આઠ મનપાના 2 લાખ કરોડના હિસાબોનું ઓડિટ જ નહીં!
નાણાંકીય વહીવટમાં લોલમલોલ, વર્ષ 2017-18 બાદ ઓડિટ કરાયુ નહી હોવાનો ખુલાસો

6 મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડના હિસાબોનું 6 કરતાં વધુ વર્ષોથી ઓડિટ કરાયું નથી

6 મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડના હિસાબોનું 6 કરતાં વધુ વર્ષોથી ઓડિટ કરાયું નથી
રાજ્યની મહાનગરપાલિકાઓના નાણાંકીય વહીવટમાં લોલમલોલ ચાલી રહી છે. અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર અને જૂનાગઢ મનપામાં વર્ષ 2017-18 બાદ રૂપિયા 2 લાખ કરોડના નાણાંકીય હિસાબોનું ઓડિટ કરાયું નહી આવ્યું હોવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે. સ્થાનિક ભંડોળ હિસાબ કચેરીના નિયામકે આપેલી ચોંકાવનારી માહિતીથી મનપાના વહીવટ અંગે અનેક સવાલો ઉભા થયા છે.
કેન્દ્રીય નાણાપંચ દ્વારા વર્ષ 2000 થી 2005ના સમયગાળા દરમિયાન કેગને સૂચના આપવામાં આવી હતી.કે, મ્યુનિસિપલ કોર્પોરેશનોનુ નિયમિત ઓડિટ થાય, ઓડિટ અહેવાલ કેગને મોકલી, મંજૂરી બાદ વિધાનસભામાં રજૂ થાય. પરંતુ, કેન્દ્રીય નાણાપંચના માર્ગદર્શનનો કોઈપણ પ્રકારનો અમલ થતો નહી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2005માં નાણાં વિભાગે ઠરાવ કર્યો હતો. તેને પણ માળીયા ઉપર ચડાવી દઈને 6 વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરત અને વડોદરા મનપામાં 6-7 વર્ષથી હિસાબોનુ ઓડિટ થયુ નહી હોવાનું એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે. અમદાવાદ મનપામાં વર્ષ 2010-11 થી લઈને 2017-18 સુધી હિસાબોનુ ઓડિટ થયુ છે. ત્યારબાદ હિસાબોનુ ઓડિટ કરાયું નથી. છેલ્લાં આઠ વર્ષથી 50 હજાર કરોડના હિસાબોનું ઓડિટ કરાયુ નથી.
સામાન્ય રીતે નાણાંકીય ઓડિટ અહેવાલ મ્યુનિસિપલ બોર્ડમાં રજૂ થાય, ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ચર્ચા કરે, ઓડિટના વાંધા રજૂ થાય પછી તેના આધારે કાર્યવાહી થતી હોય છે. નિયમ અનુસાર પ્રક્રિયા થાય તો ગોટાળા ધ્યાને આવે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમાં પારદર્શકતા આવે.
મહત્વપૂર્ણ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનોએ દર વર્ષે ગુજરાત વિધાનસભાને ઓડિટ હિસાબ મોકલવાના હોય છે. પરંતુ આ મુદ્દે ઢીલાશ દાખવવામાં આવી રહી છે. જેના કારણે અનેક આશંકાઓ ઉભી થઈ છે. આરટીઆઈના ખુલાસા પરથી પુરવાર થઈ રહ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનોના નાણાંકીય વહીવટમાં કેટલી હદે પોલમપોલ ચાલી રહી છે.
