અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની બાજ નજર
બેંગકોકથી લાવવામાં આવેલું ₹20 કરોડનું વિદેશી ગાંજાનું કન્સાઇનમેન્ટ ઝડપાયું

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Marijuana Seized From Ahmedabad Airport: ગુનેગારો ભલે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દાણચોરી માટે 'સોફ્ટ ટાર્ગેટ' માનતા હોય, પરંતુ કસ્ટમ્સ વિભાગની સતર્કતા સામે તેમની તમામ ચાલાકીઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. તાજેતરમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ અને હેરોઇન પકડાયાની ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી, ત્યાં જ કસ્ટમ્સ અને ડીઆરઆઈ (DRI) એ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વધુ એક આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. 20મી મેની મધ્યરાત્રિએ થાઈ એરવેઝની ફ્લાઈટમાં આવેલા એક મુસાફર પાસેથી 20 કિલોથી વધુ વિદેશી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹20 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.
ટ્રોલી બેગની તલાશી દરમિયાન મળ્યા સીલબંધ પેકેટ
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટે (AIU) એરપોર્ટ પર કડક વોચ ગોઠવી હતી. બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઈટના મુસાફરોના સામાનની ઝીણવટભરી તપાસ દરમિયાન એક શંકાસ્પદ ટ્રોલી બેગ મળી આવી હતી. આ બેગ ખોલીને જોતાં તેમાંથી લીલા રંગના સૂકા છોડ જેવા પદાર્થથી ભરેલા 19 સીલબંધ પેકેટો મળી આવ્યા હતા. એરપોર્ટ પર જ કસ્ટમ્સ દ્વારા તેનું કેમિકલ પરીક્ષણ કરવામાં આવતા તે ઉચ્ચ ગુણવત્તાનો વિદેશી ગાંજો (હાઇડ્રોપોનિક વીડ) હોવાનું કન્ફર્મ થયું હતું. અધિકારીઓએ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ કુલ 20.366 કિલો જથ્થો જપ્ત કર્યો છે.
ઉત્તર પ્રદેશના શખ્સની ધરપકડ, દિલ્હી કનેક્શન ખુલ્યું
આ મામલે કસ્ટમ્સ વિભાગે ગેરકાયદેસર હેરાફેરી કરવા બદલ મુસાફર અંગત શ્રીવાસ્તવ (રહેવાસી: સહારનપુર, ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરી છે. કસ્ટમ્સની પ્રાથમિક પૂછતાછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી પહેલા દિલ્હીથી બેંગકોક ગયો હતો, જ્યાં તેને કોઈ અજાણ્યા શખ્સે આ કરોડોનો જથ્થો સપ્લાય કર્યો હતો. આરોપી આ માલ બેંગકોકથી વાયા અમદાવાદ થઈને દિલ્હી લઈ જવાની ફિરાકમાં હતો. પકડાયેલા આરોપીની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સફર હતી, પરંતુ તે ભારતમાં પ્રવેશે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓના સકંજામાં આવી ગયો હતો.
તપાસનો દોર DRI હસ્તગત, ભારતમાં વધતી માંગ ચિંતાનો વિષય
આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટમ્સ વિભાગે આરોપી અંગત શ્રીવાસ્તવ અને જપ્ત કરાયેલો કરોડોનો મુદ્દામાલ આગળની ઊંડી તપાસ માટે ડીઆરઆઈ (DRI) ને સોંપ્યો છે. આ ગાંજો બેંગકોકથી કોણે મોકલ્યો હતો અને દિલ્હીમાં તે કોને ડિલિવરી કરવાનો હતો, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર જે રીતે સતત વિદેશી ગાંજાના કન્સાઇનમેન્ટ પકડાઈ રહ્યા છે, તે સાબિત કરે છે કે ભારતમાં પ્રીમિયમ વિદેશી ગાંજો મંગાવનારા સ્મગલર્સનું નેટવર્ક ઘણું સક્રિય બન્યું છે અને દર સપ્તાહે આવા જથ્થા ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?