વાપી-કપરાડામાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો
વલસાડમાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ, વાપી અને કપરાડામાં અઢી ઈંચથી વધુ વરસાદ નોંધાયો

વલસાડમાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ

વલસાડમાં સવારથી જ મેઘરાજાની તોફાની બેટિંગ
વલસાડ જિલ્લામાં આજે સવારથી જ વરસાદની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને વાપી અને કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે અને જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 83 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ 1.22 ઇંચ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં અને 1 ઇંચ વરસાદ વલસાડના ધરમપુરમાં નોંધાયો હતો.
વાપીમાં માત્ર 2 કલાકમાં 2.4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વાપીના ઝંડા ચોક, મુખ્ય બજાર અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે વાપીનો અંડરપાસ લોકોની અવર-જવર માટે બંધ કરવાની ફરજ પડી હતી, અને ભારે વરસાદના કારણે વાપીમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.
વલસાડ જિલ્લામાં વાપી ઉપરાંત કપરાડામાં પણ મેઘમહેર જોવા મળી હતી. કપરાડામાં પણ 2 કલાકમાં 3.6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની 3 સિસ્ટમ સક્રિય થવાને કારણે 29 જુલાઈ, 2025 દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આથી નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યારસુધીમાં સિઝનનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે, જેમાં પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઈએલર્ટ, 19 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 25 જુલાઈ, 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 68.23 ટકા વિસ્તારમાં ખરીફ–ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!