મનરેગા કૌભાંડઃ વડોદરાના કરજણ તાલુકામાં ₹ 2.72 કરોડની ગેરરીતિનો પર્દાફાશ!
ત્રણ પૂર્વ ટીડીઓ સહિત 8 સામે ફરિયાદઃ દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ બાદ હવે વડોદરામાં ગોટાળો

કરજણ તાલુકા પંચાયતના અધિકારીઓએ ગેરરીતિ કરી ધનંજય કન્સ્ટ્રક્શનને ₹2.72 કરોડ ચૂકવી દીધા

કરજણ તાલુકા પંચાયતના અધિકારીઓએ ગેરરીતિ કરી ધનંજય કન્સ્ટ્રક્શનને ₹2.72 કરોડ ચૂકવી દીધા
ગુજરાતમાં મનરેગા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુ છે. દાહોદ. પંચમહાલ, નર્મદા અને ભરૂચ બાદ હવે વડોદરા જિલ્લામાં મનરેગા કૌભાંડમાં ગેરરીતિનો ખુલાસો થયો છે. મનરેગા યોજના હેઠલની કામગીરીમાં મટિરિયલ સપ્લાયના ટેન્ડરમાં ગોટાળા કરીને ધનંજય કન્ટ્રક્શનને રૂપિયા 2.72 કરોડ ચુકવી દેવામાં આવ્યા હતા. આ મામલે કરજણ તાલુકા પંચાયતના ત્રણ પૂર્વ તાલુકા વિકાસ અધિકારી સહિત 8 સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવ્યો છે. કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કરજણ તાલુકામાં મનરેગા યોજના હેઠળ માલ સામાન પહોંચાડવાની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ કરી વધુ બિલ ચૂકવી રૂપિયા 2.72 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તાલુકા વિકાસ અધિકારી જૈમિની પટેલે કરજણ તાલુકા પંચાયતના ત્રણ પૂર્વ તાલુકા વિકાસ અધિકારી અને પાંચ કર્મચારીઓ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવાયુ છે કે, વર્ષ 2021માં કરજણ તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત થનારા કામો માટે માલ સામાન સપ્લાય કરવા તત્કાલિન તાલુકા વિકાસ અધિકારીએ ટેન્ડર જારી કર્યું હતું. તત્કાલિન તાલુકા વિકાસ અધિકારીએ મનસ્વી રીતે ગોટાળા કરી ધનંજય કન્સ્ટ્રકશન કંપનીને રૂપિયા 2,72,98,540 ચૂકવી દીધા હતા. જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ કરી વર્ષ 2021થી 2022 સુધી ધનંજય કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. બાદમાં એક વર્ષની મુદ્દત પણ વધારી આપવામાં આવી હતી.
કરજણ તાલુકાના મનરેગા યોજના હેઠળના કામોમાં ગેરરીતિ બાબતે તપાસ કમિટી રચવામાં આવી છે. આ તપાસ કમિટીએ હાથ ધરેલી તપાસમાં કરજણ તાલુકા પંચાયત કચેરીના 8 કર્મચારીઓએ આર્થિક લાભ મેળવવાના આશયથી ટેન્ડર પ્રક્રિયાની શરતોનો ભંગ કરી ઇજારો આપ્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં ધનંજય કન્સ્ટ્રક્શન કંપનીને મંજૂર થયેલા ભાવના બદલે એસઓઆરના ભાવથી સીધુ ચૂકવણું કરી દીધું હતું. જ્યારે ટેન્ડરની મુદ્દતમાં વધારો કરી રૂપિયા 5,36,80,757 ચૂકવી દીધા હતા. ધનંજય કન્ટ્રક્શન કંપનીને રૂપિયા 2,72,98,540 વધુ ચૂકવી સરકારી તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કરજણ પોલીસે કરજણ તાલુકા પંચાયતમાં ફરજ બજાવનાર તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી પી.ડી.સેનમા, તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી એસ.એન. ગાવિત, તત્કાલિન તાલુકા વિકાસ અધિકારી કે.એચ.શાહ, તતિકાલિન ટેકનિકલ આસીસ્ટન્ટ સિરાજ મનસુરી, એ.એ.માણકી, તત્કાલિન એપીઓ જીતેન્દ્ર પરમાર, ધર્મેશ ઘેલાણી અને એએસએમ એન્ડ કંપનીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉજ્જવલ પટેલ સામે મનરેગા યોજના હેઠળ મટિરિયલ સપ્લાયમાં રૂપિયા 2.72 કરોડ વધુ ચુકવી સરકારને આર્થિક નુકસાની પહોંચાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!