રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 215 તાલુકામાં મેઘરાજાની ધડબડાટી!
જૂનાગઢના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો

તાલાલા, વિસાવદર, માંગરોળ, મહુવામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો, સિઝનનો 29.13 ટકા વરસાદ

તાલાલા, વિસાવદર, માંગરોળ, મહુવામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો, સિઝનનો 29.13 ટકા વરસાદ
રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં છેલ્લાં 24 કલાક દરમિયાન મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના તાલાલા, સુરતના મહુવા, જૂનાગઢના વિસાવદ, માંગરોળમાં 5 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
નવસારીના ખેરગામ અને ચિખલી, ગીર સોમનાથના સુત્રાપાડા, સાબરકાંઠાના ઇડર અને ખેડબ્રહ્મા તેમજ બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ નવસારીના ગણદેવી, સુરતના બારડોલી, તાપીના ડોલવણ, પોરબંદરના રાણાવાવ, સુરતના કામરેજ, વલસાડના પારડી, બનાસકાંઠાના દાંતા, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને જૂનાગઢના કેશોદમાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. છેલ્લાં 24 કલાકમાં 20 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ, જ્યારે 39 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.
આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે શુક્રવારે (27 જૂન) કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.
28 જૂનના રોજ કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળશે. જેમાં કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયુ છે.
29 જૂનથી 1 જુલાઈ દરમિયાન કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મહીસાગર, દાહોદ, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 2 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં 18 ડેમ હાઈએલર્ટ પર
રાજ્યમાં કુલ 206 ડેમ પૈકી 12 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. 33 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 33 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 61 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 67 ડેમમાં 25 ટકાથી નીચે પાણી છે. 206 ડેમમાંથી હાલ 18 ડેમ હાઈએલર્ટ ઉપર છે. 15 ડેમ એલર્ટ ઉપર છે અને 12 ડેમ વોર્નીંગ લેવલ ઉપર છે. સરદાર સરોવર ડેમમાં દર કલાકે 28 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 35 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની ભયજનક સપાટી 454.98 ફૂટની સામે 387.40 ફૂટ પાણી ભરાયુ છે એટલે કે 49.09 ટકા ડેમ ભરાયો છે.
ધરોઈ ડેમમાં નવા નીરની આવક
મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં શુક્રવારે સવારે દર કલાકે 28 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટની સામે હાલમાં 607 ફૂટ જળ સપાટી નોંધાઈ છે. એટલે કે ધરોઈ ડેમ 52 ટકા ભરાયો છે. પાણીની આવક ચાલુ હોવાથી ડેમની જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં ચાલુ સિઝનનો 29,13 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં ચાલુ સિઝનનો સરેરાશ વરસાદ 29.13 ટકા નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત ઝોનમાં 30.93 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36 ટકા અને કચ્છ ઝોનમાં 23.70 ટકા વરસાદ નોધાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?