ગેડિયા એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક: PSI સહિત 7 પોલીસકર્મીઓ સામે ફરિયાદ
ધ્રાંગધ્રા કોર્ટના આદેશથી બજાણા પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ બાદ ગુનો નોંધાયો

પોલીસે સ્વબચાવમાં કરેલા ફાયરિંગમાં આરોપી હનીફખાન અને તેના પુત્રનું મોત થયું હતું

પોલીસે સ્વબચાવમાં કરેલા ફાયરિંગમાં આરોપી હનીફખાન અને તેના પુત્રનું મોત થયું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગેડિયા ગામના કુખ્યાત હનીફખાન અને તેના પુત્રના એન્કાઉન્ટર પ્રકરણમાં PSI સહિત 7 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રા કોર્ટના આદેશથી બજાણા પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ બાદ ગુનો નોંધાયો છે. અનેક કેસોમાં વોન્ટેડ હનીફખાનને પકડવા ગયેલી પોલીસ ઉપર આરોપી અને તેના પરિવારજનોએ હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યુ હતુ. ફાયરિંગ દરમિયાન હનીફખાન અને તેના પુત્રને ગોળી વાગતાં ઘટના સ્થળે મોત થયુ હતુ. ત્યારબાદ પરિવારજનોએ નકલી એન્કાઉન્ટરનો આક્ષેપ કરી ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી હતી.
પાટડી તાલુકાના બજાણા પોલીસ સ્ટેશનમાં PSI વિરેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ રાજેશભાઇ જીવણભાઇ મીઠાપરા, અનાર્મ લોકરક્ષક શૈલેષભાઇ પ્રહલાદભાઇ કઠવાડીયા, કોન્સ્ટેબલ કિરીટભાઇ ગણેશભાઇ સોલંકી, કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ પ્રહલાદભાઇ પ્રભુભાઇ ચરમટા અને લોકરક્ષક મનુભાઇ ગોવિંદભાઇ ફતેપરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની સામે આરોપ છે કે, વર્ષ 2021માં અનેક ગુનામાં વોન્ટેડ ગેડિયા ગામના કુખ્યાત હનીફખાન અને તેના પુત્ર મદિનખાનનું પોલીસે ગોળીબાર કરી નકલી એન્કાઉન્ટર કર્યુ હતુ. મૃતકના પરિવારજનોએ એન્કાઉન્ટર નકલી હોવાનો આક્ષેપ કરી ગુજરાત હાઇકોર્ટમાં જે તે સમયે પિટિશન કરી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે ધ્રાંગધ્રા કોર્ટમાં સુનાવણી કરી હતી. ધ્રાંગધ્રા કોર્ટે PSI અને 6 પોલીસ કર્મચારીઓને દોષિત ઠેરવી ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
બજાણા પોલીસ સ્ટેશનના PSI વી.એન.જાડેજાને 6 નવેમ્બર 2021 ના રોજ બાતમી મળી હતી કે, ગેડીયા ગામનો હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જતમલેક જે 49 જેટલાં ગુનામાં 59 ગુનામાં વોન્ટેડ છે અને તેના વિરૂદ્ધ 86 જેટલા ગુના નોંધાયેલા છે તે ઘરે આવેલો છે. તેથી PSI સહિત પોલીસ કર્મચારીઓ ખાનગી ગાડીમાં આરોપીને પકડવા ગેડીયા ગામમાં પહોંચ્યા હતા. પોલીસને જોઈ આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો ઘરની બહાર શેરીમાં ઉભો હતો તે ઘરનો દરવાજો બંધ કરી ભાગવા ગયો હતો. પરંતુ, PSIએ બાથમાં પકડી લીધો હતો. આ સમયે આરોપીએ પોલીસ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. PSI બાથ ભરેલી હાલતમાં પકડીને બહાર શેરીમાં લઇ આવ્યા હતા. આ સમયે હનીફખાનના પુત્ર મદીનખાને PSI પર ધારીયા વડે હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર પણ ધારીયાના ઘા માર્યા હતા. PSI જાડેજાએ આરોપીને પોતાના હાથમાં પકડી રાખેલી પિસ્તોલ સાથે બાકીના પોલીસ કર્મચારીઓને સોંપી મદીનખાનને પકડવા ગયા હતા. તે સમયે PSI ઉપર ફરીથી ધારીયાનો ઘા કરવા જતા PSI અને પોલીસ કર્મચારીઓએ સ્વબચાવમાં કરેલા ફાયરીંગ દરમિયાન મદીનખાનને શરીરમાં ગોળી વાગી હતી. ત્યારબાદ આરોપીને ગાડીમાં બેસાડવા જતા સમયે 15 થી 20 માણસોના ટોળાએ હથિયારો સાથે હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. મોકાનો લાભ લઇ હનીફખાને પોતાના હાથમાં પકડી રાખેલી પિસ્તોલ પોલીસ તરફ કરી PSI ઉપર ફાયરીંગ કર્યુ હતુ. જેમાં PSI ખસી જતા બચી ગયા હતા અને સ્વબચાવમાં PSIએ ફાયરીંગ કરતા હનીફખાનને ગોળી વાગી હતી. અન્ય લોકોએ પોલીસ ઉપર હુમલો કરતાં ખાનગી ગાડી મૂકી દઇ ભાગીને બજાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, માલવણ પોલીસ સ્ટેશનના ગેડિયા અને તેની આસપાસના 15 જેટલા ગામનો વિસ્તાર ખતરનાક ગણાય છે. આ વિસ્તાર માલવણ પોલીસ સ્ટેશનનો અતિ સંવેદનશીલ મનાય છે. અહીંના થાણા અધિકારી માટે આ વિસ્તાર પડકારજનક છે. આ વિસ્તારને જતવાડ કહેવામાં આવે છે અહીં અનેક હિસ્ટ્રીશીટરો અને ગુનેગારો રહે છે. હાઈવે ઉપર લૂંટ, ચોરી અને મિલકત સંબંધી ગુનાઓ આચરી પોલીસ પર હુમલો કરવો અને ફાયરિંગ કરવું સામાન્ય બાબત બની ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!