રાજ્ય સરકારે જમીનના ભાવના સરળીકરણ અને રેશનાલાઈઝેશન કરી, વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી નવી જંત્રી તૈયાર કરવાનો દાવો કરી તેના અમલીકરણ માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પાસેથી વાંધા સૂચનો મંગાવ્યા હતા. નવી જંત્રીના અમલીકરણ બાબતે મિશ્ર પ્રતિભાવો સાંપડ્યા હતા. ખેડૂતોએ નવી જંત્રીના અમલને આવકારી હતી. જ્યારે બિલ્ડરોએ નવી જંત્રીના અમલ બાબતે વિરોધ કરી તેનો વ્યવહારૂ ઉકેલ લાવવા રાજ્ય સરકારને રજૂઆતો કરી હતી.
કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને બ્રિફીંગ કરતાં જણાવ્યુ હતુ કે, આનુસંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી, જરૂરી ફેરફાર કરી મળેલ ભાવોને ધ્યાને લઈ, “શહેરી વિસ્તાર” અને “ગ્રામ્ય વિસ્તાર” માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલી મુસદ્દારૂપ જંત્રી અને માર્ગદર્શિકા 20-11-2024ના રોજ વાંધા-સૂચન માટે પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, શરૂઆતમાં પ્રસિદ્ધ કરેલી જંત્રી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે 20-12-2024 સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને લઇ 20-1-2025 સુધી લંબાવવામાં આવી હતી. ઓનલાઇન સાથે ઓફલાઇન વાંધા–સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.
બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી 5400 શહેરી અને 5600 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા સૂચનો આવ્યા છે. તેમણે ઉમેર્યુ કે, જંત્રી દર ઓછા કરવા માટે કુલ 6753, જંત્રી દર ખૂબ જ ઓછા છે તે વધારવા માટે કુલ 1753, સર્વે નંબર ખોટા વેલ્યુઝોનમાં સમાવેશ કરવા 94, સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલો ન હોય તેવી 268 અને 2176 જેટલા અન્ય વાંધા–સૂચનોની અરજી રાજ્ય સરકારને મળી છે. જેમાંથી સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી 2,179 અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી 7 જેટલી વિવિધ વાંધા-અરજી મળી છે.
આ વાંધા–સૂચનોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા મળેલ સૂચનોની પ્રાથમિક ચકાસણી કરી જિલ્લા કક્ષાની સમિતિમાં આખરી નિર્ણય માટે મોકલવાની કામગીરી હાથ ધરાશે. આ પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.