અમદાવાદમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કર્યા બાદ સમગ્ર રાજ્યમાં પાલતુ શ્વાન માટે કડક નિયમો બનાવાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ અંગે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાની હદમાં રહેલા શ્વાન માલિકો માટે લાઇસન્સ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. અત્યારસુધીમાં કુલ 256 અરજીઓમાં 150 અરજી મંજૂર કરવામાં આવી છે, જ્યારે 108 અરજીની તપાસ બાદ રદ્દ કરવામાં આવી છે. નિયમોના ભાગરૂપે, જે લોકો પાસે લાઇસન્સ ન હોય તેમને સામે મોબાઈલ કોર્ટ દ્વારા પગલાં લેવામાં આવશે.
નવી નીતિ અનુસાર, પાલતુ શ્વાન માટે લાઈસન્સ મેળવવા માટે 10 પાડોશીઓના નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC), અને જો એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો સોસાયટી ચેરમેનની લેખિત મંજૂરી જરૂરી છે. આ ઉપરાંત માલિકની ઓળખ અને સરનામાના પુરાવા (આધાર કાર્ડ, ટેક્સ બિલ કે ભાડા કરાર), શ્વાનનો ફોટો, રસીકરણનો રેકોર્ડ (વિશેષ કરીને રેબીઝની રસી), જાતિની માહિતી અને નોટરાઈઝ્ડ અંડરટેકિંગ ફરજિયાત છે.
પાલિકાએ 1000થી વધુ શ્વાન માલિકોને નોટિસ આપી છે અને નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. આ અગાઉ નિયમો ઢીલા હતા, પરંતુ અમદાવાદ જેવી ઘટનાઓને પગલે સુરક્ષા માટે હવે કડક અમલવારી શરૂ થઈ છે. નવા નિયમોનો મુખ્ય હેતુ શ્વાન કરડવાના બનાવો ઘટાડવો અને શ્વાન માલિકોની જવાબદારી નક્કી કરવાનો છે.