Rajkot Bar Association Vs BJP: રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ચૂંટણી સમયે ભાજપે આપેલા વચનો યાદ અપાવીને હવે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને રાજપૂત રાષ્ટ્રીય સભા (RRS)એ સરકાર પર દબાણ વધાર્યું છે. સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે 30 નવેમ્બર સુધીમાં સંતોષકારક નિર્ણય નહીં આવે તો સૌરાષ્ટ્રભરમાં આંદોલન શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં, માંગણીનો ઉકેલ નહીં આવે તો અલગ સૌરાષ્ટ્ર રાજ્યની માગ સાથે વ્યાપક ચળવળ શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ભાજપને ચૂંટણી વચન યાદ અપાવ્યું, 30 નવેમ્બર સુધીની મુદત
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને રાજપૂત રાષ્ટ્રીય સભાના અગ્રણી નરેન્દ્રસિંહ જાડેજાએ ભાજપ સરકારને ચૂંટણી દરમિયાન આપેલા વચનો યાદ અપાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવા અંગે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી હતી. જોકે, ચૂંટણી પૂર્ણ થયા બાદ આ દિશામાં નક્કર કાર્યવાહી થઈ ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. નરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, છેલ્લા પાંચ દાયકાથી સૌરાષ્ટ્રમાં હાઇકોર્ટ બેન્ચની માંગ ઉઠતી રહી છે, પરંતુ આજદિન સુધી તેનો કાયમી ઉકેલ આવ્યો નથી. હવે આ મુદ્દે વકીલ મંડળો અને સામાજિક સંગઠનો સાથે મળીને સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ સુધી લાંબું થવું પડે છે
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ સ્થાપવાની માંગ પાછળનું મુખ્ય કારણ ન્યાય મેળવવા માટે સૌરાષ્ટ્રના નાગરિકો અને વકીલોને અમદાવાદ સુધી મુસાફરી કરવી પડતી હોવાની મુશ્કેલી છે. નરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ મુસાફરીમાં સમય અને નાણાંનો ખર્ચ થાય છે. લાંબી મુસાફરીને કારણે રસ્તામાં અકસ્માતનું જોખમ પણ રહે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નાગરિકોને નજીકમાં ન્યાયિક સુવિધા મળે અને કોર્ટ સંબંધિત કામકાજ વધુ સરળ બને તે માટે હાઇકોર્ટ બેન્ચ જરૂરી હોવાનો તેમનો મત છે.
PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆતની તૈયારી
આ માંગને આગળ વધારવા માટે વકીલ મંડળો અને અન્ય સામાજિક સંસ્થાઓને સાથે રાખીને વ્યાપક રજૂઆત કરવાની યોજના છે. સંગઠન દ્વારા આગામી સમયમાં ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રૂબરૂ મળીને વહેલી તકે નિર્ણય લેવા રજૂઆત કરવાની તૈયારી છે. સંગઠનોનો પ્રયાસ છે કે સરકાર ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા વચન અંગે સ્પષ્ટતા કરે અને રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગ પર નક્કર પગલાં લે.
30 નવેમ્બર પછી સૌરાષ્ટ્રમાં આંદોલનનું એલાન?
સંગઠનોએ સરકારને 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ સમયમર્યાદા પહેલાં સંતોષકારક ખાતરી કે હકારાત્મક નિર્ણય નહીં મળે તો સૌરાષ્ટ્રભરમાં ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપવામાં આવી છે. આ મુદ્દે અન્ય સામાજિક સંસ્થાઓ અને વકીલ મંડળોને જોડીને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સંગઠનોએ એવો પણ સંકેત આપ્યો છે કે હાઇકોર્ટ બેન્ચની માંગ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં અલગ સૌરાષ્ટ્ર રાજ્યની માંગ સાથે વ્યાપક ચળવળ શરૂ થઈ શકે છે.
રાજકોટ હાઇકોર્ટ બેન્ચનો મુદ્દો હવે રાજકીય ચર્ચામાં
રાજકોટમાં ગુજરાત હાઇકોર્ટની બેન્ચની માંગ માત્ર ન્યાયિક સુવિધા પૂરતી સીમિત રહી નથી; હવે તેમાં ચૂંટણી વચનો, પ્રાદેશિક અપેક્ષાઓ અને રાજકીય દબાણના મુદ્દાઓ પણ જોડાયા છે. ભાજપ સરકાર આ માંગ અંગે શું નિર્ણય લે છે અને 30 નવેમ્બર પહેલાં કોઈ નક્કર પ્રગતિ થાય છે કે નહીં તેના પર સૌરાષ્ટ્રના વકીલ મંડળો તથા નાગરિકોની નજર રહેશે.