યુગ નવો પણ યાત્રા એ જ જૂની...
પદયાત્રા એ ધાર્મિક આસ્થા સાથે દિવાળી ઉજવવાનો છે અનોખો માર્ગ

પદયાત્રા એ આસ્થાનું પ્રતીક

પદયાત્રા એ આસ્થાનું પ્રતીક
દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં પદયાત્રાઓ અલગ અલગ સમયે થતી હોય છે. તહેવારોમાં તીર્થયાત્રા કરવી એ આપણા સંસ્કૃતિનો પહેલેથી જ એક ભાગ રહી છે. આજના કાળમાં જ્યારે બધા પરિવાર સાથે મિત્રો સાથે નવા નવા પર્યટનો સ્થળોએ જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે દિવાળીના સમયે ગુજરાતમાં પણ પદયાત્રાઓ થતી હોય છે જેમાં બાળકોથી લઈ વૃધ્ધો સુધી બધાજ જોડાતા હોય છે. પદયાત્રા કેમ કરવામાં આવે છે ? ક્યારે કરવામાં આવે છે? સમગ્ર બાબતે વધુ વિગતે જાણીએ આ અહેવાલમાં....
ક્યાં ક્યાં સ્થળે.....જો વાત અમદાવાદની કરીએ તો અહીંયાથી મુખ્ય 2 ધાર્મિક સ્થળ માટે પદયાત્રા નીકળવામાં આવતી હોય છે. દ્વારકા અને બગદાણાની બે પદયાત્રા મુખ્ય છે. દ્વારકા જતા પદયાત્રીઓ મુખ્યત્વે અમદાવાદથી ચોટીલા થઇ પછી દ્વારકા જવાના માર્ગે જતા હોય છે. બગદાણા બજરંગદાસ બાપાના આશ્રમમાં જવા વાળા પદયાત્રીઓ સાળંગપુર, રોહીશાળ, ભાવનગર અને આખરે બગદાણા જતા હોય છે.
તહેવારોમાં શા માટે ?
સામાન્ય રીતે વર્ષમાં દિવાળી એકજ એવો તેહવાર છે જેમાં બાળકોને શાળાઓમાં અને કામકાજી લોકોને કામકાજમાંથી સાથે રજાઓ મળતી હોય છે. આ સમયમાં સાથે મળીને બહાર જવું એ સહેલું હોય છે અને તેહવાર નિમિત્તે વર્ષ દરમિયા લોકો બાધાઓ અને માનતાઓ રાખતા હોય છે તે પૂર્ણ કરવા અને દર્શન હેતુસર પણ પદયાત્રા કરી ધાર્મિક સ્થાન સુધી પહોંચવા માટે આ ઉત્તમ સમયગાળો હોય છે.
પૂર્વ નિયોજન અને યાત્રા....પદયાત્રા એ શહેરના જુદા જુદા સંઘ અને યુવક મંડળો દ્વારા આયોજિત કરવામાં આવતી હોય છે. જેમાં અગાઉથીજ યાત્રા પર જવા માટે વ્યક્તિ દીઠ નાણાં ઉઘરાવી અને અન્ય સેવા ભાવિ લોકો પણ દાન ધર્માદો કરી ભંડોળ ભેગું કરતા હોય છે જેથી આ યાત્રા ન્યૂનતમ ખર્ચમાં થતી હોય છે જેમાં ૨૦ થી લઈ ૨૦૦ જેટલા લોકો જોડાતા હોય છે. ૧૫-૨૦ દિવસ અગાઉથીજ 8 દિવસની યાત્રાનું જરૂરી સમાન એટલેકે ખાવાપીવાની, રાંધવાની અને આરામ કરવાની સામગ્રી અને ચીજવસ્તુઓ સાથે લેવામાં આવતી હોય છે. પદયાત્રામાં એક ટ્રક કે આઇસર વાહનને પણ સાથે રાખવામાં આવતું હોય છે જેમાં બધું જરૂરી સામાન સાથે લઈ જવાતું હોય છે. સાથે સાથે અન્ય પદયાત્રીઓને ઠંડા પીણા, પાણી અને ચાની સુવિધા મળી રહે તે માટે પણ સાથે ચીજ વસ્તુઓનો જથ્થો લઈ જવામાં આવતો હોય છે.
