અમદાવાદમાં જીન્સ ફેક્ટરીની કપડા ધોવાની ટાંકીમાં પડી જતાં 3 કામદારોના કરુણ મૃત્યુ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરની એક જીન્સ બનાવતી કંપનીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ત્રણ યુવક કામદારોના કરુણ મૃત્યુ થયા છે.

એલ.જી. હોસ્પિટલ

એલ.જી. હોસ્પિટલ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં આવેલી એક જીન્સ બનાવતી ફેક્ટરીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીન્સના કપડાં ધોવા માટે બનાવેલી ટાંકીમાં કામ કરવા ઉતારેલા ત્રણ યુવકો – સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમારનું દુઃખદ અવસાન થયું છે.
મૃતક સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર ત્રણે નાઇટ શિફ્ટ દરમિયાન કંપનીમાં કામ પર હતા. ફેક્ટરીના કર્મચારીઓ મુજબ, જીન્સના કપડાં ધોવા માટે કંપનીમાં એક વિશાળ વોશિંગ ટાંકી બનાવવામાં આવી છે. સફાઈ માટે ત્રણે યુવકો ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાતા તેઓ ટાંકીમાંથી બહાર આવી શક્યા નહીં અને ટાંકીમાં જ તેમનું મૃત્યુ થયું.
પરિવારજનોનો ગંભીર આરોપ છે કે, ત્રણેના મૃતદેહો આખી રાત ટાંકીમાં જ રહ્યા હતા અને કંપનીના મેનેજમેન્ટે કોઈપણ પ્રકારની બચાવ કાર્યવાહી સમયસર કરી ન હતી. તેઓએ વધુમાં કહ્યું કે, કંપનીએ જોખમભરી પરિસ્થિતિમાં કામદારોને કોઇપણ સુરક્ષા સાધનો વિના ટાંકીમાં ઉતાર્યા હતા.
મૃતક કામદારોના પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ મણિનગરની એલ.જી. હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં તંત્ર અને પોલીસ પણ ઘટના સ્થળે હાજર રહી હતી. એલ.જી. હોસ્પિટલમાં ભારે રડારોડ શરૂ થઈ ગયો હતો અને ઘટનાને લઈને લોકોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફિલહાલ પોલીસે કંપની સામે બેદરકારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ વધુ સત્ય બહાર આવવાની શક્યતા છે. આ ઘટના કાર્યસ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી તરફ ઈશારો કરે છે અને સરકાર તથા અધિકારીઓ માટે ચેતવણીરૂપ બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?