ચોમાસાનો અંતિમ રાઉન્ડ ધમાકેદાર: ખેલૈયાઓ નિરાશ
ચોમાસાનો છેલ્લો રાઉન્ડ પુરજોશમાં, 2 ઓક્ટોબર સુધી વરસાદ ચાલુ, નવરાત્રિના ગરબા અટક્યા
ચોમાસાનો અંતિમ રાઉન્ડ ધમાકેદાર:
ચોમાસાનો અંતિમ રાઉન્ડ ધમાકેદાર:
રાજ્યમાં ચોમાસાનો અંતિમ રાઉન્ડ પૂરજોશમાં શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (29 સપ્ટેમ્બર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે, જેના પગલે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રેડ અને ઓરેન્જ એલર્ટ: કયા વિસ્તારો પ્રભાવિત થશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, બે કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેણે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં 2થી 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે.
નોરતામાં ખેલૈયાઓ નિરાશ: પરીક્ષાઓ પણ મોકૂફ
નવરાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી માહોલને કારણે ખેલૈયાઓમાં નિરાશા છવાઈ છે. ગરબાના આયોજનો પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત, સતત વરસાદ અને વાહનવ્યવહારની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)એ એક મહત્વનો નિર્ણય લીધો છે. આજે, 29 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી BSC, BCA અને BBAની તમામ નિયમિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપીને આ નિર્ણય લીધો છે. પરીક્ષાની નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઇટ પર પછીથી જાહેર કરવામાં આવશે.
આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે, જેમાં અમદાવાદમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે. આજે શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે અનેક ગરબા આયોજનો રદ કરવા પડ્યા છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેનાથી નવરાત્રિની ઉજવણી પર અસર થવાની પૂરી સંભાવના છે.જેના કારણે ખેલૈયાઓ અને આયોજકો ચિંતિત બન્યા છે.
વરસાદ અને ભારે પવનને કારણે દરિયાઈ પરિસ્થિતિ પણ ખરાબ થવાની સંભાવના છે. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે, જેથી અકસ્માત ટાળી શકાય.
આ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 111.70% વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છમાં સૌથી વધુ 136.07% વરસાદ પડ્યો છે. આ વરસાદ ખેડૂતો અને જળાશયો માટે રાહત લાવ્યો છે, પરંતુ તેના કારણે જનજીવન પર પણ અસર પડી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?