મનપા સંચાલિત 1158 શાળાઓના 3100 કરોડનું પણ વર્ષોથી ઓડિટ નહી
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું ઘણા લાંબા સમયથી સરકારી ઓડિટ કરવામાં આવ્યું નથી. ગાંધીનગર સ્થિત નિરીક્ષક, સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ જવાબ આપ્યો છે કે, અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડનું 11 વર્ષ, સુરત મ્યુનિ. સ્કૂલ બોર્ડ અને રાજકોટ મ્યુનિ. સ્કૂલ બોર્ડનું 7 વર્ષ, વડોદરા મ્યુનિ. સ્કૂલ બોર્ડ અને જામનગર મ્યુનિ. સ્કૂલ બોર્ડનું 6 વર્ષ જ્યારે ભાવનગર મ્યુનિ. સ્કૂલ બોર્ડનું છેલ્લા 5 વર્ષથી ELFA ઓડિટ કરવામાં આવ્યું નથી. ઓડિટ નહી થવાના કારણે શાળાઓના બજેટના યોગ્ય વપરાશ પર કોઈ નિયંત્રણ નથી અને વર્ષોથી કરોડો રૂપિયાનો ખર્ચ થતાં કાર્યવાહી કરવામાં આવી નથી.
ખાનગી શાળાની સરખામણીએ બાળક દીઠ વાર્ષિક ખર્ચ બમણો
6 મનપાની 1,158 શાળાઓને રાજ્ય સરકારે વર્ષ 2025-2026 માટે ₹3,100 કરોડનું બજેટ ફાળવ્યું છે. અમદાવાદ સ્કૂલ બોર્ડમાં 1.70 લાખ બાળકો માટે આ વર્ષે 1,155 કરોડ રૂપિયા ફાળવાયા છે. તે હિસાબે બાળક દીઠ વાર્ષિક 68 હજારનો ખર્ચ થઈ રહ્યો છે. જે ખાનગી શાળાની સરખામણીએ બમણો છે. સામાન્ય પરિવારના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સરકાર નિરંતર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.
ક્યાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું કેટલા સમયથી ઓડિટ થયું નથી?
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 450 શાળાઓ માટે 1155 કરોડ બજેટ છે. જેનું છેલ્લે વર્ષ 2024-15માં ઓડિટ થયુ હતું. વડોદરા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 121 શાળાઓ માટે 232 કરોડનું બજેટ છે. જેનું છેલ્લું ઓડિટ વર્ષ 2019-20માં થયું હતું. સુરત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત 362 સ્કૂલનું 1200 કરોડનું બજેટ છે. જેનું વર્ષ 2018-19 બાદ ઓડિટ થયું નથી. રાજકોટની 96 શાળાઓ માટે 202 કરોડનું બજેટ છે. જેનું વર્ષ 2018-19 બાદ ઓડિટ થયું નથી. જામનગરની 47 શાળાઓ માટે 104 કરોડનું બજેટ છે. જેનું વર્ષ 2019-20 બાદ ઓડિટ થયું નથી. ભાવનગરની 68 શાળાઓ માટે 199 કરોડનું બજેટ છે. જેનું વર્ષ 2020-21 બાદ ઓડિટ થયું નથી.
કઈ મનપાનું કેટલા વર્ષથી ઓડિટ નહી?
અમદાવાદ મનપાનું વર્ષ 2017-18, વડોદરા મનપાનું વર્ષ 2017-18, સુરત મનપાનું વર્ષ 2017-18, રાજકોટ મનપાનું વર્ષ 2018-19, જામનગર મનપાનું વર્ષ 2019-20, ભાવનગર મનપાનું વર્ષ 2019-20, જૂનાગઢ મનપાનું વર્ષ 2020-21 અને ગાંધીનગર મનપાનું વર્ષ 2020-21 પછી ઓડિટ થયું નથી.
કોણ કરે છે ઓડિટ?
એક્ઝામિનર, લોકલ ફંડ એકાઉન્ટ્સ (ELFA) એ ગુજરાત રાજ્યના નાણાં વિભાગ હેઠળનો સ્વતંત્ર ઓડિટ વિભાગ છે. તેનું મુખ્ય કાર્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ (Local Authorities) ના હિસાબોમાં નાણાકીય પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનું છે. ELFA દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતો, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ તેમજ સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવનારી સંસ્થાઓના હિસાબોનું વાર્ષિક ઓડિટ કરવામાં આવે છે. બોમ્બે લોકલ ફંડ ઓડિટ અધિનિયમ 1930 અને ગુજરાત લોકલ ફંડ ઓડિટ નિયમો 1964 હેઠળ ઓડિટ ફરજિયાત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!