નવરાત્રિ આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ જાહેર
નવરાત્રિના તહેવારને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે AMC દ્વારા આયોજકો માટે ગાઇડલાઇન્સ
નવરાત્રિ ગાઇડલાઇન્સ
નવરાત્રિ ગાઇડલાઇન્સ
ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે AMC દ્વારા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ તહેવારને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવાનો છે, જેથી કોઈપણ અણબનાવ કે દુર્ઘટનાને ટાળી શકાય. આ ગાઈડલાઈન્સનું કડક પાલન ફરજિયાત છે અને તેમાં અગ્નિસુરક્ષા, પંડાલના સ્ટ્રક્ચર, ભીડ નિયંત્રણ અને ઇલેક્ટ્રિકલ સલામતી જેવા મહત્ત્વના પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.
નિયમો મુજબ, કોઈ પણ મંડપ, પંડાલ કે સ્ટેજનું નિર્માણ કરતી વખતે તે શાળા, હોસ્પિટલ, રેલ્વે લાઈન, હાઈ ટેન્શન લાઈન, ભઠ્ઠી કે જ્વલનશીલ પદાર્થના ગોડાઉન જેવી સંવેદનશીલ જગ્યાઓથી દૂર હોવું જોઈએ. 2 સ્ટ્રક્ચર વચ્ચે ઓછામાં ઓછું 2 મીટરનું અંતર રાખવું પણ અનિવાર્ય છે. આ ઉપરાંત, કટોકટીની પરિસ્થિતિમાં ફાયરના વાહનો સહેલાઈથી પહોંચી શકે તે માટે રસ્તા અને પ્રવેશ માર્ગો ખુલ્લા રાખવા પડશે અને તેના પર કોઈ પણ અવરોધક વસ્તુઓ રાખવા પર પ્રતિબંધ છે.
ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત
આયોજકો માટે ફાયર વિભાગનું NOC અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે. દરેક 100 ચો.મી.ના વિસ્તારમાં 6 કિલોગ્રામના 2 ABC ફાયર એક્ષટિંગ્યુશર, 4.5 કિલોગ્રામના બે CO₂ ફાયર એક્ષટિંગ્યુશર, 2 ડોલ રેતી અને 200 લિટર પાણી ભરેલો ડ્રમ રાખવો જરૂરી છે. માતાજીની મૂર્તિ પાસે દીવો રાખવામાં આવે ત્યાં રેતીનો નોબેઝ ફરજિયાત છે. પંડાલમાં 0.75 લિટર પ્રતિ સ્ક્વેર મીટરના દરે પાણીનો પુરવઠો ઉપલબ્ધ રાખવો પડશે અને ફાયર ટ્રેન્ડ સ્વયંસેવકો સતત હાજર રહેવા પડશે.
ઈમરજન્સી વ્યવસ્થા પર વિશેષ ધ્યાન
ઇમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને, દરેક પંડાલમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછા 2 ઈમરજન્સી એક્ઝિટ રાખવા જરૂરી છે. ગેટની સામે 5 મીટર ખુલ્લી જગ્યા રાખવી પડશે અને બહાર નીકળવાના માર્ગો સરળતાથી દેખાય તે માટે સ્પષ્ટ રીતે ઓટો ગ્લો સાઈન લગાવવા પડશે, જેમાં NO SMOKING ZONE, EXIT અને EMERGENCY EXIT જેવા નિર્દેશોનો સમાવેશ થાય છે.
પંડાલની ક્ષમતા અનુસાર જ વ્યક્તિઓને પ્રવેશ
ભીડને નિયંત્રિત કરવા માટે પંડાલની ક્ષમતા અનુસાર જ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે, જેમાં વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 સ્ક્વેર મીટર જગ્યા સુનિશ્ચિત કરવી પડશે. પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારના સ્ટોલ કે વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી નથી અને આયોજકોએ દરરોજ દર્શકોનો રેકોર્ડ રાખવો પણ ફરજિયાત છે.
પંડાલની આસપાસ જ્વલનશીલ પદાર્થો પર પ્રતિબંધ
પંડાલમાં કે તેની આસપાસ LPG ગેસ સિલિન્ડર, ફટાકડા, ધૂમ્રપાનનાં સાધનો, રસોઈ સામગ્રી કે કોઈપણ પ્રકારના જ્વલનશીલ પદાર્થો રાખવા પર સખત પ્રતિબંધ છે. કાર્પેટ અને પડદાઓને ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટથી કોટિંગ કરવું પણ જરૂરી છે. આ નિયમોનું પાલન કરીને આયોજકોએ પોલીસ, ફાયર અને મ્યુનિસિપલ વિભાગ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવી પડશે અને તમામ વ્યવસ્થાઓનો લેખિત રેકોર્ડ પણ જાળવવો પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?