રાજકોટ: કરોડોની સરકારી જમીન પચાવનાર સંચાલક ઝડપાયો
મવડીમાં 'સિટી લાઈટ' પાર્ટી પ્લોટના સંચાલક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો, 3.85 કરોડની જમીન

રાજકોટ લેન્ડ ગ્રેબિંગ કેસ

રાજકોટ લેન્ડ ગ્રેબિંગ કેસ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ વિરુદ્ધ જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. મવડીની કિંમતી સરકારી જમીન પર ‘સિટી લાઈટ’ નામનો પાર્ટી પ્લોટ બનાવી વ્યાપારી હેતુ માટે ઉપયોગ કરનાર સંચાલક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયની કાયદાકીય પ્રક્રિયા અને વારંવારની નોટિસો છતાં કબજો ખાલી ન કરતા આખરે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો ?
રાજકોટના મવડી વિસ્તારના સર્વે નંબર 194 પૈકીની અંદાજે 5500 ચોરસ મીટર સરકારી જમીન પર ગોરધન ઉકાભાઈ મેઘાણી નામના શખ્સે ગેરકાયદે કબજો કર્યો હતો. આ જમીન પર તેણે ‘સિટી લાઈટ’ પાર્ટી પ્લોટ ઉભો કર્યો હતો. આ સ્થળે માત્ર પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ ઓફિસ, રહેણાંક મકાન, પાણીનો મોટો ટાંકો, ઈલેક્ટ્રિક રૂમ અને ફેન્સિંગ જેવી પાકી વ્યવસ્થાઓ ઉભી કરીને લાખોની કમાણી કરવામાં આવી રહી હતી.
વર્ષ 2023થી આપવામાં આવી હતી અનેક નોટિસો :
તંત્ર દ્વારા આ દબાણ હટાવવા માટે વર્ષ 2023થી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દક્ષિણ રાજકોટના મામલતદાર દ્વારા ગોરધન મેઘાણીને પુરાવા રજૂ કરવા અને જમીન ખાલી કરવા માટે વારંવાર નોટિસો પાઠવવામાં આવી હતી. સપ્ટેમ્બર 2024માં સંચાલકના પુત્રએ તંત્ર સમક્ષ લેખિત ખાતરી આપી હતી કે તેઓ જાતે જ દબાણ દૂર કરી દેશે. જોકે, તપાસમાં બહાર આવ્યું કે તેમણે માત્ર થોડી ફેન્સિંગ હટાવીને જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કર્યો હતો અને વ્યાપારી પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.
લેન્ડ ગ્રેબિંગ કમિટીનો નિર્ણય અને ધરપકડ :
મામલતદાર કચેરી દ્વારા ઓક્ટોબર 2024 થી જાન્યુઆરી 2026 દરમિયાન કુલ 5 વખત અંતિમ નોટિસો આપવા છતાં કબજો ખાલી ન થતા મામલો જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં રજૂ કરાયો હતો. કમિટીએ તમામ 93 જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસ્યા બાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળ ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. રાજકોટ તાલુકા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપી ગોરધન મેઘાણીની ધરપકડ કરી છે.
3.85 કરોડની સરકારી મિલકત ખુલ્લી કરાવાઈ :
પોલીસ અને મહેસૂલ વિભાગની સંયુક્ત તપાસમાં સામે આવ્યું છે કે આ જમીનની બજાર કિંમત અંદાજિત 3.85 કરોડ રૂપિયા જેટલી થાય છે. તંત્રએ 5500 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદે બાંધકામો હટાવીને જમીન ફરીથી સરકાર હસ્તક લીધી છે. આ કાર્યવાહીથી રાજકોટના અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવામાં આવશે તેવા સંકેતો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.