સ્વામિનારાયણ સહિતના સંપ્રદાય પાખંડીઃ શંકરાચાર્ય
ધર્મનો આંચળો ઓઢી ધર્મનો વિનાશ કરતાં અન્ય સંપ્રદાયો પાખંડીઃ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી

મધ્યપ્રદેશમાં ચાતુર્માસ અનુષ્ઠાન દરમિયાન દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યજીએ વ્યક્ત કર્યો રોષ

મધ્યપ્રદેશમાં ચાતુર્માસ અનુષ્ઠાન દરમિયાન દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યજીએ વ્યક્ત કર્યો રોષ
દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીએ મધ્યપ્રદેશના નરસિંહપુરમાં એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ ગાયત્રી પરિવાર, ઈસ્કોન સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અને શિરડી સાઈબાબા સંપ્રદાયને આડેહાથ લઈ પાખંડી કહ્યા છે.
ધર્મનો આંચળો ઓઢીને ધર્મનો વિનાશ કરતાં અશાસ્ત્રીય સંપ્રદાયોનો નાશ કરવો જરૂરી હોવાનું નિવેદન કરતાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી શક્યતા છે. શંકરાચાર્યજીના નિવેદનને મોરારીબાપુ અને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે સમર્થન આપતાં સનાતન ધર્મ અંગે ચર્ચા છેડાય તેવી સંભાવના છે.
મધ્યપ્રદેશના નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમ શ્રીધામમાં ચાતુર્માસ અનુષ્ઠાન દરમિયાન દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજીએ અશાસ્ત્રીય સંપ્રદાયો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અશાસ્ત્રીય સંપ્રદાયોને આડે હાથ લઈ તેઓએ પાખંડી હોવાનું કહ્યું છે. ધર્મનો આંચળો ઓઢીને તેઓ ધર્મનો વિનાશ કરી રહ્યા હોવાથી તેવા સંપ્રદાયોનો નાશ થવો જરૂરી હોવાનું નિવેદન આપ્યું છે.
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યુ કે, "સનાતન ધર્મ સિવાયના અશાસ્ત્રીય સંપ્રદાયો પાખંડી છે. સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપો. "સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. અશાસ્ત્રીય સંપ્રદાયોએ ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે. ધાર્મિકતાનો વેશ પહેરી ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી છે."
બ્રહ્માકુમારી સંપ્રદાયની માન્યતાઓ પર શંકરાચાર્યજીએ કટાક્ષ કર્યો હતો કે, "બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ કહે છે, શિવ શબ્દનો અર્થ નથી સમજતા અને વ્યાખ્યાન કરે છે." જ્યારે ગાયત્રી પરિવાર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે,"ગાયત્રી યજ્ઞ કરે છે, જેમાં કોઈ વિધિ નથી, આવા યજ્ઞોને કારણે જ દેશ પર સંકટો આવે છે."
ઈસ્કોન સંપ્રદાય ઉપર પણ શંકરાચાર્યજીએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, "ઈસ્કોન સંપ્રદાયવાળા ષડયંત્ર કરી રહ્યા છે, ધર્મનો વેશ ધારણ કરીને હિન્દુ કહેવડાવતા નથી. ઈસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે." જ્યારે શિરડી સાઈબાબા સંપ્રદાયને આડે હાથ લેતાં કહ્યું હતું કે, "અમારા ગુરુ મહારાજે આ મુદ્દો ઉઠાવ્યો હતો. સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે."
સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસ બાબતે શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, "ગુજરાતમાં માંડ 100-200 વર્ષથી સંપ્રદાય શરૂ થયો છે. તેમ છતાં તેઓ કહે છે કે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ છે. નામ સનાતન ધર્મનું અને કામ ધર્મને બદનામ કરવાનું કરી રહ્યા છે. તેથી આવા પાખંડનો વિનાશ થવો જોઈએ."
શંકરાચાર્યજીના નિવેદનને મોરારીબાપુનું સમર્થન
દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યજીના નિવેદન બાદ મોરારીબાપુએ સનાતન ધર્મ અંગે સમર્થન કરીને મોટું નિવેદન આપ્યું છે. તેમણે નામ લીધા વગર અશાસ્ત્રીય સંપ્રદાયો પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ કે, "શાસ્ત્ર અને તથાકથિત વિચારધારાના નામે સનાતન ધર્મ પર પ્રહાર થઈ રહ્યા છે. કરૂણતા એ છે કે આગળ શાસ્ત્ર છે અને પાછળ શસ્ત્ર છે. શંકરાચાર્યજીએ તથાકથિત નામો સાથે કહ્યું કે સનાતન ધર્મ પર પ્રહાર ન કરો."
સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષનું પણ સમર્થન
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના નિવેદનને સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે પણ સમર્થન આપ્યું છે. તેમણે અશાસ્ત્રીય સંપ્રદાયો સમાજને નુકસાન કરતાં હોવાનું જણાવી શંકરાચાર્યજી ક્યારેય પણ અભ્યાસ વગર બોલતાં નથી અને હવે અશાસ્ત્રીય સંપ્રદાયો અંગે સમાજે જાગવાની જરૂરીયાત છે તેમ જણાવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!