રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પરવારી
અર્ધબેભાન દર્દીને ‘દારૂડિયો’ ગણી સિક્યુરિટીએ રોડ પર ફેંકી દીધો

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Rajkot Civil Hospital Controversy: રાજકોટની સિવિલ હોસ્પિટલ, જે સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાય છે, તે ફરી એકવાર ભારે વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી અને અત્યંત સંવેદનહીનતાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને ગમે તેવા માણસનું હૃદય ધ્રૂજી ઊઠે. હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા એક અશક્ત અને અર્ધબેભાન દર્દીને માનવતા નેવે મૂકીને સિક્યુરિટી સ્ટાફે ટીંગાટોળી કરી બહાર રોડ પર ફેંકી દીધો હતો. જો કે, આ મામલો સિવિલ સર્જનના ધ્યાને આવતા નબળા તંત્રને ખખડાવવામાં આવ્યું હતું અને દર્દીને ફરી દાખલ કરી જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી અપાઈ છે.
ઝેરી દવાની અસર થતાં યુવાનને સારવાર માટે લવાયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામે રહેતો 30 વર્ષીય શ્રમિક યુવાન ગણેશ રામલાલ કટારા ઝેરી દવાની તીવ્ર અસર થવાના કારણે ગંભીર સ્થિતિમાં મુકાયો હતો. તેને 2 જુલાઈના રોજ વહેલી સવારે 1.45 વાગ્યે તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
અર્ધબેભાન અવસ્થામાં દર્દી વોર્ડની બહાર નીકળી ગયો
હોસ્પિટલમાં સારવાર દરમિયાન, બીજા દિવસે એટલે કે 3 જુલાઈની સવારે ઝેરી દવાની અસરમાં પોતાની શુદ્ધબુદ્ધ ગુમાવી ચૂકેલો આ યુવાન અર્ધબેભાન હાલતમાં પોતાના વોર્ડમાંથી બહાર નીકળી ગયો હતો. નવાઈની વાત એ છે કે આ અસહાય દર્દી આખી રાત OPDની બહાર જમીન પર કણસતી હાલતમાં પડ્યો રહ્યો હતો, પરંતુ રાઉન્ડ પર રહેલા હોસ્પિટલના જવાબદાર સ્ટાફ કે નર્સિંગ કર્મચારીઓમાંથી કોઈની પણ નજર આ દર્દી પર પડી ન હતી.
સિક્યુરિટી સ્ટાફે માનવતા ભૂલી દર્દીને ફૂટપાથ પર ફેંક્યો
બહાર કમ્પાઉન્ડમાં દર્દીને કણસતો જોઈ તેને તાત્કાલિક વોર્ડમાં લઈ જઈ સારવાર આપવાની પવિત્ર ફરજ બજાવવાના બદલે સિક્યુરિટી સ્ટાફે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. સવારે 7 વાગ્યાની આસપાસ સિક્યુરિટીના માણસોએ આ ગંભીર દર્દીને 'દારૂડિયો' ગણાવી દીધો હતો. સ્ટાફે આ અર્ધબેભાન શ્રમિકની નિર્દયતાપૂર્વક ટીંગાટોળી કરી અને હોસ્પિટલની બિલકુલ સામે આવેલી SBI બેંકના ગેટ નજીક ફૂટપાથ પર મરવા માટે ફેંકી દીધો હતો. આ અમાનવીય કૃત્ય કર્યા બાદ સિક્યુરિટી સ્ટાફ જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ત્યાંથી ચાલતો થયો હતો.
જાગૃત નાગરિકે સિવિલ અધિક્ષકને વાકેફ કર્યા
આ હૃદયદ્રાવક ઘટના સવારે ત્યાંથી પસાર થતા અનેક નાગરિકોએ નજરે નિહાળી હતી. કેટલાક લોકોએ જ્યારે સિક્યુરિટી સ્ટાફને રોકવાનો અને પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્ટાફે આ દર્દી નશાની હાલતમાં હોવાનું કહીને વાતને હસવામાં ઉડાવી દીધી હતી. જોકે, સવારે જ્યારે સિવિલ સર્જન ડો. મોનાલી માકડીયા હોસ્પિટલના રૂટિન રાઉન્ડમાં નીકળ્યા, ત્યારે એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના અંગે તેમનું ધ્યાન દોર્યું હતું.
ડો. મોનાલીએ સ્ટાફનો ઉધડો લીધો, દર્દીને ફરી દાખલ કરાયો
ઘટનાની ગંભીરતાને સમજીને સિવિલ અધિક્ષક ડો. મોનાલી માકડીયાએ તાત્કાલિક સ્થળ પર હાજર સિક્યુરિટી સ્ટાફ અને અન્ય જવાબદાર કર્મચારીઓનો ભારે ઉધડો લીધો હતો. તેમણે તાત્કાલિક રોડની ફૂટપાથ પર કણસતા દર્દીને ઇમરજન્સી વોર્ડમાં ખસેડી ફરીથી તેની સઘન સારવાર શરૂ કરાવી હતી.
તંત્ર સામે લોકોમાં ભારે રોષ, કડક તપાસની માંગ
સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ જણાવ્યું હતું કે, "આ બાબત મારા ધ્યાનમાં આવતા જ દર્દીને ફરી દાખલ કરી સારવાર શરૂ કરાવી દેવામાં આવી છે. આવી ગંભીર ભૂલ બીજીવાર ન થાય તે માટે તપાસના આદેશો અપાયા છે અને જે કોઈ કસૂરવાર સાબિત થશે તેની સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. દર્દીઓ પ્રત્યે આવી સંવેદનહીનતા ક્યારેય ચલાવી લેવાશે નહીં." આ સમગ્ર ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી હોસ્પિટલના વહીવટી તંત્રમાં સંવેદનહીનતા કેટલી હદે વ્યાપેલી છે. એક ગરીબ શ્રમિક દર્દીની જિંદગીની કોઈ કિંમત ન હોય તેવું ચિત્ર અહીં ઉપસી આવ્યું છે. એકલા સારવાર માટે આવેલા દર્દીને સાજો કરવાના બદલે રસ્તા પર મારવા માટે ફેંકી દેવાની આ ઘટના ખરેખર ચિંતાજનક છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર પણ આ ગંભીર બાબતમાં કડક વલણ અપનાવે અને કસૂરવારો સામે કાનૂની પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.