રાજ્યમાં યુવાનો ધૂમ બાઇકનો ઉપયોગ કરીને ભારે ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહ્યા છે. ધૂમ બાઇક અને સાદી બાઇકમાં ભારે અવાજ કરનારા સાઇલેન્સરનો ઉપયોગ કરીને તેઓ ફુલ સ્પીડે રસ્તાઓ પર બાઇક ચલાવીને લોકોના જાન સામે જોખમ ઉભુ કરી રહ્યા છે. આવા બાઇક ચાલકો સામે પોલીસ અવાર નવાર કામગિરી કરે છે પણ છતાં ફુલ સ્પીડમાં બાઇક ચલાવનારા શખ્સોને તેની કોઇ અસર થતી નથી. રાજકોટ પોલીસે આજે નવતર પ્રયોગ કરીને બાઇક ચાલકોને પકડીને આવા ગેરકાયદેસર સાઇલેન્સર જપ્ત કર્યા હતા અને તેની પર બુલડોઝર ફેરવી કાઢ્યું હતું જેથી યુવાનોમાં કાયદાનો ડર રહે.
રાજ્યભરમાં યુવાનોમાં આજકાલ ભારે અવાજ કરનારા સાઇલેન્સરનો પોતાની બાઇકમાં ઉપયોગ કરવાનો ક્રેઝ વધ્યો છે પણ તેમને ખબર નથી કે આવા સાઇલેન્સરથી કેટલા લોકો પરેશાન થાય છે. તેઓ ફુલ સ્પીડમાં જ્યારે આવા સાઇલેન્સર નાખેલા બાઇક ચલાવીને પસાર થાય છે ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા વાહન ચાલકો પણ એક સમયે ભારે અવાજ થવાના કારણે ગભરાઇ જાય ચે અને પોતાનું બેલેન્સ પણ ક્યારેક ગુમાવી દેતાં હોય છે.
જો કે રાજકોટ પોલીસે ભારે અવાજ કરી ધ્નનિ પ્રદૂષણ ફેલાવનારા અને લોકોના જાનને જોખમમાં મુકનારા આવા બાઇકર્સ સામે લાલ આંખ કરી છે અને બાઇકર્સને ખાસ સંદેશો પહોંચે તે માટે નવતર પ્રયોગ કર્યો છે. રાજકોટ પોલીસે ખાસ ઝુંબેશ ચલાવીને બુલેટ કે ધૂમ બાઇક કે સાદી બાઇકમાં લગાવાયેલા આવા ભારે અવાજ વાળા સાઇલેન્સર સામે કાર્યવાહી શરુ કરી છે.
રાજકોટ પોલીસે 10 દિવસમાં 350 જેટલા બાઈક ડિટેઇન કરીને તેમાંથી ગેરકાયદેસર સાઇલેન્સર કઢી લીધા હતા અને આ સાઇલેન્સર ઉપર બુલડોઝર ફેરવી દીધો હતો. રાજ્યમાં આ પ્રકારનો પોલીસ દ્વારા પહેલીવાર નવતર પ્રયોગ કરાયો હતો.
રાજકોટ પોલીસે યુવાનોને ગેરકાયદેસર સાયલેન્સરનો બાઇકમાં ઉપયોગ ન કરવા સંદેશ આપ્યો છે. રાજકોટના ડીસીપી પૂજા યાદવ ,એસીપી જયવીરદાન ગઢવી તથા આરટીઓ અધિકારી ખપેડ સહિતના અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવ્યું હતું.