ખાખીનો માનવીય ચહેરો, મહિલાને વાહનમાં વતન પહોચાડી
જામીન મળ્યા બાદ મહિલા કેદીને કોઈ લેવા ન આવતાં ગુજરાત પોલીસે ભજવી પરિવારની ભૂમિકા

AI જનરેટેડ

AI જનરેટેડ
માનવતાનું અનોખું ઉદાહરણ બની ગુજરાત પોલીસ
પોલીસ માત્ર કાયદાનું પાલન કરાવતી સંસ્થા જ નથી. પરંતુ જરૂરિયાત સમયે માનવતાની મિસાલ પણ બની શકે છે. ખેડા જિલ્લાની નડિયાદ જેલમાં બનેલી એક ઘટનાએ ખાખીના માનવીય ચહેરાને ઉજાગર કર્યો છે. એક ગરીબ અને સ્થળાંતરિત મહિલા કેદીને પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડવા ગુજરાત પોલીસે પરિવારની ભૂમિકા ભજવી હતી. ગુજરાત પોલીસ વડા ડો. કે.એલ.એન રાવનાં માર્ગદર્શન હેઠળ નડિયાદ જિલ્લા જેલ પોલીસે વાહનની વ્યવસ્થા કરી મહિલા આરોપીને મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લામાં તેના વતનમાં પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
POCSO કેસમાં સહ-આરોપી તરીકે જેલમાં હતી મહિલા
આણંદ જિલ્લાના ખંભાત વિસ્તારમાં નોંધાયેલા POCSO એક્ટ હેઠળના એક કેસમાં સગર્ભા મહિલા સહ-આરોપી તરીકે નડિયાદ જિલ્લા જેલમાં હતી. મહિલાની સાથે તેનું બે વર્ષનું બાળક પણ હતું. મહિલાનાં દિયરે સગીર વયની છોકરીને ભગાડી જતાં મહિલાનાં પતિ અને દિયર સામે ગુનો નોંધાયો હતો. મહિલા તેમાં સહ-આરોપી હતી. મુળ મધ્યપ્રદેશનાં અલીરાજપુર જિલ્લાનો વતની આ પરિવાર સ્થળાંતર કરી મજુરી માટે આણંદ જિલ્લામાં આવ્યો હતો.
જેલ દરમિયાન નવજાત શિશુને આપ્યો જન્મ
જેલમાં રહેવા દરમિયાન મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. સારવાર પૂર્ણ થયા બાદ તેને નવજાત શિશુ અને બે વર્ષના બાળક સાથે ફરી નડિયાદ જિલ્લા જેલમાં લાવવામાં આવી હતી.
જામીન મળ્યા છતાં લેવા કોઈ ન આવ્યું
અદાલત દ્વારા મહિલાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતાં. પરંતુ તેની મુક્તિ માટે પરિવારનો કોઈ સભ્ય હાજર થયો નહોતો. મહિલાનો પતિ અને અન્ય સગા પણ કાનૂની પ્રક્રિયામાં સંકળાયેલા હોવાથી તે એકલી પડી ગઈ હતી. અંતરિયાળ વતન અને ગરીબીના કારણે તેની મુશ્કેલીઓ વધી ગઈ હતી.
કાનૂની સેવા સત્તા મંડળે લંબાવ્યો સહકારનો હાથ
આ પરિસ્થિતિમાં આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને નડિયાદ જિલ્લા જેલના અધિકારીઓ આગળ આવ્યા. મહિલાની કાનૂની સહાય ઉપરાંત તેના આરોગ્ય અને બાળકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વતન સુધી પહોંચાડવાની યોજના તૈયાર કરવામાં આવી.
ગુજરાત પોલીસે ભજવી પરિવારની જવાબદારી
ગુજરાત પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ નડિયાદ જિલ્લા જેલ પોલીસે સેવાભાવી સંસ્થાના સહયોગથી વિશેષ વાહનની વ્યવસ્થા કરી. મહિલા અને તેના બંને બાળકોને સુરક્ષિત રીતે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં પહોંચાડવા માટે બે પોલીસ કર્મચારીઓને પણ સાથે મોકલવામાં આવ્યા.
પરિવાર સાથે પુનઃ મિલનથી ભાવુક બની મહિલા
અલીરાજપુર પહોંચ્યા બાદ સ્થાનિક પોલીસની મદદથી મહિલાનો તેના પરિવાર સાથે સંપર્ક કરાવવામાં આવ્યો અને તેનું પુનઃ મિલન કરાવવામાં આવ્યું. નવજાત શિશુ અને બે વર્ષના બાળક સાથે વતન પહોંચતા મહિલા ભાવુક બની ગઈ હતી. તેણે ગુજરાત પોલીસ, જિલ્લા જેલ તંત્ર અને કાનૂની સેવા સત્તા મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ખાખીમાં ધબકતું માનવીય હૃદય
આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે, કાયદાની અમલવારી સાથે માનવતા પણ એટલી જ મહત્વની છે. ગુજરાત પોલીસ અને સંબંધિત તંત્રની આ કામગીરીએ ખાખીમાં ધબકતા સંવેદનશીલ હૃદયની અનોખી ઝલક દેશ સમક્ષ મૂકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?