાજપૂત તરીકે થઈ છે. આ બંને યુવકોના અકાળે અવસાનથી તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. નંદેસરી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કોટના બીચ પર અગાઉ પણ અનેકવાર ડૂબી જવાની ઘટનાઓ બની છે. તંત્ર દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં, સહેલાણીઓ ઉત્સાહમાં આવીને જોખમી રીતે નદીના ઊંડા પાણીમાં ઉતરે છે, જે અંતે આવી જીવલેણ સાબિત થાય છે. આજની આ ઘટનાએ ફરી એકવાર જળાશયોમાં નાહવા પડતી વખતે રાખવી પડતી સાવચેતી સામે સવાલો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?