Surat Shyam Sangini Textile Market Fire: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મધરાતે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે 12:12 વાગ્યે સુરત ફાયર કંટ્રોલ રૂમને આગ અંગેનો કોલ મળ્યો હતો. માર્કેટના છઠ્ઠા માળેથી શરૂ થયેલી આગ જોતજોતામાં પાંચમા અને ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગની ગંભીરતા જોતા સુરત ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.
10 કલાકથી વધુ સમય સુધી આગ સામે જંગ
આગ પર કાબૂ મેળવવા સુરત ફાયર વિભાગની ટીમોએ કલાકો સુધી સતત કામગીરી કરી હતી. સવારે આગને થોડા સમય માટે નિયંત્રણમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ માર્કેટની અન્ય દુકાનોમાં ફરી આગ ભભૂકી ઉઠી હતી. એક જગ્યાએ આગ કાબૂમાં લેવામાં આવે ત્યારે બીજી જગ્યાએ આગ ફાટી નીકળતી હોવાના કારણે ફાયરકર્મીઓની મુશ્કેલી વધી હતી. આ ઘટનામાં એક ફાયરકર્મીને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આગ છઠ્ઠા માળે એક પછી એક દુકાનોમાં ફેલાતી રહી હતી.
શ્યામ સંગીની માર્કેટમાં 15થી 17 દુકાનોમાં મોટું નુકસાન
સ્થાનિક વેપારીના જણાવ્યા મુજબ, છઠ્ઠા માળે દુકાનોની બહાર રાખવામાં આવેલા સિન્થેટિક માલના જથ્થામાં આગ લાગી હતી. સિન્થેટિક મટિરિયલને કારણે આગ ઝડપથી બંને તરફની દુકાનો સુધી પહોંચી હતી. વેપારીના જણાવ્યા મુજબ, અંદાજે 15થી 17 દુકાનોમાં રહેલો કાપડ અને તૈયાર માલ બળીને ખાખ થઈ ગયો છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને વેપારીઓએ મોટા પ્રમાણમાં કાપડ અને તૈયાર માલનો સ્ટોક રાખ્યો હતો. આગ અને ધુમાડા ઉપરાંત આગ બુઝાવવાની કામગીરી દરમિયાન વપરાયેલા પાણીથી પણ માલસામાનને નુકસાન થયું હોવાનું વેપારીઓનું કહેવું છે.
આગનું કારણ હજુ રહસ્ય, તપાસ શરૂ
શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં રાત્રે દુકાનોના મુખ્ય વીજ કનેક્શન બંધ કરવામાં આવતા હોવા છતાં આગ કેવી રીતે લાગી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. હાલ આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
બંધ માર્કેટ અને પેસેજમાં માલથી ફાયરકર્મીઓને મુશ્કેલી
માર્કેટ ચારેય તરફથી બંધ હોવાથી અંદર ભારે ધુમાડો ભરાઈ ગયો હતો અને વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ ગઈ હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, કોમન પેસેજમાં રાખવામાં આવેલા કાપડના જથ્થામાં પણ આગ લાગી હતી. પેસેજ બ્લોક હોવાથી ફાયરકર્મીઓને આગના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. સુરક્ષાના પગલા તરીકે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.
25 ફાયર ગાડીઓ અને 150 ફાયરકર્મીઓની કામગીરી
આગની ગંભીરતા જોતા ફાયર વિભાગે ટર્ન ટેબલ લેડર અને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદ લીધી હતી. ભારે ધુમાડા વચ્ચે ફાયરકર્મીઓએ બ્રિથિંગ એપેરેટસ સેટ, ફાયર સૂટ અને લાઈટ માસ્ટની મદદથી કામગીરી કરી હતી. ફાયર વિભાગના જણાવ્યા , સિન્થેટિક મટિરિયલ સળગવાના કારણે ભારે ધુમાડો ફેલાયો હતો. આગ બુઝાવવાની કામગીરીમાં આશરે 25 ફાયર ગાડીઓ અને 150 જેટલા ફાયરકર્મીઓ તથા અધિકારીઓ જોડાયા હતા.
ફાયર સેફ્ટી NOC રિન્યુ હોવા છતાં ઓડિટ થશે
સુરત મનપાના ડેપ્યુટી કમિશનર ધર્મેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે બિલ્ડિંગની ફાયર સેફ્ટી NOC રિન્યુ થયેલી હતી અને પ્રાથમિક તબક્કે ફાયર સિસ્ટમ પણ કાર્યરત થઈ હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગનું સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ ઓડિટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ઓડિટ કરવામાં આવશે.
નાગરિકો અને વેપારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ હાલ બંધ રાખવામાં આવશે. ફાયર સેફ્ટી સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ માર્કેટ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. હાલ શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની કામગીરી ચાલી રહી છે. આગનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.