અમદાવાદથી બગદાણા 8 દિવસ ચાલનારી આ પદયાત્રાની શરૂઆત પગપાળા સંઘના લોકો મંદિરે આરતી કરીને કરતા હોય છે. યાત્રામાં સંઘના લોકો સહેલાઈથી ઓળખાય તે માટે એક સરખી ટીશર્ટ કે પોશાક પહેરવામાં આવતો હોય છે. અમદાવાથી માર્ગ, વિસામો અને સમય નક્કી કરવામાં આવતો હોય છે.
પગપાળા સંઘ અમદાવાદથી ચાંગોદર ચેહર મંદિર - બાવળા મોગલમાંનું મંદિર - બગોદરા હનુમાન મંદિર - ફેદરા ઠાકોર હવેલી - ધંધુકા ઇંગલિશ હાઈસ્કુલ - બરવાળા વાડી - ભીમનાથ ગામ - રોહિશાળ - વલભીપુર અરવિંદગીરી બાપુના આશ્રમ - ઘાંઘળી ભોળાનાથ મંદિર - ભાવનગર ખોડીયાર મંદિર - દેવગણા ગામ - માંહેધર ગામ શેત્રુંજ નદીના કિનારે અને આખરે બગદાણા બજરંગદાસ બાપાના આશ્રમે પહોંચે છે.
રોજ વહેલી સવારે 2થી 3 વાગે સંઘ ચાલતા નીકળે છે અને સવારે 11 વાગે આગળના સ્થળે પહોંચે છે ત્યાં વિસામો અને ભોજન લઈ ફરી 2 વાગે ચાલતા નીકળે છે અને રાત્રે 7 વાગે સુધી આગળના નક્કી કરેલ સ્થળે પહોંચે છે. જ્યાં રાત્રે જમી કરીને 2 વાગે સુધી આરામ કરે છે. રોજ 35 થી 40 કિમીનું અંતર કાપી 8 દિવસમાં પદયાત્રીઓ 280 કીમીનું અંતર પૂરું કરતા હોય છે.
સેવા અને સુવિધાઓ.....
અમદાવાદથી બગદાણા જવાના માર્ગ પર ઘણા સેવાભાવીઓ પદયાત્રીઓ માટે ૨૪ કલાક નિઃશુલ્ક સેવા પૂરી પાડતા કેમ્પ લગાવવામાં આવતા હોય છે. જેમાં હજારથી પંદરસો લોકોના રહેવા, ચા નાસ્તા, જમવા, રાત્રિ રોકાણ કે આરામ કરવા, નાહવા ધોવા અને તબીબી સહાયતા મળે તેવી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. માર્ગ પર ઘણા નાના મોટા અન્ય કેમ્પ પણ જોવા મળતા હોય છે. સાથે સાથે માર્ગમાં આવતા ગામ, શાળાઓ, દુકાનો અને સ્થાનિકો દ્વારા પદયાત્રીઓને પૂરતો સાથ સહકાર આપવામાં આવતો હોય છે જેથી મહિલા, બાળકો અને વૃદ્ધો માટે કોઈ ચિંતા કરવા જેવી બાબત હોતી નથી.
પદયાત્રીઓ માટે પડકાર....
પદયાત્રીઓ રાતના સમયે વધુ ચાલવાનું પસંદ કરતા હોય છે જેમાં રસ્તાની એક તરફથી જતા પદયાત્રીઓને વાહનો દ્વારા સર્જાતા અકસ્માતનો ખતરો હોય છે. આ સમસ્યાના સમાધાન રૂપે પદયાત્રીઓ એ રિફ્લેક્ટિવ સ્ટ્રિપ્સનો પહેરતા હોય છે જેથી આવતા જતા વાહનોનાં પ્રકાશથી તે ચમકે છે અને યાત્રીઓ રસ્તે હોવાનું વાહનચાલકને જણાય છે, જેથી અકસ્માતો ઓછા સર્જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!