સુરત SBI બેંક લૂંટકાંડના બે આરોપી યુપીથી ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા

સુરત SBI બેંક લૂંટ

સુરત SBI બેંક લૂંટ
Surat SBI Bank 50 Lakh Robbery: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતના હૃદય સમાન ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં થયેલી રૂ. 50 લાખની સનસનીખેજ લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB) એ આખરે મોટી સફળતા હાંસલ કરી છે. છેલ્લા ઘણા દિવસોથી પોલીસને હંફાવતા લૂંટારૂઓને પકડવા માટે 120 થી વધુ પોલીસ જવાનો દિવસ-રાત એક કરી રહ્યા હતા. સઘન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાંથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું
પોલીસના સકંજામાં આવેલા આરોપીઓની ઓળખ શુભમ કુમાર અજીત ઠાકુર અને વિકાસ સિંહ અરુણ કુમાર સિંહ તરીકે થઈ છે. આ બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસ દ્વારા પકડાયેલા આ બંને આરોપીઓને કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે આજે ઉત્તરપ્રદેશની ગોંડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ ત્યાંથી તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવશે અને ત્યારબાદ તેમને સઘન પૂછપરછ માટે સુરત લાવવામાં આવશે. આ ધરપકડ સાથે જ લૂંટમાં સામેલ અન્ય સાગરીતો અને લૂંટની રકમ રિકવર કરવાની દિશામાં પોલીસને મહત્વની કડીઓ મળી છે.
ફિલ્મી ઢબે લૂંટ
આ ઘટનાની વિગત મુજબ, સોમવારે ભરબપોરે વરાછા એલ.એચ. રોડ પર સ્થિત SBI બેંકની શાખામાં પાંચથી વધુ લૂંટારૂઓ ફિલ્મી ઢબે ત્રાટક્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે તમામ લૂંટારૂઓ ખુલ્લા ચહેરે બેંકમાં ઘૂસ્યા હતા. હથિયારો સાથે સજ્જ આ ટોળકીએ પિસ્તોલ બતાવી બેંકના સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી લીધા હતા. લૂંટારૂઓએ બેંકના સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસિએટ કાર્તિક પ્રજાપતિ, ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી રિદ્ધિબેન, પટાવાળા ગૌરવ ચૌધરી અને ATM ગાર્ડ ગજેન્દ્ર પાટિલ સહિત ત્યાં હાજર 6 થી 7 ગ્રાહકોને ધમકાવી એક ખૂણામાં કરી દીધા હતા. પિસ્તોલની અણીએ લૂંટારૂઓ રોકડા રૂ. 50 લાખ અને બેંકના કર્મચારીઓ તેમજ ગ્રાહકોના મોબાઈલ ફોન લૂંટીને ત્રણ બાઈક પર સવાર થઈ પલાયન થઈ ગયા હતા.
તપાસમાં ચોંકાવનારા ખુલાસા
સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે આ લૂંટારૂઓ અત્યંત શાતિર અને રીઢા ગુનેગારો છે. તેમણે પોલીસને ગુમરાહ કરવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. લૂંટમાં વપરાયેલી અપાચે બાઈક તેલંગાણાથી ખરીદવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે આ બાઈક ખરીદવા માટે આરોપીઓએ 'રાકેશ' નામના વ્યક્તિનું બોગસ આધારકાર્ડ રજૂ કર્યું હતું. જ્યારે પોલીસે અસલી માલિકનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે તેણે બાઈક વેચી દીધી હતી અને ખરીદનાર દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર તદ્દન બનાવટી હતું.
સુરતમાં રહેવા માટે પણ બનાવટી દસ્તાવેજોનો સહારો લીધો
માત્ર બાઈક ખરીદવા માટે જ નહીં, પણ સુરતમાં રહેવા માટે પણ આ ગેંગે બનાવટી દસ્તાવેજોનો સહારો લીધો હતો. લૂંટારૂઓ સુરતના રાંદેર વિસ્તારમાં બોટનિકલ ગાર્ડન પાસે ઉગત ગામના ભરવાડ વાસમાં ભાડેથી રહેતા હતા. મકાન માલિકની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમણે એડવાન્સ ભાડું અને આધારકાર્ડ આપીને રૂમ રાખ્યો હતો. જોકે, લૂંટના બરાબર 10 દિવસ પહેલા એટલે કે 17 એપ્રિલે તેઓ રાતોરાત રૂમ ખાલી કરીને નીકળી ગયા હતા. પોલીસે જ્યારે એ આધારકાર્ડની ખરાઈ કરી ત્યારે તે પણ ફેક હોવાનું સાબિત થયું હતું.
સીસીટીવી અને ટેકનિકલ એનાલિસીસથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ
લૂંટના પાંચમા દિવસે પોલીસને સુરત ગ્રામ્યના કીમ નજીક કન્યાસી ગામના એક ખેતરમાંથી બિનવારસી હાલમાં ત્રણ બાઈક મળી આવી હતી. જેમાં એક સ્પ્લેન્ડર, એક અપાચે અને એક પલ્સરનો સમાવેશ થાય છે. તપાસ કરતા માલૂમ પડ્યું કે સ્પ્લેન્ડર બાઈક ગત 15 ફેબ્રુઆરીએ સુરતના ખટોદરા વિસ્તારમાંથી ચોરાઈ હતી. જ્યારે પલ્સર બાઈકના ચેસીઝ નંબર લૂંટારૂઓએ ઘસી નાખ્યા હતા જેથી તેની ઓળખ ન થઈ શકે. જોકે એન્જિન નંબરના આધારે તે ગુજરાત બહારની હોવાનું અનુમાન છે. આરોપીઓ ભલે શાતિર હતા પરંતુ ટેકનિકલ પુરાવાઓએ તેમને ફસાવી દીધા. પોલીસે સેંકડો સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા અને લૂંટારૂઓના ભાગવાના રૂટનું મેપિંગ કર્યું. આ દરમિયાન મોબાઈલ ટાવરના ડેટા એનાલિસીસમાં ત્રણ શંકાસ્પદ મોબાઈલ નંબરો મળી આવ્યા હતા, જેની મૂવમેન્ટ લૂંટની ઘટના અને આરોપીઓના લોકેશન સાથે મેચ થતી હતી. લૂંટ દરમિયાન આરોપીઓની બોલી પરથી જ પોલીસને શંકા ગઈ હતી કે તેઓ ઉત્તર પ્રદેશના વતની હોવા જોઈએ.
120 પોલીસ જવાનોની મહેનત રંગ લાવી
આ કેસ ઉકેલવો સુરત પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો હતો. છેલ્લા સાત દિવસથી 120 થી વધુ પોલીસ જવાનો અને ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યરત હતા. યુપી પોલીસના સહયોગથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આખરે સફળ ઓપરેશન પાર પાડી બે આરોપીઓને દબોચી લીધા છે. હવે આ ગુનામાં સામેલ અન્ય ત્રણથી ચાર લૂંટારૂઓ કોણ છે, લૂંટના 50 લાખ રૂપિયા ક્યાં છુપાવ્યા છે અને શું આ ગેંગ અન્ય કોઈ રાજ્યમાં પણ આવી લૂંટ કરી ચૂકી છે, તે દિશામાં સુરત પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવશે. આ સફળતાથી વરાછાના વેપારીઓ અને બેંક કર્મચારીઓમાં ફેલાયેલો ફફડાટ ઓછો થશે અને પોલીસની કામગીરી પરનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?