ભારતના મોટાભાગના રાજ્યમાં તાપમાન ભયાનક સ્તરે પહોંચી ચૂક્યું છે અને લોકો ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસુ ભારતની સીમામાં 13 મેના રોજ એન્ટ્રી કરી ચૂક્યું છે, પણ હાલ એ માત્ર અંદમાન-નિકોબારના ટાપુઓમાં જ છે, જે બંગાળના ખાડી વિસ્તારનો ભાગ છે. શ્રીલંકા અને માલદીવ પાસેથી પસાર થતાં હવે ચોમાસુ ભારતના મુખ્ય ભૂમિ ભાગમાં પ્રવેશી રહ્યું છે. સામાન્ય રીતે, કેરળમાં ચોમાસુ મેના અંતિમ સપ્તાહ કે જૂનની શરૂઆતમાં પ્રવેશ કરે છે. પરંતુ આ વખતે માત્ર કેરળ જ નહીં, ગુજરાત અને દેશના ઘણા અન્ય રાજ્યોમાં પણ ચોમાસુ સમય પહેલા પહોંચવાની શક્યતા છે.
ભારતના હવામાન વિભાગે ગુરુવારે આવનારા 2 અઠવાડિયા માટે હવામાન અપડેટ જાહેર કર્યું છે. આ અનુસાર, કેરળમાં ચોમાસા 22થી 28 મે વચ્ચે પ્રવેશી શકે છે. ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોને પણ ફાયદો થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુસંધાન પ્રમાણે ઉત્તર-પૂર્વ ભારતના 7 રાજ્યોમાંથી કેટલાકમાં ચોમાસુ સામાન્ય સમય કરતાં વહેલું, એટલે કે 28 મે સુધી આવી શકે છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં ચોમાસુ 5 જૂન આસપાસ આવે છે, પણ ગયા વર્ષે પણ ચોમાસુ 30 મે સુધીમાં આ વિસ્તારમાં પ્રવેશી ગયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે ચોમાસું ગુજરાતમાં સમય કરતાં વહેલું પ્રવેશ કરે તેવી સંભાવના છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાના આગમન સમય 15 જૂન છે. જો કે આ વર્ષે 4 દિવસ પહેલા 10 કે 11 જૂનની આસપાસ પહોંચી જશે. 12 જૂનની આસપાસ તેની અસર ગુજરાતમાં જોવા મળશે અને એટલું જ નહિ ખૂબ જ ઝડપે આખા રાજ્યને કવર કરી લેશે.
આ વર્ષે ચોમાસુ ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે અને એમાં સ્થાનિક તંત્ર તો જવાબદાર છે જ, પણ વૈશ્વિક તત્વો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આખા ચોમાસાની સિઝનમાં એલ નીન્યો સિસ્ટમ (ENSO) અને ઇન્ડિયન ઓશન ડિપોલ (IOD) ન્યુટ્રલ રહેવાના અનુમાન છે. આ બન્ને સિસ્ટમો દરિયાના તાપમાન પર આધારિત છે. એમની અનુકૂળ સ્થિતિના કારણે માત્ર દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારત નહીં પણ દેશના અન્ય વિસ્તારોમાં પણ ચોમાસા ન માત્ર વધારે સારૂં રહેશે પણ સમય પહેલા સક્રિય થવાની શક્યતા છે. આઈએમડી અનુસાર, આ વર્ષે ભારતમાં ચોમાસુ સિઝનમાં સામાન્ય કરતા વધુ, કે ઐતિહાસિક સરેરાશ 87 સે.મી. કરતાં 5% વધારે વરસાદ થવાની શક્યતા છે. જો આ સાચું સાબિત થાય છે, તો તે સતત બીજું વર્ષ હશે જેમાં ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થાય છે. ગયા વર્ષે પણ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ઐતિહાસિક સરેરાશ કરતાં 8% વધુ વરસાદ થયો હતો.