પદ્મિનીબાના પુત્રએ રમકડાની બંદૂકથી કર્યા સીનસપાટા
ક્ષત્રિય આંદોલન બાદ મળેલા નામનું પરિણામ? આખરે શા માટે કરાયું આવું કૃત્ય?
સીનસપાટાના એવા તે કેવા અભરખા
સીનસપાટાના એવા તે કેવા અભરખા
રાજકોટના રાજકારણ અને સમાજમાં એક વાયરલ વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના પુત્રએ કમર પર રિવોલ્વર લટકાવીને જાહેરમાં કરેલા સીનસપાટાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોએ અનેક સવાલો ઊભા કર્યા કે શું આટલી નાની ઉંમરના યુવક પાસે હથિયારનું લાઇસન્સ છે? જોકે, જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી ત્યારે જે ખુલાસો થયો, તે ખરેખર ચોંકાવનારો હતો. સવાલ એ થાય છે કે, પ્રસિદ્ધિની એવી તે કેવી ઘેલછા કે સાચી બંદૂક ન હોવાથી રમકડાની બંદૂકથી સીનસપાટા કરવા પડ્યા?
આ સમગ્ર ઘટના રાજકોટના અટલ સરોવર ખાતે યોજાયેલા એક અર્વાચીન રાસોત્સવ દરમિયાન બની હતી. જ્યાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સત્યજીતસિંહ વાળા સાથે ઉપસ્થિત હતા. ગરબાની મોજ માણી રહેલા સત્યજીતસિંહે કમર પર રિવોલ્વર જેવું હથિયાર લગાવીને વીડિયો બનાવ્યો હતો, જે ઝડપથી વાયરલ થયો. લોકોમાં ચર્ચા જાગી કે પદ અને પ્રસિદ્ધિ મળ્યા બાદ શું ખરેખર માણસ જમીનથી ઊંચો થઈ જાય છે?

આ મામલો પોલીસ સુધી પહોંચતા ખુદ સત્યજીતસિંહે પોલીસનો સંપર્ક કર્યો અને મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે કમર પર લટકાવેલી રિવોલ્વર અસલી નહીં, પરંતુ માત્ર એક રમકડું હતું. તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી અને ભવિષ્યમાં આવું નહીં કરવાની ખાતરી પણ આપી. પોલીસે ખાતરી કર્યા બાદ મામલો રમકડાની રિવોલ્વરનો હોવાથી કોઈ ગુનો નોંધવામાં આવ્યો નહોતો અને તેમને જવા દેવામાં આવ્યા. જોકે, કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ પાસે પરવાનાવાળું હથિયાર હોય તોપણ તેને જાહેરમાં પ્રદર્શિત કરવું અથવા ભય ઉત્પન્ન થાય તે રીતે રાખવું કાયદાની વિરુદ્ધ છે.

એક તરફ યુવકની માફી અને બીજી તરફ કાયદાની આંટીઘૂંટી. પરંતુ, આ સમગ્ર ઘટનાની પાછળ એક મોટું પાસું છુપાયેલું છે. પદ્મિનીબાને ક્ષત્રિય આંદોલન થકી થોડું નામ મળતા તે અને તેમનો પરિવાર હવામાં ઉડવા લાગ્યો હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે. રાજકોટ લોકસભા-2024ની ચૂંટણી દરમિયાન પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ આંદોલન ફાટી નીકળ્યું હતું. સમાજના અનેક આગેવાનોએ વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાની જાહેરાત કરી, ત્યારે પદ્મિનીબા વાળાએ હુંકાર કરીને જયરાજસિંહ જાડેજા જેવા દિગ્ગજ નેતાને પડકાર ફેંક્યો હતો. તેમની આ દમદાર ભૂમિકાને કારણે તે રાતોરાત ચર્ચામાં આવ્યા હતા.

આ ઘટના પરથી અનેક સવાલો ઊભા થયા છે. સવાલ એ નથી કે હથિયાર અસલી હતું કે નકલી, પરંતુ સવાલ એ છે કે પ્રસિદ્ધિની આ લાલચ કેમ? શું નાની ઉંમરના યુવકને આવું કૃત્ય કરવાની છૂટ આપવી યોગ્ય છે? શું રાજકીય તાકાત અને સમાજમાં મળેલું નામ કાયદા અને શિસ્તથી ઉપર છે? આ ઘટના પરથી સમાજે અને નેતાઓએ વિચારવાની જરૂર છે કે, પદ અને પ્રતિષ્ઠા મળે ત્યારે જવાબદારીઓ વધે છે, ઘેલછા નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?