રાજ્યમાં શિક્ષણને કલંક લગાડવવાની અનેક ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં કેટલાક વિદ્યાર્થીઓએ 31 ડિસેમ્બરના રાત્રે દારૂની મેહફીલ યોજતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાના ધામમાં અસામાજીક પ્રવૃત્તીઓ આચરનારા આ વિદ્યાર્થીઓ પૈતી 1 યુનિવર્સિટી સત્તાધીશોના હાથે ઝડપાઇ ગયો છે. યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે 1 વિદ્યાર્થી પકડાયો હતો પણ બાકીના 5 ભાગી ગયા હતા.
આ રેડ યુનિવર્સિટીના રજીસ્ટાર ઇન્ચાર્જ આર.સી. ગઢવી દ્વારા કરવામાં આવી હતી, તેઓ અચાનક સમરસ હોસ્ટેલના રૂમ નંબર 106માં પહોંચી ગયા હતા. તેમણે રુમ ખોલાવ્યા બાદ ચકાસણી કરતાં 6 વિદ્યાર્થીઓ દારુની મહેફિલ માણતા જોવા મળ્યા હતા જેથી રજીસ્ટ્રાર પણ ચોંકી ઉઠ્યા હતા. જો કે તે સમયે ચકમો આપીને 5 વિદ્યાર્થી ભાગી ગયા હતા.
આ ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા અને રજીસ્ટ્રાર ડો. આર.સી. ગઢવી દ્વારા દારુની મહેફિલ માણનારા 6 વિદ્યાર્થી સામે પોલીસ કેસ કરવાનો નિર્ણય કરાયો હતો.
જેથી વેસુ પોલીસે મોડી રાત્રે આ છ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. બીજી તરફ યુનિવર્સિટી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ્દ કરી દેવામાં આવ્યા છે.