વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને આજે વડોદરા મહનગરપાલિકામાં સામાન્ય સભાની વિશેષ સભા મળી હતી. જેમાં વડોદરામાં વારંવાર આવતા પૂરને રોકવા માટે પુર નિયંત્રણ સમિતિએ કરેલી ભલામણો પર ચર્ચા કરાઇ હતી. જો કે આ સભામાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ કરતાં ભારે હંગામો થયો હતો. એક તબક્કે વિપક્ષ અને સ્થાયીના ચેરમેન આમને સામને આવી ગયા હતા.
વડોદરા મહાનગરપાલિકાની વિશેષ સામાન્ય સભામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને મંજૂર કરવા બાબતે ચર્ચા કરાઇ હતી. સમગ્ર સભાની મંજૂરી બાદ ટેન્ડર બહાર પાડી કામગીરી શરૂ કરવામાં આવશે. તજજ્ઞોની કમિટીએ વિવિધ ભલામણો કરી છે તેના આધારે રાજ્ય સરકારના સહયોગથી વિશ્વામિત્રીને પહોળી કરવા તથા ગંદકી દૂર કરી સફાઇ કરીને ઉંડી કરવા તથા આજવા સરોવર અને પ્રતાપ સરોવરને લગતા કામો તથા વરસાદી કાંસોની સફાઇ સહિતના કામોનો સમાવેશ થાય છે. 100 દિવસના ગાળામાં એક ટૂંકો પ્રોજેક્ટ પણ શરુ કરાશે.
જો કે આજે મળેલી સભામાં વિશ્વામિત્રી નદી પર થયેલ દબાણોને દૂર કરવા વિપક્ષ અને પાલિકાના ચેરમેન સામસામે આવી ગયા હતા. કોંગ્રેસ કોર્પોરેટર અમી રાવતે ડીપીઆરનો રિપોર્ટ જાહેર કરવાની કરી માંગણી હતી. અમી રાવત દ્વારા એક સિનીયર સિટીઝન દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ રજૂ કરવા જતાં કોર્પોરેટરો અજીત દધીચ તથા મનોજ પટેલ દ્વારા હસ્તક્ષેપ કરાયો હતો અને શાબ્દિક ટપાટપી પણ થઇ હતી. તો બીજી તરફ વિપક્ષના સભ્યો ઉભા થઇ ગયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી. આ તબક્કે કાઉન્સિલર પુષ્પા વાઘેલા દ્વારા સભાનો વોક આઉટ કરાયો હતો.
અમી રાવતે કહ્યું કે 85 વર્ષના સિનીયર સિટીઝને 1995થી 2024 સુધીની સ્થિતીનો અભ્યાસ કરીને વિશ્વામિત્રી પર રિપોર્ટ તૈયાર કરાયો છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ કે કામગિરીનો વિરોધ નથી પણ આ પ્રોજેક્ટ અધૂરો છે જેથી અમે વિરોધ કરીએ છીએ. તેમણે કહ્યું કે 1994થી અત્યાર સુધી શહેરમાં 8 વખત પૂર આવ્યા છે. જો કે વાસ્તવીક્તા એ છે કે અત્યાર સુધી શહેરમાં 11 વખત પૂર આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ અવારનવાર સર્જાતી રહે છે તેમાં રાહત મળી રહે તે માટે રાજ્ય સરકારે પ્રોફેસર નવલાવાલાની અધ્યક્ષતામાં તજજ્ઞોની કમિટી બનાવી હતી. આજે યોજાયેલી ખાસ બેઠકમાં મ્યુ. કમિશનર દિલીપ રાણાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
તજજ્ઞોની સમિતિએ રજૂ કરેલા અહેવાલ મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી કરવી, તમામ વરસાદી કાંસ ઊંડા કરવા તેમજ દેણા પાસે લેકની કામગીરી કરવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિના રિપોર્ટને ધ્યાને લઈ તેને બહાલી આપવા આ રીપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકી સહની કામગીરીઓ ચોમાસા પહેલાં થઇ શકે તે ધ્યાને લેતાં તથા આ રીપોર્ટમાં સૂચવેલી તથા આનુષગીક અન્ય કામગીરી ક૨વા અંગેની માહિતી રજૂ કરી હતી.