સાબરમતી જેલના મુખ્ય દરવાજેથી કેદી ફરાર
સાબરમતી જેલની સુરક્ષાના ધજાગરા, પાકા કામનો કેદી ફરાર થતાં ઉઠ્યા સવાલ

સાબરમતી જેલના મુખ્ય દરવાજેથી કેદી ફરાર

સાબરમતી જેલના મુખ્ય દરવાજેથી કેદી ફરાર
Sabarmati Jail Escape: એશિયાની સૌથી સુરક્ષિત અને હાઈ-સિક્યોરિટી ગણાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો પાકા કામનો કેદી માલદે પરમાર જેલના મેન ગેટથી જ ફરાર થઈ જતા જેલ વહીવટી તંત્રમાં ભારે ફાળ પડી છે. આ ઘટનાએ જેલની ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, સ્ટાફની સતર્કતા અને જેલ પ્રોટોકોલ સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ગણતરી સમયે ભાંડો ફૂટ્યો: 33માંથી એક કેદી ઓછો મળ્યો
સાબરમતી જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માં આ ઘટના બની હતી. જેલના સત્તાવાર સૂત્રો અને જેલર દેવદત્તસિંહ ગોહિલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, યાર્ડમાં કુલ 33 કેદીઓ રાખવામાં આવ્યા હતા. સાંજના સમયે જ્યારે કેદીઓની નિયમિત ગણતરી હાથ ધરવામાં આવી, ત્યારે જેલ સ્ટાફના હોશ ઉડી ગયા હતા. ગણતરીમાં માત્ર 32 કેદીઓ જ હાજર જણાયા હતા, જ્યારે માલદે પરમાર ગાયબ હતો. તાત્કાલિક જેલની અંદરના તમામ વિભાગોમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
CCTV ફૂટેજમાં કેદ થઈ બેદરકારી
જ્યારે જેલના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા, ત્યારે સત્ય સામે આવ્યું હતું. ફૂટેજમાં સ્પષ્ટ દેખાયું કે માલદે પરમાર અત્યંત ચતુરાઈથી જેલ સ્ટાફની નજર બચાવીને બડા ચક્કર યાર્ડમાંથી બહાર નીકળ્યો હતો. એટલું જ નહીં, તે જેલના વિવિધ સુરક્ષા અવરોધો પાર કરીને મુખ્ય દરવાજા (મેન ગેટ) સુધી પહોંચી ગયો અને ત્યાંથી પણ કોઈ પણ રોકટોક વગર બહાર નીકળી ગયો હતો. એક આજીવન કેદનો ગુનેગાર જેલના મેન ગેટથી ભાગી જાય તે ઘટના જેલના આધુનિક સુરક્ષાના દાવાઓને પોકળ સાબિત કરી રહી છે.
કોણ છે માલદે પરમાર?
ફરાર થયેલો કેદી માલદે પરમાર અત્યંત ગંભીર ગુનાઓનો આરોપી છે. વર્ષ 2023માં તેની સામે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધાયો હતો. વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની કડક સજા ફટકારી હતી. સજાના ગાળા દરમિયાન તેને પ્રથમ પોરબંદર અને ત્યારબાદ રાજકોટ જેલમાં રાખવામાં આવ્યો હતો. જોકે, તબિયતની તપાસ અથવા અન્ય કોઈ તબીબી કારણોસર તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. વર્ષ 2025થી તે અહીંના બડા ચક્કર વિભાગમાં કેદી તરીકે સજા કાપી રહ્યો હતો.
સુરક્ષા વ્યવસ્થા પર સવાલો: આંતરિક સાંઠગાંઠ કે બેદરકારી?
સામાન્ય રીતે પાકા કામના કેદીઓને જેલમાં વિવિધ કામગીરી સોંપવામાં આવતી હોય છે, જેના કારણે જેલ પરિસરમાં તેમની અવરજવર અન્ય કાચા કામના કેદીઓ કરતા વધુ હોય છે. પરંતુ નિયમ મુજબ, આવા હાઈ-પ્રોફાઈલ કેદીઓ પર વોચ ટાવર અને હથિયારધારી સ્ટાફની સતત નજર હોવી અનિવાર્ય છે. માલદે પરમાર મેન ગેટ સુધી કઈ રીતે પહોંચ્યો, તેને ગેટ ખોલવામાં કોઈએ મદદ કરી કે કેમ, અને ગેટ પર હાજર સેન્ટ્રી કે સ્ટાફે તેને ઓળખ્યો કેમ નહીં? આ તમામ બાબતો હવે તપાસનો વિષય બની છે.
પોલીસની શોધખોળ અને તપાસ
આ ઘટના અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાણીપ પોલીસના પીઆઈ બી.આર. રબારીના જણાવ્યા મુજબ, "અમે જેલની આસપાસના અને જેલ તરફ જતા તમામ રસ્તાઓના સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ. અલગ-અલગ ટીમો બનાવીને કેદીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે." ઘટના બાદ સાબરમતી જેલમાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે અને ફરજ પર હાજર કયા સ્ટાફની બેદરકારીના કારણે કેદી ભાગવામાં સફળ રહ્યો તે દિશામાં આંતરિક તપાસ પણ શરૂ કરવામાં આવી છે. રાજ્યની સૌથી સુરક્ષિત જેલમાંથી એક ખૂંખાર કેદીનું ફરાર થવું એ ગુજરાત પોલીસ અને જેલ તંત્ર માટે મોટો પડકાર બની ગયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?