અમદાવાદ SP રિંગ રોડ પર ત્રાગડ અંડરપાસનું સમારકામ
SP રિંગ રોડ પર આવેલા ત્રાગડ અંડરપાસમાં ભારે વરસાદથી ખાડાઓના સમારકામ માટે કામગીરી શરૂ કરાશે

AUDA

AUDA
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના શહેરોને જોડતા અમદાવાદના SP રિંગ રોડ પર સમારકામની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને વાહનચાલકોને પડતી હાલાકી દૂર કરવા માટે આ પગલું લેવાયું છે. SP રિંગ રોડ પરના ત્રાગડ અંડરપાસ, ભાટ ઓવરબ્રિજ અને કમોડ રેલવે ઓવરબ્રિજ સહિત 3 સ્થળોએ રોડને મજબૂત કરવા માટે સમારકામ કરવામાં આવશે. આગામી 5 અથવા 7 નવેમ્બરથી ત્રાગડ અંડરપાસમાં અને ભાટ ઓવરબ્રિજમાં રેલવે કલ્વર્ટના ભાગમાં રિપેરિંગ કામગીરી શરૂ કરાશે. ખાડાઓ પડવાની સમસ્યાના નિરાકરણ માટે, આખો ભાગ સિમેન્ટ કોન્ક્રીટથી નવો બનાવવામાં આવશે, જેથી રોડની સપાટી મજબૂત બને અને આગામી 10થી 15 વર્ષ સુધી વાહનચાલકોને હાલાકી ન પડે.
કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે 3 ટીમ બનાવાઈ
ત્રાગડ અંડરપાસની કામગીરીના કારણે ઝુંડાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ SP રિંગ રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને સૌથી વધુ અસર થશે. AUDA દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે 3 ટીમો બનાવવામાં આવી છે અને 18 થી 20 કલાક કામગીરી કરવામાં આવશે. ત્રાગડ અંડરપાસમાં બન્ને તરફના રસ્તા વારાફરતી 20-20 દિવસ માટે વાહનોની અવર-જવર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ રહેશે, જ્યારે બીજા તબક્કામાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફનો માર્ગ 20 દિવસ માટે બંધ કરાશે. આ ડાયવર્ઝનના કારણે વાહનચાલકોએ અંદાજે 11 કિલોમીટરનો વધારાનો ચકરાવો લેવો પડશે.
આ પણ વાંચો: હાઇકોર્ટ સુનાવણી પૂર્વે અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઇવ
ભાટ રેલવે ઓવરબ્રિજ રિપેરિંગની કામગીરી હાથ ધરાશે
તંત્ર દ્વારા જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ મુજબ, ઝુંડાલ તરફથી વૈષ્ણોદેવી જતા વાહનોએ તપોવન સર્કલ થઈને ઝુંડાલ સર્કલ બ્રિજ નીચેથી અડાલજ સર્કલથી મહારાજા હોટલ થઈને વૈષ્ણોદેવી સર્કલ તરફ અવર-જવર કરી શકશે. જ્યારે વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા વાહનોએ વૈષ્ણોદેવી સર્કલથી અડાલજ ત્રિમંદિર થઈને અડાલજ સર્કલથી ઝુંડાલ તરફ આવી શકાશે. આ ઉપરાંત, આગામી દિવસોમાં ભાટ રેલવે ઓવરબ્રિજ પર પણ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જ્યાં રોડની સરફેસ ઘસાઈ જવાના કારણે સળિયા બહાર દેખાવા લાગ્યા છે. ભાટ ઓવરબ્રિજની કામગીરી અંદાજે 15 નવેમ્બર બાદ શરૂ થવાની શક્યતા છે.
30 કિલોમીટરથી પણ વધુ ફરવું પડશે
ભાટ ઓવરબ્રિજ પર કામગીરી શરૂ કરતા પહેલા AUDA ટ્રાફિક પોલીસ સાથે ટ્રાફિક ડાયવર્ઝન માટે બેઠક કરાશે. કરાઈથી ભાત ટોલટેક્સ તરફ જવાના રોડની કામગીરી દરમિયાન સંભવિત ટ્રાફિક ડાયવર્ઝન નાનાચિલોડા સર્કલથી આપવામાં આવશે. ભારે વાહનો માટે નાનાચિલોડાથી મોટા ચિલોડા, રક્ષા શક્તિ યુનિવર્સિટી સર્કલથી ગાંધીનગર હાઈવે, તપોવન-વૈષ્ણોદેવી સર્કલ તરફનો રૂટ જાહેર થઈ શકે છે, જેનાથી અંદાજે 30 કિલોમીટરથી પણ વધુ ફરવું પડી શકે છે. નાના વાહનો નરોડા, નોબલ નગર, ઇન્દિરા બ્રિજ થઈને ભાટ તરફ આવી શકશે. AUDA ત્રાગડ અંડરપાસ, ભાટ ઓવરબ્રિજ અને બાદમાં કમોડ રેલવે ઓવરબ્રિજ પર સમારકામ કરીને વાહન વ્યવહાર સરળ બનાવવા અને રોડને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જોકે વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાઓ અપનાવવા પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?